________________
42
આત્મ સેતુ
કંઈ ન પામીને. સઘળું પામી જવાય!
તા. ૧૨ ઓગષ્ટ ૨૦૦૨
સત્સંગી : આત્માને પ્રાપ્ત કરવો છે. સરવૈયું કાઢીએ તો ખબર પડે કે કેટલો પ્રાપ્ત થયો?
બહેનશ્રી : સરવૈયું કઈ રીતે કાઢી શકાશે?
સત્સંગી : મેં બીજાનું કેટલું ભલું કર્યું? કેટલા સારા વિચાર કર્યા? વગેરે...
બહેનશ્રી : આત્મા ક્યાંક દૂ..ર આકાશમાં છે. ત્યાં જઈ લઈ આવવાનો છે, એમ તો નથી!
આત્મા ક્યાંક મળે છે અને કંઈક આપીને મેળવવાનો છે એમ પણ નથી! આત્મા પ્રાપ્ત ક્યાંથી કરાશે? આપ જ ચેતન આત્મા છો!
આપે આપને મેળવવાના છે? અથવા એમ કહીયે કે આપે પોતે પોતાનામાં મળી જવાનું છે!? વેપાર ધંધામાં કમાણી જોવા સરવૈયું કઢાતું હોય છે. કેટલી આવક થઈ? કેટલી જાવક થઈ? શું ખર્ચ થયો? કેટલી કમાણી થઈ? મૂળ પૂરાંત સલામત છે કે વપરાવા લાગી છે? સરવૈયું કાઢીએ એટલે નફા-નુકસાન-પુરાંત વગેરેનો હિસાબ નીકળે. ક્યારેક, “આત્માના વેપાર” માં એમ લાગે કે મેં બીજાનું ભલું કર્યું. “આવક” થઈ. પણ તેના બદલામાં કંઈ જોઈતું હોય. મનમાં અંદર અંદર અપેક્ષા સળવળતી હોય, તે તરફ ધ્યાન ન હોય. એમ થાય કે “મેં આ સારું કામ કર્યું.” “જમા”ના ખાતામાં ખતવો. સાથે સાથે જે અપેક્ષા રહી હોય તે કયા ખાતામાં ખતવવાની? હા, આપણે જરૂર કંઈક એવી કમાણી કરી છે કે મનુષ્ય અવતાર મળ્યો છે. કહેવાય છે કે મનુષ્ય અવતારમાં “આત્માનો વેપાર” જેટલો ખીલવી શકાય છે તેટલો બીજા કોઈ અવતારમાં નથી બની શકતું. આપણે કોશિશ કરીએ કે આ “વેપાર”માં કેમ કરી “પૂંજી” વધે? અને એવી પૂંજી કે જેમ વાપરીએ તેમ વધે, ખૂટે નહીં. ધારો કે કોઈનું ભલું કર્યું. એ જમાના ખાતામાં ખતવ્યું પણ મનમાં અંદર અંદર આશા-અપેક્ષા હતી તેનું શું? મન કદાચ જવાબ આપે કે “મેં ક્યાં કંઈ માગ્યું છે?” મારે ભલાઈના બદલામાં રૂપિયા-પૈસા, ચીજ-વસ્તુ કંઈ નથી જોઈતું. પણ મનના કોઈ ખૂણામાં ક્યાંક “ભલાઈની કદર તો કરશે ને?” એવી આશા છુપાયેલી પડી હોય. વેપારના હિસાબો અલગ છે. “આત્માના વેપાર”ના હિસાબો અલગ છે. આ વેપારમાં એમ લાગે કે “મેં કમાણી કરી.” આવક તરફ ધ્યાન હોય, ને જાવકના દરવાજાની ખબર ન હોય. આવક ઓછી હોય ને જાવક દેખાતી સમજાતી ન હોય.