________________
58
આત્મ સેતુ
સત્સંગી : આત્માની શુદ્ધિની. શુદ્ધ આત્માની.
બહેનશ્રી : આત્મશુદ્ધિ થાય એ રીતે જીવવું તે આપણો ધર્મ સામાયિક, પ્રતિક્રમણ તથા અન્ય ધાર્મિક ક્રિયાઓ મનની શુદ્ધિ માટે જ હશે ને? આપ કહો છો ધર્મ માટે સમય નથી. ધાર્મિક ક્રિયાઓ થઈ શકતી નથી. તો જે થઈ શકે છે, જે કરવું પડે છે, જે કર્યા વગર છૂટકો નથી, જે કરવાનું ગમે છે, તે એવી રીતે કરવામાં આવે કે મનની શુદ્ધિ થતી જાય. જે કાર્ય કરતાં હો, તેમાં અતિક્રમણ શા માટે કરવું? કાર્યમાં પ્રતિક્રમણ વણી લઈએ.
તા. ૧૩ ઓગષ્ટ ૨૦૦૨
સત્સંગી : પ્રતિક્રમણ એટલે પશ્ચાતાપ?
બહેનશ્રી : ધાર્મિક વિધિ તરીકે પ્રતિક્રમણ એટલે પશ્ચાતાપ એવો અર્થ આપ્યો હોય તો તેમ. ભૂલ કે દોષને માટે પાછળથી ખેદ થાય, કંઈક કર્યા પછી જે પસ્તાવો થાય તેને પશ્ચાતાપ કહે છે. કંઈ યોગ્ય ન કર્યાનો સાચેસાચ પશ્ચાતાપ થતો હોય તો વ્યક્તિમાં ધીરે ધીરે ફેરફાર થશે. કોઈને મારીને “સોરી” કહ્યાં જેવું તો નથી થતું ને? તે જોવાનું રહે. માતા નાના બાળકને સમજાવે છે “જો બેટા! તેં બેનને કેમ માર્યું? તેને વાગે, દુઃખ થાય એમ મરાય નહીં. બેનને “સોરી” કહે..” બાળકને “સોરી” કહેવાનું નથી ગમતું. અહં આડો આવે છે. માતા બહુ કહે ત્યારે ન છૂટકે, ધીરા અવાજે, આડુ જોઈને “સોરી” કહી, બેનને એક ટપલી જોરથી મારી દઈ ભાગી જાય. પ્રતિક્રમણના પાઠમાં એવુ તો નથી થતું ને? પ્રતિક્રમણના પાઠ કર્યા કરીએ અને જેમ ટપલી મારતાં હોઈએ તેમ માર્યા કરીએ. જીવનમાં પ્રતિક્રમણ વણી લેવા તેનો શાબ્દિક અર્થ સમજીએ. પ્રતિક્રમણનો શાબ્દિક અર્થ કરીએ તો “તરફ જવું” અથવા “પાછા ફરવું” તેમ થાય. આપણી આત્મશક્તિ, સંજોગો, ભૌતિક સુખ સગવડો, પ્રલોભનો તરફ વહે છે. તે તરફથી પ્રતિક્રમણ કરવું. તે તરફથી સ્વ તરફ પાછા ફરવું. બહારની દોડાદોડ વખતે અંતરમન સાથે બહારનું મન જોડતાં થઈએ. જોડતાં રહીએ. પતંગને માંજો બાંધી આકાશમાં ઊડાડાય છે. પતંગને બાંધેલા માંજાનો દોર ફિરકી સાથે જોડાયેલો રહે છે. એ દોરની જેટલી ઢીલ છોડાય તેટલો જ પતંગ દૂર જઈ શકે. મન પતંગની દોર અંતરમન સાથે બાંધી રાખીએ. સમય જતાં એવું બની શકે કે મન વાળ્યું વળવા લાગે.