________________
આત્મ સેતુ
સુગંધ જ શ્વાસ અને સૌદર્ય જ નજર હોય તેમ અનુભવાયું.
પાનખરમાંથી વસંત! પ્રકૃતિનું રહસ્ય ખૂલવા લાગ્યું. મન અને નજર સ્થિર થતાં ચાલ્યા. વૃક્ષ, ડાળી, ફૂલ, ફોરમ, વાતાવરણ એક રસ થતાં ગયા. વૃક્ષની પાછળ ફેલાયેલું આકાશ દોડતું આવ્યું. આકાશ આવી ફૂલો પર ઝળુંબું. આકાશ ફૂલો પર બેઠું. આકાશ ફૂલો પર બેસી પ્રસરવા લાગ્યું. ડાળી ડાળી વચ્ચે આકાશ. ફૂલ કળી વચ્ચે આકાશ. ડાળીઓ વચ્ચેથી સરતું, ફૂલો વચ્ચેથી ઝરતું, વૃક્ષની પાછળથી પ્રસરતું આકાશ ફેલાવા લાગ્યું. દોડતુ આવી મને વીંટળાઈ વળ્યું. હું આકાશથી ઘેરાઈ ગઈ. અત્ર, તત્ર, સર્વત્ર બસ આકાશ જ આકાશ. આ ફૂલોનો મહેરામણ, સુગંધનો પ્રવાસ, આ પંખીઓની ઊડાઊડ, આ કોયલનો ટહુકો, સઘળું આકાશમાં. આ દોડતી ભાગતી આગગાડી-મોટરગાડી, આ હરતાં, ફરતાં માણસો, આ જંગલ-વન, આ ગામ-શહેર, યુદ્ધના સમરાંગણ, આ શાંતિના સંદેશ, સઘળું આકાશમાં.
જ્યાં કેટલીય ચીજ-વસ્તુ ભરપૂર ભરી છે ત્યાં આકાશ અને જ્યાં કંઈ નથી ત્યાં પણ આકાશ! કંઈ નવું જ દુ૨ય, દુષ્ટિ સામે ખૂલ્યું. આકાશ સૌને અવકાશ આપે છે. આકાશ સૌને અવકાશ આપ્યા જ કરે છે. આકાશમાં મહેલો ચણાય, આભ ઉંચી ઇમારતો બંધાય, બોમ્બ ફેંકાય, ઇમારતો તૂટે, જ્વાળામુખી ફાટે, સેવા સુશ્રુષા અને પાટાપિંડી થાય.. આકાશ કંઈ ન કરે. આકાશ માત્ર હોય. આકાશ હોય એટલે અવકાશ હોય. સઘળાને અવકાશ મળ્યા કરે. ઉપર આકાશમાં જ માત્ર આકાશ નથી, દૂર ક્ષિતિજમાં માત્ર આકાશ નથી. તે અહીં પણ છે. ત્યાં પણ છે. ચારે બાજુ છે. તે તરફ ધ્યાન ન હતું તો ખબર ન હતી. ખબર ન હતી છતાં આકાશમાં અવકાશ મળ્યા કરતો હતો.