________________
34
આત્મ સેતુ
અન્ય વ્યક્તિ પર પરિસ્થિતિ પર કાબૂ મેળવવા તથા અન્ય કેટલુંય મેળવવા આવા ભાવોને પોષીએ છીએ, પરિસ્થિતિ અને વ્યક્તિ તો કાબુમાં રહે તો રહે, પણ ક્રોધ વગેરે તો હંમેશના સાથી બની જાય છે.
તેના વગર ચાલતું નથી.
તેના વગર ગમતું નથી.
ક્રોધિત હોવું, મોહિત હોવું, લોભિત હોવું, બરાબર લાગે છે.
પોતે પોતાનાથી ખૂબ દૂ...ર દૂ...ર નીકળી ગયો છે.
“નિજઘર”ની યાદ પણ નથી.
કોઈ શિકારી, શિકારની પાછળ દોડતાં દોડતાં વનમાં અંદર પહોંચી જાય છે. પગમાં ઝખમ થાય, શરીર થાકીને દોડી ન શકે, પણ તે શિકારની પાછળ દોડ્યા કરે છે. એક શિકાર હાથ આવી જાય તો બીજા શિકાર તરફ નિશાન તાકે છે. તે અડાબીડ જંગલમાં પહોંચી જાય છે. જ્યાં ધોળે દિવસે અંધારૂ હોય છે. આજુબાજુ જોયા વગર શિકારને પગલે તેણે દોડ્યા કર્યું છે. પાછા જવાનો રસ્તો ખબર નથી. વનમાં રોકાઈ જાય છે. અડાબીડ જંગલનો વાર્સી બની જાય છે. પોતાનું ઘર કોઈ ગામમાં છે, ત્યાં પાછા ફરવાનું છે તે પણ ભૂલી જાય છે.
ઇચ્છાઓના અડાબીડ જંગલમાં જીવ “શિકાર”ની પાછળ દોડે છે. આ મળી ગયું, આટલું મળે એટલે બસ! થોડું વધારે એકઠું કરી લો! કામ, ક્રોધ, લોભ, મોહના કાફલા સાથે તે ઇચ્છાવનમાં જ વસી જાય છે. ઇચ્છાઓના વનમાં ભટક્યા કરે છે.
પોતાના નિજધામ વિશે વિચારે ય નથી.
તેને એમ જ છે કે હું આ વનનો જ વસનાર છું. હું આમ જ છું, ઇચ્છા થાય. ક્રોધ-લોભના લશ્કર સાથે મેળવવા નીકળી પડવું. બસ આમ જ છે.
જીવ પોતે કોણ છે? પોતે ઈશ્વરના કુળનો છે! પોતાની અસીમ શક્તિઓ છે. પોતાના અંતર મહેલમાં સુખ,
શાંતિ, સહજતા શુદ્ધિનો અખંડ ખજાનો ભર્યો છે, તેનો તેને ખ્યાલ પણ નથી.
"હું" વિશે કંઈ ખબર નથી.
શું આપણી વૃત્તિ, આપણું લક્ષ, આપણું ધ્યાન, એ ચેતનતત્વ તરફ વહી શકે તેમ નથી કે જેનાથી શરીર જીવંત છે?
સત્સંગી :
બહેનશ્રી : એ કયુ તત્વ “હું” તરીકે સંચરી રહ્યું છે?
જે સુખી થાય છે. દુઃખી થાય છે.
જે સુખ મેળવવા મથે છે. જે દુઃખને દૂર કરવા ઇચ્છે છે.
જે અન્યને દુઃખી જોઈને અનુકંપાથી દ્રવી ઊઠે છે.
જે કરૂણાથી રડી પડે છે.
જે ભયથી કંપે છે.
જે વીરતાથી અડગ છે.
જે ભયાનકતાથી ધ્રુજાવે છે.
જે અસંતોષથી લોભી થાય છે.