________________
38
આત્મ સેતુ અત્યારે, તમને પોતાને, તમે જે લાગો છો, તે જ અત્યારે આપ છો, તે પ્રવૃત્તિમય આપ છો અને સાથે સાથે શાસ્ત્રમાંથી વાંચ્યા-જાણ્યાં મુજબ શુદ્ધ-બુદ્ધ થવાની પૂરેપૂરી શક્યતાઓ આપનામાં મોજુદ છે. બહિર્મુખી જે પ્રવૃત્તિ કરો છો તે પ્રવૃત્તિના કારણો તમારી અંદરમાં છે. તમે અત્યારે શું છો તે તો પ્રથમ સમજાય!
સત્સંગી : એ સમજવુ બરાબર, પણ એ સમજણમાં... ઘાર્મિક ક્રિયાઓની સાથે સાથે બીજી જે સમાંતર (પેરેલલ) સંસારની પ્રવૃત્તિઓ છે એ પણ બંઘ નહીં કરી શકીએ.
બહેનશ્રી : સંસારની પ્રવૃત્તિઓ મનમાં છે. એ સમજવાની છે. અત્યારે આપ જે પ્રવૃત્તિ કરો છો તે પ્રવૃત્તિ બંઘ કરવાની વાત અત્યારે આપણે નથી કરતાં, તે પ્રવૃત્તિ જ સમજવાની વાત છે. ઇચ્છા, વિચાર તથા કામ ક્રોધ લોભ મોહના ભાવોથી આત્માની શુદ્ધિ અવરોધાઈ ગઈ છે. જેમ સોનાનું પાત્ર તેની પર ચડેલી ચીકાશ, ધૂળ, કચરાથી ઢંકાઈ જાય, તેમ આત્મા, લોભ મોહ વગેરે ભાવોથી ઢંકાઈ ગયો છે. સોનાના પાત્રમાં ચમક, પીળાશ, નરમાશ વગેરે સઘળું છે, પણ ઉપર ચડેલા મેલને લીધે તે દેખાતી નથી. આપ અરૂપી, શુદ્ધ, આનંદમય અનેક ગુણોનો ભંડાર ચેતનતત્વ છો. પણ તે તેની પર ચડેલા કર્મથી ઢંકાઈ ગયું છે. પ્રગટ નથી. તે ગુણો અનુભવમાં આવતાં નથી. જો આપણે ચેતન આત્માને સોનાના પાત્ર સાથે સરખાવીએ તો તેના પર ચડેલો કચરો માંજી માંજીને સાફ કરવો રહ્યો. બહારની પ્રવૃત્તિ તમારી અંદર છે. તમારી શુદ્ધિ, તમારી અંદર ચાલતી બાહ્યલક્ષી પ્રવૃત્તિની રજથી રજોટાઈ ગઈ છે. સવારથી સાંજ-રાત સુધી ચાલતી પ્રવૃત્તિની વૃત્તિ જ સમજવાનો પ્રયત્ન તો કરી જોઈએ! એ વૃત્તિઓ જાગે છે શું કામ? કોને જાગે છે? એ વૃત્તિઓ જેને થાય છે તે તત્વ કયું છે? કચરો-કર્મરજ અને આત્મશુદ્ધિ બંન્ને સમાંતર ન હોઈ શકે. જે બે રેખા સમાંતરે એક બીજાથી દૂર ચોક્કસ અંતરે જતી હોય તે રેખાઓ એકબીજાથી દૂર જ રહે. તે એક ન થઈ શકે. કાર્ય અને કાર્યશુદ્ધિ સમાંતર રેખા નથી. આત્માની શુદ્ધિ છે જ. પાત્ર સોનાનું છે. માત્ર તેની પર કચરો ભેગો થયો છે, તે દૂર કરવાનો છે. મનની વૃત્તિ, મનની જે ધારા બહિર્લક્ષી પ્રવાહિત થઈ રહી છે, તે ધારા અંતર તરફ વહે, સ્વ તરફ લક્ષ આપે, સ્વયંના અસ્તિત્વ પર ધ્યાન આપી અંતર્લક્ષી થઈ શકે છે. સોનાના પાત્ર પરના કચરાને સાફ કરવાનો છે. આપ હાલની પ્રવૃત્તિઓ પૂરતાં સીમિત નથી. સ્વ તરફ ધ્યાન અપાતા, હાલ જે પ્રવૃત્તિઓ આપ કરી રહ્યા છો, એ કરતાં કરતાં મનોવૃત્તિ ચોખ્ખી થતી જાય તેમ, તેમાં પરિવર્તન સ્વયં આવી શકે. શુદ્ધ થવાની શક્યતાઓ સૌમાં ભરપૂર છે. આપ સીમિત નથી, અસીમ છો.