________________
36
આત્મ સેતુ જો ૧૦૦% શ્રદ્ધા હોત તો એ માટે પુરૂષાર્થ બહુ વધારે હોત, જે હમણા નથી. આની સાથે સવારથી સાંજ સુધીની રોજની પ્રવૃત્તિઓ જે હમણા હું કરું છું એ પણ કાંઇ અટકાવી શકાય એ શક્ય નથી. એ પણ કરવી જ પડે છે. એને પણ ન્યાય આપવો પડે છે. તો પછી આ બધું કેવી રીતે કરવું, કે આનું પણ આ થશે અને આ પણ સાથે થશે?
બહેનશ્રી : સ્વરૂપ વિશેની આપની સમજ શું છે?
સત્સંગી : હું આ શરીર નથી. આત્મા છું. અરૂપી છું. અકર્તા છું, વગેરે..
બહેનશ્રી : આ આપને સમજાયું કેવી રીતે?
સત્સંગી : અમે શાસ્ત્રવાચન કરી ચર્ચા-વાર્તા કરી સમજીએ છીએ. શાસ્ત્રની વાતો તર્કસંગત અને સાચી લાગે છે.
બહેનશ્રી : ચાલો, જરા ભૂતકાળમાં નજર કરીએ. યાદશક્તિની નજર પહોંચે ત્યાં સુધી જોવાની કોશિશ કરી જુઓ. આપ જમ્યા ત્યારથી કઈ રીતે વર્તી છો? ખાવું-પીવું, તોફાન કરવા, રમવું, હસવું-રડવું, હરવું-ફરવું, પહેરવું-ઓઢવું, ભણવું-ગણવું, ડીગ્રી મેળવવી, નોકરી-ધંધો કરવા... વગેરે. તમારી ઇચ્છા, વિચાર અને વર્તન આવી વાતોને અનુસરે છે. તમારા હોવાપણામાંથી, તમારા વ્યક્તિત્વમાંથી આવી ઇચ્છાઓ, વિચાર વર્તન પોતાની મેળે આવ્યા કરે છે. કોઈએ તમને કહેવું નથી પડતું કે “ભાઈ! તું ભોજનની ઇચ્છા કર, મુવી જોવાની ઇચ્છા કર.” પોતાની મેળે જ આવું થાય છે. એ રીતે તમારાં હોવાપણામાંથી, તમારાં વ્યક્તિત્વમાંથી સ્વયં એમ નથી થતું કે “હું અરૂપી છું, હું માત્ર જ્ઞાતા-દૃષ્ટા છું...” થાય છે?
સત્સંગી : ના જી.
બહેનશ્રી : થોડા સમયથી શાસ્ત્ર વાંચનનું સૌભાગ્ય મળ્યું છે. તમને તેમાં રસ પડ્યો છે. બુદ્ધિથી તર્કથી એ વાતો સારી” લાગે છે. “સાચી” લાગે છે. આ વાતો વાંચન અને ચર્ચા-તર્કના આધારે છે. બુદ્ધિના સ્તર પર છે. અનુભવનું ઊંડાણ આંબવાનું બાકી છે. હિમાલય પર્વતના ઉચ્ચતમ શિખર, માઉન્ટ એવરેસ્ટ વિશે પુસ્તક હાથમાં આવે. આપ વાંચો. તમે બુદ્ધિથી નિરૂપેલી વાતો કરી જુઓ. તેને વિશે તર્કથી વિચારી જુઓ. તે લખાણ તમને બરાબર લાગે. માઉન્ટ એવરેસ્ટ વિશે ઘણી માહિતી આપને યાદ રહે. તેની યાત્રાના સાહસની વાતો, શિખરના સૌંદર્યના વર્ણનો યાદ રહે. તેની વાતો, તમે બીજા સાથે સારી રીતે કરી શકો. ત્યાં જવાની ઇચ્છા થાય. પણ ત્યાં જવા માટે પગલું માંડ્યું ન હોય.