________________
10
આત્મ સેતુ
બહેનશ્રી : ક્યારેક એવું બને કે માળા ગણવાનો નિયમ લીધો હોય તો ગમે તેમ કરીને તે પૂરી કરવાની મહેનત
હોય.
હાથ મણકા ફેરવે. મન બીજે ફરે. વ્યક્તિ જાતજાતના કામમાં અટવાયેલી હોય છે. કુટુંબની જવાબદારી. ધંધા-નોકરી કમાણીની ફીકર, સમાજ સાથે સંકળાયેલા રહેવાની માથાકૂટ, લોકોના મન સાચવવાના, વ્યવહાર સાચવવાનો, આબરૂ સાચવવાની, મિત્રતા ટકાવવાની, શત્રુતાથી સલામત રહેવાનું, પોતાની જાતને સંભાળવાની, ક્યારેક ખુશ રાખવાની... સવારે ઊઠે તે રાત્રે સૂએ ત્યાં સુધી કાર્યો ચાલુ હોય. તેમાં વચ્ચે માળા ફેરવવાની “વ્યવસ્થા” કરવાની! સતત કાર્યરતતાને લીધે મન એટલું ચંચળ થઈ ગયું હોય છે કે તે પોતાની સ્થિરતા ભૂલી ગયું છે. સંબંધોને, કાર્યોને, સલામતીને, જરૂરિયાતોને “અમુક” દૃષ્ટિથી જોવાને ટેવાઈ ગયું છે. વ્યક્તિને એ ખ્યાલ પણ ક્યારેક નથી હોતો કે પોતાના અંતરના ઊંડાણમાં શાંતિનું સરોવર લહેરાઈ રહ્યું છે. જે રીતે પોતે અત્યારે જીવે છે તેનાથી જુદી રીતે, થોડો ફેરફાર કરતાં કરતાં પણ જીવી શકાય છે તેનો ખ્યાલ નથી હોતો. પોતાનામાં શાંતિનું સરોવર છે તેમાં ડૂબકી મારી પોતે શાંતિમય થઈ શકે છે. આપને વિચાર આવ્યો કે મંત્ર જાપથી શું થાય? મને લાગે છે, જો વ્યક્તિ ઇચ્છે તો મંત્ર-સ્મરણ વ્યક્તિને શાંતિ સરોવરની યાત્રાએ લઈ જઈ શકે.
સત્સંગી : તે કઈ રીતે?
બહેનશ્રી : જો અનુકૂળતા હોય તો મંત્ર જાપ માટે એવો સમય રાખવો કે કામનું દબાણ ન હોય. ઘરમાં એવી જગ્યાએ બેસવું જ્યાં પ્રમાણમાં શાંતિ હોય. પલોંઠીવાળી (બની શકે તો પદ્માસનમાં) બેસવું. બને તેટલું ટટ્ટાર બેસવું, પણ અક્કડ નહીં, આંખો બંધ કરવી. નીચે બેસી ન શકાય તો ખુર્શી પર બેસવું. આપ જે મંત્ર કરતાં હો તેના ઉચ્ચાર શુદ્ધ અને મધુર કરવા જેથી મંત્રનો ધ્વનિ તે ઉચ્ચારનારના કાને વારંવાર પડે. મંત્ર યાદ કરવો, ઉચ્ચારવો અને સાંભળવો એ ત્રણે થાય. મંત્ર માટે જે સમય ફાળવતાં હો તે સમયમાં થોડો સમય વાણીથી બોલી સંભળાય તે રીતે જાપ કરવા. થોડો સમય ધીરેથી બોલી (ગણગણતા હોય તે રીતે) જાપ કરવા. અન્ય સમય માનસિક જાપ કરી શકાય. મંત્રધ્વનિ મનના પ્રયત્ન વગર મનને આકર્ષિત કરે છે. ધ્યાન પૂર્વક જપ કરતાં શબ્દના ભાવ તરફ જવા મનને અજાણતા પ્રેરણા મળે છે. બીજા વિચારો અને ભાવો તરફ વહેતી ઊર્જા એકત્ર થવાની શક્યતા વધે છે. એવું બને કે કોઈ વખત મંત્ર તરફ ધ્યાન હોય. કોઈ વખત ધ્યાન ચાલ્યું જાય. ફરી મંત્ર તરફ ધ્યાન આવે. મંત્રશબ્દ અને મંત્રધ્વનિ તથા મંત્ર પુનરાવર્તનથી એકત્રિત થતી શક્તિથી, સમય જતાં મનની સ્થિરતા વધે એમ બની શકે. મંત્ર પ્રત્યે જેમ જેમ ધ્યાન વધતું જશે, સ્થિર થતું જશે તેમ તેમ વિચારોનું જોર ઓછું થશે. વિચારોની વણઝાર મનને પકડી રાખી નહીં શકે. મન તેની સપાટીની ચંચળતાથી મનની સ્થિરતા અને ઊંડાણ તરફ વિકસિત થઈ રહ્યું છે તેમ લાગશે. આગળ જતાં મંત્રજાપની અસર તમારા મનના સૂક્ષ્મ સ્તર તરફ પહોંચશે. મનના ઊંડાણમાં ચાલતી વિચાર પ્રક્રિયાને તમારૂ ધ્યાન સ્પર્શી જાય તેમ પણ બની શકે.