________________
આત્મ સેતુ તે તો અંતરમાં અનુભવાશે. ચેતનતત્વનો અનુભવ થશે ત્યારે કોબીના પાન, કે ભંગાર ગૌણ થતાં થતાં વ્યક્તિથી છૂટા પડવા લાગશે. વ્યક્તિ, ઇચ્છાઆશા વગેરેથી પોતાનું હોવાપણું કંઈક જુદું છે તેમ અનુભવશે.
તા. ૨૮ સપ્ટેમ્બર ૨૦૦૦
સત્સંગી : તક મળે તો ધર્મ થાય ને?
બહેનશ્રી : કામકાજ, વ્યવહાર વગેરે ચાલ્યા કરવાનું, તેમાંથી રસ્તો કાઢતાં રહેવાનું. ધર્મ એટલે શું તે સમજતાં જવાનું. ધર્મ એટલે શું તે સમજવા જેવું છે. ધર્મનું રૂપ ખ્યાલમાં આવતું જશે, તકની હાજરી-હાજર દેખાશે.
તા. ૨૮ સપ્ટેમ્બર ૨૦૦૦
સત્સંગી શરૂઆતની ભૂમિકામાં તમે આત્માર્થે શું કરતાં હતાં?
બહેનશ્રી : શરૂઆતની ભૂમિકામાં, આ શરૂઆતની ભૂમિકા છે, તેમ, હું જાણતી ન હતી. શાસ્ત્રવાચન-સત્સંગનો યોગ સાંપડ્યો નથી. એક દિવસ, ઓચિંતું, ઈશ્વર તરફથી ઈનામ મળ્યું. સ્વયં-સહજ ધ્યાનમાં સરી જવાયું. અને ત્યાર પછી, ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે વર્ષોથી, રાત-દિવસ આ માટેની તૈયારી ચાલતી હતી. ચપટી પ્રસાદની આશ હતી. લહેરાતો સાગર આવી મળ્યો!
સત્સંગી : અમે સત્સંગની શરૂઆતમાં નવકારમંત્ર બોલીએ છીએ. તમે આવ્યા હોવ, ત્યારે નવકાર બોલતાં વિચારવું પડે છે, કારણ કે મંત્ર શરૂ થતાં તમે ધ્યાનમાં ઊતરી જાઓ છો. ધ્યાનમાં જવા તમે શું કરો છો?