________________
આત્મ સેતુ
29 ધર્મ કરવો છે? શાંતિ જોઈએ છે? આ પ્રશ્ન આપણે આપણને પોતાને, પ્રામાણિકતાથી પૂછી શકાય. “મારે ધર્મ કરવો છે પણ સમય ક્યાં? અનુકૂળતા ક્યાં?” એ વાત ઉપરછલ્લી તો નથી ને? માત્ર મન મનાવવાના શબ્દો નથી ને? લોકોમાં “સારૂં” દેખાડવાનો ખ્યાલ નથી ને? “ધર્મ કરવો છે” એ ખ્યાલ વારંવાર આવતો હોય, અશાંતિ સતાવતી હોય, અને ધર્મ કરવાનો ખ્યાલ પણ સતાવતો હોય, તો, ધર્મ યાત્રાની તૈયારી રૂપે “દુઃખમાંથી પણ ધર્મની શરૂઆત કરી શકાય. “ઈશ્વરે” તકલીફ, ઉપાધિ અને દુઃખ “આપીને” મનુષ્ય પર ખૂબ ખૂબ ઉપકાર કર્યો છે. દુ:ખમાં જીવ સહજતાથી પોકારી ઊઠે છે “હે પ્રભુ! હવે મને આમાંથી છોડાવ, મેં આવા તે શા પાપ કર્યા છે કે મારે આવી ઉપાધિ આવી?” સુખમાં કોઈ પોકાર કરે છે પ્રભુ ને કે “હે પ્રભુ આમાંથી છોડાવ...” આ ઉપાધિ ક્યાંથી આવે છે? “પાપ” શું છે? તે વિશે વિચાર કર્યો છે? કોઈ બાબત પર ક્યારેક વધારે ગુસ્સો આવે છે, તો ક્યારેક એ જ બાબત પર ઓછો ગુસ્સો આવે છે. સામે ગુસ્સાના કારણો સરખા જ છે, છતાં ગુસ્સો વધારે - ઓછો છે. આમ શાથી? ક્યારેક મન શાંત હોય તો એ જ બાબત જુદી રીતે દેખાય છે. શાથી? અશાંતિ માટે આપણે અથાક “પ્રયત્નો” કરીએ છીએ. અશાંતિમાં, ટેન્શનમાં વધુને વધુ ખુંપતા જઈએ તેવા જીવન તરફ ધસી રહ્યાં છીએ. તેનો કદાચ વિચાર પણ નહીં હોય. જો અશાંતિથી થાક્યા હો, જો શાંતિની તરસ લાગી હોય, કંઠ શોષાતો હોય તો અનેક પ્રશ્નો અંતર-ગુફામાં પડઘા પાડે. તેના ઉત્તર શોધવા બહારના પ્રયત્નો થાય, અને આંતરિક પ્રયત્નો પણ થાય. “દુઃખ”નું પગેરૂ કદાચ, પોતાની વૃત્તિમાં, વર્તનમાં અને ભાવ તરફ પણ જતું દેખાય, એવું બનવા સંભવ છે. સામાન્ય રીતે મનની વૃત્તિ, પરિવાર-સમાજ, ધંધો-નોકરી, કંઈક મેળવવા મૂકવા તરફ વહેતી હોય છે. વૃત્તિઓનું, ઇચ્છાઓનું એ વહેણ ક્યારેક ધીરૂ વહેતુ હોય અને ક્યારેક ધસમસતું લાગતું હોય. દુઃખ અને તકલીફના સમયે લક્ષ પોતાના વર્તન તરફ પણ અપાય તો? સંભવ છે પોતાના વર્તનમાં ફેરફાર કરવાનો ખ્યાલ આવે. ક્ષમાભાવની વિશેષતાની ઝાંખી થાય. સદ્ભાવ અને સમતાનું મહત્વ સમજાય. ગુણોની આછી આછી ય સમજ વધે. સમજ આવતા આચરણમાં આવવા લાગે. વિશેષતઃ પરિસ્થિતિ અને અન્ય વ્યક્તિઓ તરફ વહેતી વૃત્તિની ધારા હવે પોતાની અંદર તરફ પણ વહે. જે શાંતિ-સમતા તથા અન્ય શક્તિઓના આપ ધારક છો, જે શાંતિ આપનામાં છે જ, તેનો ખ્યાલ આવે, તેની સમજ આવતા, તે તરફ ધ્યાન આપતાં, આપનામાં તે પ્રગટવા લાગે. દુઃખ, તકલીફ અને ઉપાધિ વચ્ચે પણ, ધર્મયાત્રાની તૈયારીરૂપે આપ ધાર્મિક હોઈ શકો.