________________
16
આત્મ સેતુ
બહેનશ્રી : સહજ સરી જવાય છે!
તા. ૨૮ સપ્ટેમ્બર ૨૦૦૦
સત્સંગી : અમે જાણ્યું છે કે ધ્યાન કરવા માટે ધ્યાનમાં બેસી વિચારોને જોવા. નિર્વિચાર થવું. વિચારોને જોવા જતાં, વિચારો સાથે જોડાઈ જવાય છે, અને વિચારો અટકાવવાનો પ્રયત્ન થાય છે. એમ વિચાર આવે છે કે નિર્વિચાર થવાનું છે એટલે વિચાર ન આવવા જોઈએ. પણ વિચારો રોકી શકાતાં નથી. બહુ વાર પછી ખ્યાલ આવે કે અરે! હું વિચારોમાં જોડાઈ ગયો. ઘણા વિચાર જોવાના રહી ગયા... જે રહી ગયા તે વિચારો પકડવાનો વિચાર આવે, પણ આ કંઈ કરી શકાતું નથી ને નિરાશા આવે...
બહેનશ્રી : ધ્યાન એટલે બસ હોવી કરવાપણું ખરી પડે. હોવાપણું માત્ર હોય.
જ્યારે કરવાપણું ખરી પડે, ત્યારે માત્ર હોવાપણું હોય! વિચારો તમે લાવો છો કે પોતાની મેળે આવે છે?
સત્સંગી : હું બેસું છું ને વિચારોની હારમાળા શરૂ..
બહેનશ્રી : વિચારો કરવા હોય ત્યારે આવતાં નથી. વિચારો બંધ કરવા છે પણ થતાં નથી. વિચારો જોવા છે પણ જોડાઈ જવાય છે. આપણે પગથી માથા સુધી બસ વિચારો જ વિચારો છીએ. વિચારનો વિચાર કરી એક વિચારનો ઊમેરો થાય છે. વિચારો પર વ્યક્તિનું કેટલુક ચાલે છે? વિચારો એની મેળે આવે છે. તેની મેળે ચાલ્યા જશે. ન રોકવાનો પ્રયત્ન કરવો. ન દૂર કરવાનો. પ્રયત્ન કરવો હોય તો સહજ થવાનો-રહેવાનો પ્રયત્ન કરવો. ધ્યાનમાં તમારું ધ્યાન વિચારો પર છે. ધ્યાન જોનાર તરફ જઈ શકે છે. ...આ વિચાર આવ્યાં, આટલાં જોવાયાં...આ જોવાના રહી ગયા... ક્યારે જોડાઈ જવાયું ખ્યાલ ન રહ્યો, ... ઘણી વાર પછી ખ્યાલ આવ્યો કે જોડાઈ જવાયું... આ સઘળુ જોનારૂ તમારામાં “કંઈક” છે.