________________
22
આત્મ સેતુ બહેનશ્રી : રાગ અને અહં સંકળાયેલા છે. રાગ કહેશે “મને આ ગમે છે.” “મને આ જ જોઈએ છે” “ખૂબ જોઈએ છે.” “અનેક પ્રકારની ઇચ્છાઓ છે.” અહંકાર કહેશે “મારાથી ઘર ચાલે છે” “હું મહેનતુ છું” “હું મેળવીને જંપીશ” “તેના કરતાં હું ચડિયાતો...” વગેરે વાતોથી તો સંસાર છે. આ પ્રકારની બાબતોનો વિચાર અને વિસ્તાર ગમે છે. તેમાં રોકાયેલા રહેવાય છે.
સત્સંગી : અહં બાજુએ મૂકવાનો રસ્તો શું? શી રીતે બાજુએ મૂકવો?
બહેનશ્રી : અહં કોઈ વસ્તુ કે પદાર્થ નથી કે તેને “છૂટો" પાડીને, ઉપાડીને બાજુમાં મૂકી શકાય. અન્ય વૃત્તિઓની જેમ અહં જીવની વૃત્તિ છે. દેહની મુખ્યતાએ ભૌતિક વસ્તુઓની, પદની, સત્તાની અહંવૃત્તિ કાર્ય કરે. જીવ ઝઝૂમે, ભેગુ કરે, લડે, ઝગડે, આંચકે, લઈ લે, સંતાડે, સત્તા અને પદ મેળવવા પ્રપંચ કરે, મહેનત કરે, અને જીવની અહંકારી થવાની શક્યતા વધતી જાય.. ચેતન તત્વની મુખ્યતાએ, આત્માની મુખ્યતાએ, જીવ જતું કરે, આપે, નમ્ર અને ઉદાર બને, દયાળુ તથા ક્ષમાવાન થાય, પ્રેમાળ અને પવિત્ર થતો જાય, અને જીવની વિરાટ બનવાની શક્યતા રહે. વ્યક્તિમાંથી હાલ જે પણ વ્યક્ત થઈ રહ્યું છે તે વ્યક્તિત્વ પૂરતો જીવ સીમિત નથી. તેનું અસ્તિત્વ વિશાળ છે. અસીમ છે. જે વ્યક્ત થઈ રહ્યું છે તેનો આધાર અવ્યક્ત છે. જે તત્વના આધારે વ્યક્તિત્વ છે તે આધાર તરફ લક્ષ આપવામાં આવે તો? વારંવાર લક્ષ અપાયાથી ચેતનતત્વનો ખ્યાલ આવે. વ્યક્ત થવાપણુ બદલાયા કરે છે પણ તેનો સ્રોત બદલાતો નથી, તેનો અણસાર આવે... જીવ, લોભ-મોહની પૂર્તિનું અભિમાન માત્ર નથી પણ તે ચેતનામય છે, તેના લક્ષ, પ્રતીતિ અને અનુભવમાં અહંકાર વિલીન થવા લાગે.
સત્સંગી: હું જે રીતે જવાબ સમજ્યો છું તે એ કે અહં બાજુએ મૂકવા કરતાં, તેની પર ધ્યાન આપવા કરતાં અસ્તિત્વ તરફ જવાનું?
બહેનશ્રી : અસ્તિત્વ તરફ ધ્યાન આપો. અહંકાર જેને થાય છે તે શું છે? કોણ છે? તે, પોતાનામાં, કયુ તત્વ છે? તે તત્વનું હોવાપણું કેવું છે? આપણને પોતાને સમજવાનો ખ્યાલ સામાન્ય રીતે ઓછો આવે છે. કદાચ વિચાર આવે છે તો ઉપરછલ્લો આવે
અહંકાર થવાના કારણો બીજામાં શોધીએ છીએ. તેના કારણો પોતાનામાં પણ હોય છે. અન્યના વિચારોમાં રોકાયેલા રહેવાથી પોતાને સમજવાનો આછો-પાતળો ખ્યાલ પણ વિસારે પડે છે. અહંકાર પોષીને સ્વસ્થ રહેવાની કોશિશ કરીએ છીએ. આપણે, આપણને પોતાને સમજવાની થોડી કોશિશ કરી જોઈએ.