________________
જાગે છે અને તેથી તેમાં ઉપેક્ષાભાવ આવે છે; જે, બધીય ઈન્દ્રિયોને આહ્લાદકર હોવા છતાં સાંસારિક સુખને દુ:ખસ્વરૂપ માનતા યોગીજનોમાં જોવા મળે છે. સર્વત્ર અસાર એવા પદાર્થોને વિશે તત્ત્વની વિચારણાને લઈને ચોથી ઉપેક્ષાભાવના થતી હોય છે. મનોજ્ઞ(ગમતી) કે અમનોજ્ઞ(અણગમતી) વસ્તુઓમાં વાસ્તવિક રીતે રાગ કે દ્વેષનું ઉત્પાદકત્વ નથી અર્થાત્ કોઈ પણ વસ્તુ રાગ-દ્વેષનું કારણ નથી. પરંતુ મોહનીયાદિ ઘાતિ કર્મોના વિકાર(વિપાક)ના કારણે ઉત્પન્ન થયેલા પોતાના અશુભ ભાવ સ્વરૂપ(સ્વાપરાધ) દોષના કારણે જ મનોજ્ઞ કે અમનોજ્ઞ વસ્તુઓમાં રાગ કે દ્વેષ ઉત્પન્ન થાય છે... આવી ભાવના ભાવવા સ્વરૂપ તત્ત્વચિંતનના કારણે પોતાને છોડીને(મોહાધીનતાને છોડીને) કોઈ પણ વસ્તુમાં સર્વત્ર સુખ કે દુ:ખની કારણતાને ન માનવાના કારણે સ્વાતિરિક્ત વસ્તુમાત્રમાં જે ઉપેક્ષાભાવ આવે છે, તેને ચોથી ઉપેક્ષાભાવના કહેવાય છે. આ વાતને જણાવતાં શ્રી ષોડશપ્રકરણમાં જણાવ્યું છે કે કરુણા, અનુબંધ, નિર્વેદ અને તત્ત્વ છે સારભૂત જેમાં તેને અનુક્રમે પહેલી, બીજી, ત્રીજી અને ચોથી ઉપેક્ષાભાવના કહેવાય છે. એનો આશય સ્પષ્ટ છે, જે ઉપર જણાવ્યો છે. ૧૮-૬॥
ઉપર જણાવ્યા મુજબના ચાર ચાર ભેદવાળા મૈત્ર્યાદિભાવો, ક્રમાનુસાર આત્મામાં પરિણામ પામતા હોય છે. વિશુદ્ધસ્વભાવવાળા એ ભાવોનો જ અધ્યાત્મમાં ઉપયોગ છે-આ વાત તેના ફળના નિરૂપણ દ્વારા જણાવાય છે