________________ પ્ર.- કર્મની ઉપર વિવિધ પ્રક્રિયાઓ થવામાં મુખ્ય કારણ કોણ ? ઉ.- આત્માના શુભાશુભ અધ્યવસાય અને પરિસ્થિતિ. આ એક મહત્ત્વની વસ્તુ છે કે જીવ જેવા જેવા અધ્યવસાયમાં રમે છે, અર્થાત્ વિચારો કરે છે, લાગણી અને વલણ ધરાવે છે, માનસિક ભાવમાં રમે છે, તેવી અસર કર્મના બંધ, સંક્રમણ, કાળસ્થિતિ વગેરે પર પડે છે. અધ્યવસાય શુભ ચાલતા હોય, તો (1) શાતા વેદનીય, યશ નામ કર્મ, ઉચ્ચ ગોત્ર વગેરે શુભ કર્મ બંધાય છે; અને (2) જે જ્ઞાનાવરણાદિ અવશ્ય બંધાનારા અશુભ કર્મો છે, તેનો રસ મંદ બંધાય છે, જે મંદ રસનો ઉદય થાય ત્યારે તે ઉગ્ર રસ જેટલી પીડા નથી આપતો. (3) વળી બંધાતી શુભ કર્મ પ્રકૃતિઓમાં તેની સજાતીય, અશુભ કર્મપ્રકૃતિઓમાંના કેટલાંક કર્મનાં દળિયાં સંક્રમિત થવાથી શુભ જેવા થઈ જાય છે. વળી (4) શુભ અધ્યવસાયના બળે પૂર્વબદ્ધ અશુભ કર્મોની સ્થિતિમાં તથા રસમાં મંદતા થાય છે, હ્રાસ થાય છે, અને શુભના સ્થિતિ-રસમાં વૃદ્ધિ થાય છે. શુભ અધ્યવસાયની બલિહારી છે, અને અશુભ અધ્યવસાય એ તો શ્રાપરૂપ છે. માટે શુભનો જ ખપ રાખવો. વળી પરિસ્થિતિ એ રીતે કામ કરે છે કે જીવની વર્તમાન પરિસ્થિતિ કોઈ એક મનુષ્યાદિ ગતિ ભોગવવાની ચાલતી હોય તો તે વખતે બીજી નરકાદિ ગતિના કર્મ એના એના ઉદય ક્રમશઃ પ્રાપ્ત થયેથી એમજ પ્રદેશોદયથી ભોગવાઈ જાય છે. વળી પરિસ્થિતિ જ્ઞાનાવરણાદિ કર્મના ક્ષયોપશમની ઊભી કરી હોય, તો કેટલાંય કર્મોની અનુદાય અવસ્થા કરાય છે. ઉપાધિ થી સમાધિ તરફ