________________
શોધ-ખોળની પગદંડી પર
૩
વક્ષ:સ્થળને કારણે તેમનાં પગલાં આગળથી દબાયેલાં હોય છે; પણ સ્ત્રીઓના પુષ્ટ નિતંબને કારણે, તેમનાં પગલાં પાછળથી દબાયેલાં હોય છે. આ કારણથી આ પગલાં વિદ્યાધરીનાં નથી.’ ફરી પાછો ગોમુખ બોલ્યો, ‘ચારુસ્વામી ! એ વિદ્યાધરની પાસે ભાર છે.’ હરિસિંહે પૂછ્યું,‘શું તે પર્વતનો ભાર છે ? કે સઘયૌવનવૃક્ષનો ભાર છે ? અથવા પૂર્વે જેણે પોતાનો અપરાધ કર્યો હોય એવા અને લાગ તાકીને પકડેલા શત્રુનો એ ભાર હશે ?' ગોમુખે ઉત્તર આપ્યો, ‘જો પર્વતનું શિખર હોત તો તેના ભારને કારણે પગલાં ખૂબ દબાયેલાં હોત; જો વૃક્ષ હોત તો તેની જમીનને અડતી શાખાઓની મુદ્રા ઘણા મોટા ધેરાવામાં દેખાતી હોત; અને શત્રુને તો આવા રમ્ય પ્રદેશમાં કોઈ લાવે જ નહીં.’ એટલે હરિસિંહે પૂછ્યું, ‘જો આમાંનું એક પણ કારણ ન હોય તો પછી એ ભાર છે શેનો ?' ગોમુખે કહ્યું, ‘સ્ત્રીનો’. હરિસિંહે કહ્યું, ‘સ્ત્રીનો ભાર હોય તે સંભવિત નથી, કારણ કે વિદ્યાધરીઓ પણ આકાશગામિની હોય છે'. એટલે ગોમુખ બોલ્યો, એ વિદ્યાધરની પ્રિયા માનવ સ્ત્રી છે; તેની સાથે તે રમણીય સ્થાનોમાં ફરે છે.’ હરિસિંહે કહ્યું, ‘જો તે એ વિદ્યાધરની પ્રિયા હોય તો તેને એ વિદ્યાઓ શા માટે આપતો નથી ?’ ગોમુખે ઉત્તર આપ્યો, ‘એ વિદ્યાધર મત્સ૨વાળો અને સર્વ પ્રત્યે શંકા રાખનારો છે; આથી “વિદ્યાઓ મેળવીને રખેને સ્વચ્છંદચારી થાય” એમ વિચારીને તે પોતાની પ્રિયાને વિદ્યાઓ આપતો નથી.' પછી હરિસિંહે પૂછ્યું, ‘તેની સાથે વિદ્યાને ધારણ નહીં કરનારી સ્ત્રી છે, એમ તેં શી રીતે જાણ્યું ?' ગોમુખે ઉત્તર આપ્યો, ‘સ્ત્રીઓના શરીરનો નીચેનો ભાગ પુષ્ટ હોય છે, અને તેમને ડાબે હાથે પ્રણ્યચેષ્ટા કરવાની ટેવ હોય છે; એ કારણથી આ તેનો ડાબો પગ કંઈક ઊંચો થયેલો છે'. હરિસિંહે કહ્યું, ‘જો તેની સાથે સ્ત્રી હોય તો પછી આ પ્રદેશમાં ઊતર્યા પછી તેની સાથે ભોગ ભોગવ્યા સિવાય તે કેમ ચાલ્યો ગયો ?’ ગોમુખ બોલ્યો, ‘વૃક્ષરાજિના અંધકારને લીધે (દૂરથી) હરિતમણિની વેદિકાથી વીંટળાયેલો હોય તેવો આ પ્રદેશ તેમણે ધાર્યો હશે, પણ પાસે આવતાં પ્રકાશવડે રમણીય અને પાણીથી વીંટળાયેલા પુલિનને જોતાં આ સ્થળને તેમણે રતિને માટે અયોગ્ય ધાર્યું હોવું જોઈએ. પગલાં તાજાં જ હોવાથી અવશ્ય તેઓ આટલામાં જ હશે. આ રમણીય પ્રદેશ ત્યજીને એકદમ જઈ શકાય એવું નથી, માટે આપણે તેમની પદપંક્તિની શોધ કરીએ.'
આ રીતે તપાસ કરતાં બીજા સ્થળે ચાર પગલાં જોવામાં આવ્યાં. તે ગોમુખને બતાવવામાં આવ્યાં, એટલે તેણે નિર્ણય આપ્યો કે, ‘ઘૂઘરીઓના અગ્રભાગ વડે અંકિત તથા પાની ઉપરનાં નૂપુરની જેમાં કંઈક મુદ્રા પડેલી હોય છે એવાં આ સ્ત્રીનાં પગલાં છે. આ બીજાં બે જુદાં છે, અને તે પુરુષનાં છે.' પછી ગોમુખના વચનથી વિસ્મય પામેલા તથા એ યુગલની પદપંક્તિને અનુસરતા અમે આગળ ચાલ્યા. પછી અમે ખીલેલાં પુષ્પોવાળું, ભ્રમરોથી ઢંકાયેલું અને શરદકાળની શોભાવાળું સમપર્ણનું વૃક્ષ