________________
ચારુદત્તચારિત્ર અને કૃષ્ણાન્વેષણ
૧. પ્રસ્તાવિક
અમુક ઘટના ઘટી ગયા પછી, જે સ્થળે કે માર્ગમાં એ બન્યું હોય તેનું નિરીક્ષણ કરીને, વિવિધ વસ્તુઓ કે નિશાનીઓ પરથી, બુદ્ધિચાતુર્યને બળે અટકળો કરીને, સમગ્ર ઘટનાસાંકળીનું ચોક્કસ અનુમાન લગાવવું— એ કથાઘટક ભારતીય તેમ જ ભારતબહારના કથાસાહિત્યમાં ઘણો જાણીતો છે. પાલિ ‘જાતક કથા’માં ૪૩૨મા ‘પદકુસલ-માણવજાતક' માં પગલાં પરથી ચોર કયે માર્ગથી ગયો હશે, તેની કડીબદ્ધ વિગતો બરાબર અટકળવામાં આવે છે. ‘નંદિસૂત્ર ‘ની ૬૪મી ગાથા પરની હરિભદ્રસૂરિની વૃત્તિ ઉપર બારમી શતાબ્દીમાં શ્રીચંદ્રસૂરિએ જે ટિપ્પણ રચ્યું છે, તેમાં વૈનયિકી બુદ્ધિના ઉદાહરણમાં પહેલું જે ‘નિમિત્તે' નું ઉદાહરણ આપ્યું છે, તેમાં તૃણકા લેવા ગયેલા, નિમિત્ત શીખતા શિષ્યોમાંથી એક શિષ્ય, રસ્તા પરનાં પગલાં અને ધૂળમાંની નિશાનીઓ, બંને બાજુનાં પાસાંની સ્થિતિ, ઝાડ પર વળગેલા દોરા વગેરે ૫૨થી એવી અટકળ કરે છે કે આ રસ્તે એક કાણી હાથણી પર લાલ વસ્ત્ર પહેરેલી સગર્ભા સ્ત્રી એક જુવાન પુરુષ સાથે બેઠી હશે અને પ્રસવ થતાં જન્મનારું બાળક પુત્ર હશે. આ કથા પછીથી અરબી-ફારસી સાહિત્યમાંથી ‘દરવેશ અને ફકીરની વાર્તા તરીકે આપણે ત્યાં પણ જાણીતી થઈ છે. પ્રાકૃત કથાસાહિત્યમાં આવા કથાઘટકના ઉપયોગનાં બીજા ઉદાહરણો પણ મળે છે. આનો એક વિશિષ્ટ પ્રકાર તે, રેતીમાં કે અન્યત્ર પડેલાં કોઈક વ્યક્તિનાં પગલાં પરથી—પગલાંના સ્વરૂપ અને આકારપ્રકાર પરથી – એ પગલાં જેનાં હોય તે વ્યકિતના (કે વ્યક્તિઓના) ઘટેલા વ્યવહાર વિશે
-
અને ચેષ્ટાઓ વિશે અટકળો કરવી અને એ અટકળો સાચી પડવી.
પ્રાચીન કથાસાહિત્યમાં મળતું ચારુદત્તચરિત્ર અને વૈદિક પરંપરાના પૌરાણિક સાહિત્યમાં મળતો કૃષ્ણાન્વેષણનો પ્રસંગ એનાં અત્યંત રસપ્રદ નિદર્શન પૂરાં પાડે છે. પૈશાચી ભાષામાં ઈસવીસનની પહેલી-બીજી શતાબ્દીમાં ગુણાત્યે ‘વડુકહા’ કે ‘બૃહત્કથા’ રચી હતી. પ્રાકૃત ભાષામાં ઈસવી છઠ્ઠી શતાબ્દીમાં સંઘદાસગણિએ કરેલું તેનું જૈન રૂપાંતર ‘વસુદેવદિંડી’ને નામે જાણીતું છે. તેના ત્રીજા લંભ ‘ગંધર્વદત્તા’માં ચારુદત્તની આત્મકથામાં એક આવો પ્રસંગ છે (‘વસુદેવહિંડી, પૃ..૧૩૪-૧૩૭). ‘બૃહત્કથા’ ના પ્રાપ્ત પ્રાચીનતમ સંસ્કૃત રૂપાંતર બુધસ્વામી-કૃત ‘બૃહત્કથા-શ્લોકસંગ્રહ'માં પણ તે મળે છે. (સર્ગ ૯,૮-૪૬). બીજી બાજુ, ‘વિષ્ણુપુરાણ'માં અને ‘ભાગવતપુરાણ’માં અર્દષ્ટ બનેલા કૃષ્ણની શોધમાં નીકળતી ગોપીઓવાળો પ્રસંગ પણ આ જ પ્રકારનો છે. આ પ્રસંગો મૂળ ગ્રંથોને આધારે નીચે રજૂ કર્યા છે.