________________
વાક્યોની કેવી ખૂબી હોય છે! કેટલાક વાક્યો તો એવા હોય છે કે જેને કદી ન તો કાટ લાગે, ન તો તે જૂનાં થાય! ક્યારેય આઉટ ઑફ ડેટ ન થાય! ક્યારેય અપ્રસ્તુત ન લાગે. એમાંથી ભિન્ન-ભિન્ન રસ ઝર્યા જ કરે ! ચિત્ત અકળાઈ ગયું હોય, હવે તો જીવનનો અંત લાવવો સારો --એવા ન ગમતાં વિકલ્પોનાં વાદળો દોડાદોડી કરીને આકરો વાદળિયો તડકો પાથરે ત્યારે આવાં વાક્યોનો પવન વાય અને એ વાદળો વિખરાઈ જાય; ચિદાકાશ ચોખ્ખું થઈ જાય! કેવી ખૂબી છે? ડાયાબિટીસ કે હાર્ટ-ડિસીઝવાળા જેમ ખિસ્સામાં લાઈફ-સેવિંગ દવાઓ રાખતા હોય છે તેમ, નાનાં નાનાં કાર્ડ બનાવીને આવા વાક્યો પાકિટમાં, ગજવામાં રાખી મૂકવા જેવા છે. કોઈની સંપત્તિ જોઈ મન ચચરાવા લાગ્યું. મનમાં સંતાપ શરુ થયો કે તરત કાર્ડ કાઢી વાંચ્યું. મારું પુણ્ય જાગશે તો મને પણ એવું જ મળશે. ભલે એ સુખી થાય. એ કાર્ડને સહારે મનનો બળાપો ગાયબ! અણગમતું થયું? કોઈ પર ગુસ્સો આવ્યો? કાર્ડ કાઢ્યું: सव्वे जीवा कम्मवसा। ગુસ્સાનું કેન્દ્ર બદલાઈ જશે. વ્યક્તિ મટીને કર્મ નિશાન બનશે. જીતી ગયા! શરીરમાં રોગ દેખાયો... અરે ! અહીં તો રુવે-રુવે રોગ ભર્યા પડ્યા છે. એમાંથી એક-બે જ દેખાયા. કાર્ડ મદદે આવશે જે આવ્યું તે જવા માટે. લઘુતાગ્રન્થિનો શિકાર બન્યા. હું દીન છું, હીન છું. અરે ! હું તો ઉત્તમ શરીર-સંપત્તિનો માલિક છું. મારા જન્મથી માતા-પિતા-પરિવાર ખુશખુશાલ હતા. કાર્ડ કાઢ્યું. વાંચ્યું: उजाले अपनी यादों का हमारे साथ रहने दो। न जाने किस गलीमें शाम ढल जाये॥ આ ઉત્તમ સલાહ છે. મોં સદાય સ્મિત મઢેલું રાખવું હોય તો આ ટ્રિક અજમાવવાથી મોં પરની પ્રસન્નતા પણ જળવાઈ રહેશે. તો શરુ કરીએ આવા નાનાં નાનાં કાર્ડ રાખવાનું.....
= ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org