Book Title: Maru Jivanvrutt Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 9
________________ પ્રાસ્તાવિક કેટલાક વિચારવાન મિત્રો ઘણો વખત થયા મને કહેતા રહ્યા છે કે તમે તમારું જીવનવૃત્ત લખી કાઢો. ક્યારેક કયારેક લખી કાઢવાનું મન થઈ આવતું, પણ સંકોચનો પડદો આડે આવતો. એમ થતું કે કયાં પરાક્રમશાળી અને તેજસ્વી પુરુષોની જીવનકથા અને ક્યાં મારી પામર જીવનકથા. પડદામાં ઊછરેલ કુળપુત્રી જ્યારે કુળવધૂ થાય છે અને તેને જીવન જીવવું પડે છે ત્યારે જીવનનાં દબાણો તેના સહજ સંકોચના પડદા ધીરે ધીરે ખેસવી નાંખે છે. તેમ મારો સંકોચ પણ અનેક જીવનકથાઓ વાંચવાના તેમજ કાળ-પરિપાકના પરિણામે ધીરેધીરે ઓસરતો ગયો. આજે એ પડદો સાવ ખસી જતાં હું જીવનવૃત્ત લખાવવાની ધૃષ્ટ ભૂમિકા ઉપર આવી બેઠો છું. આખા જીવન દરમિયાન એક યા બીજે કારણે જીવનના એકેય પ્રસંગની નોંધ કરી કે કરાવી નથી. જે કાંઈ સ્મૃતિપટમાં ફુરી આવે છે અને જેનો સંવાદ તેમજ સુમેળ આસપાસની બીજી નિશ્ચિત ઘટનાઓ દ્વારા ઓછે વધતે અંશે થઈ જાય છે તે જ વસ્તુ હું મોટા ભાગે આલેખવા ધારું છું. મારે કહી દેવું જોઈએ કે ઘણી બાબતોની તારીખો અને સાલવારી ચોક્કસ નહિ પણ હોય. એમાં કાંઈક ઊલટુંસૂલટું થઈ જવાનો વધારે સંભવ છે. છતાં એક બાબત તો નિશ્ચિત છે કે હું જે જે જીવનઘટનાઓનું આલેખન કરીશ તે અનુભવસિદ્ધ હોઈ તેમાં ભાગ્યે જ વિપર્યાસ થશે. જોકે તપાસ કરવાની તેમજ પુરાવાઓ શોધવાની લાંબી જંજાળમાં ઊતરું તો ઘણી બાબતોની ચોક્કસ તારીખો અને સાલવારી મળી પણ આવે. છતાં ધૂળધોયાના એ ધંધામાં પડી, થોડી બચી ગયેલ શક્તિ અને સમયનો ઉપયોગ એ નિમિત્તે કરવાનું મને આજે કોઈ પણ રીતે પોસાય તેમ છે જ નહિ. તેથી મારા પરિચયમાં આવનાર આ સ્મરણપ્રસંગોમાં કાળક્રમનો કોઈ વિપયર જુએ તો સુધારી લે. જીવનપ્રસંગો અને જીવનઘટનાઓ વિષે પણ એક બાબત સૂચવવા ધારું છું અને તે એ કે કોઈ પણ ઘટના, પછી ભલે તે તદ્દન આત્મલક્ષી દેખાતી હોય છતાં તેનો સંબંધ સૂક્ષ્મ રીતે જોતાં કોઈ ને કોઈ સાથે હોય જ છે. વર્ણન કરનાર પોતાના જીવનપ્રસંગોને અમુક દૃષ્ટિએ જોતો હોય અને તે જ પ્રસંગો સાથે સંબંધ ધરાવનાર બીજાઓ તેને બીજી જ દૃષ્ટિએ જોતા હોય. એટલે એક જ બાબત અને ઘટનાને અનેક સંબંધી લોકો જુદી જુદી દૃષ્ટિએ નિહાળે એ સ્વાભાવિક છે, પણ હું તો મારા જીવનપ્રસંગોને જે દૃષ્ટિએ નિહાળતો અને જોતો હોઉં તે જ દૃષ્ટિએ મુખ્યપણે વર્ણન કરી શકું. તેથી મારા જીવનપ્રસંગો વિષે બીજા સંબંધીઓની દષ્ટિ જુદી જુદી હોય તો તે પ્રમાણે પણ તે ઉપર તેઓ વિચાર કરી શકે છે. મારે માટે તો એટલું જ બસ છે કે તેઓ મારી દષ્ટિને પણ ધ્યાનમાં રાખે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 216