Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
પાંચ વર્ષનું સાહિત્ય- કવિતા
ગોરસી' (ઈદુલાલ ગાંધી)ની કવિતાઓમાં કવિને પ્રકૃતિૌંદર્યને અનુરાગ, જીવનનું વાસ્તવદર્શન તેમ જ ભાવનામયતા અને કલ્પનાની અભિનવ તરંગલીલા અનુભવવા મળે છે. કલ્પનાની સુરેખતા જ્યાં ઊઘડતી નથી ત્યાં કવિતા દુર્બોધ બને છે ખરી.
“આરાધના' (મનસુખલાલ ઝવેરી)માં “કુરુક્ષેત્ર” કાવ્યમાળા સારી પેઠે આકર્ષક બની છે અને પૌરાણિક ખંડકાવ્યોના લેખનમાં કવિની કલમ સફળતા સાધવા કેટલી શક્તિમાન છે તે બતાવી આપે છે. તેમની કવિતાશૈલી ચિંતનપ્રધાન-વિચારપ્રધાન છે. કેટલીક વાર કલ્પનાને બદલે તર્કપરંપરા ઊડે છે ત્યારે કવિતા ગુણ મર્યાદિત બને છે. ભાષાની શિષ્ટતા વિચારની અભિવ્યક્તિને ઘણી વાર દિપાવે છે, કોઈ વાર અઘરી બનાવે છે.
વસુધા' (સુંદરમ) એ અનેક પ્રકારની કવિતારીતિની સરસ હથોટી બતાવનાર કવિતાસંગ્રહ છે. ગીત, લોકગીત, રાસ, સેનેટ ઈત્યાદિ પદ્યદેહના વૈવિધ્ય સાથે શાન્ત, શંગાર, વિનોદ કે રૌદ્ર એવું રસવૈવિધ્ય પણ એ કવિતાઓમાં રહેલું છે. જૂની વસ્તુઓ અને પાત્રોનાં નવાં મૂલ્યાંકન કરવાને કવિની દૃષ્ટિ ચોગમ ફરતી રહે છે. અર્થ અને ભાવમાં બધી કવિતાઓ સરખી મૂલ્યવાન નથી, પરંતુ એકંદરે કવિની પ્રતિભાનો વૈભવ તેમાં જોવા મળે છે. કવિતાઓને મોટો ભાગ કવિતાના અંતિમ બિંદુમાં ભાવ કે ચમત્કૃતિની પરાકાષ્ટાનો અનુભવ કરાવે છે.
“ઇદ્રધનું” (સુંદરજી બેટાઈ)માં બે પ્રકારની કવિતાઓ સંગ્રહેલી છેઃ અર્થપ્રધાન અને ભાવપ્રધાન. અર્થપ્રધાન કવિતામાં પૃથ્વીવૃત્તને ઉપગ વિશેષ કરેલો છે અને ભાવપ્રધાનમાં ગીત વગેરેને, અને તેમાં તેમની કવિતા અર્થપ્રધાન કરતાં વધુ દીપી નીકળે છે.
નિશીથ' (ઉમાશંકર જોષી)ની કવિતાઓ પ્રકૃતિ અને માનવજીવનનાં અનેક ક્ષેત્રમાં ઘૂમી વળે છે. જીવનની વિષમતા ઉપર તે કોપ ઠાલવે છે અને ઊંડાં તાવિક ચિંતનમાં તે શાંત રસના સીકર ઉડાવતી વહે છે. તેજસ્વી પ્રતિભા અને હૃદયની આર્દ્રતા કવિતાના રસ અને ભાવ દ્વારા સ્કુટ થાય છે. કાંઈક વધુ પડતી સંસ્કૃત શબ્દાવલિથી અને કાંઈક છંદોલયની અવગણનાપૂર્વકની છંદવૃત્તની રચનાથી કેટલીક કવિતા માત્ર વાચનક્ષમ બને છે, જ્યારે ગેય કવિતા શ્રવણમધુરતા અને અર્થાભિવ્યક્તિમાં સરખી ઊતરે છે.
“જનની’ (રતુભાઈ દેસાઈ) સરલ અને સુરેખ કવિતામાં માતૃપ્રેમ પ્રકર્ષ દાખવે છે. કવિતાવિષય પાછળ કવિની સહદયતાનો ગુણ હોવાથી અભિપ્રેત ભાવ, વાચકના હૃદયમાં ઉપજાવવામાં તેનો શાન્ત પ્રવાહ સફળ બને છે.