________________
(1) મતિજ્ઞાન - યોગ્ય દેશમાં રહેલી વસ્તુની ઇન્દ્રિય અને મનથી જે બોધ થાય છે, તે મતિજ્ઞાન કહેવાય. (2) શ્રુતજ્ઞાન - શાસ્ત્રાદિના શ્રવણથી કે વાંચનથી શબ્દની સાથે અર્થની વિચારણાવાળો જે બોધ થાય છે, તે શ્રુતજ્ઞાન કહેવાય.
દા.ત. શ્રોત્રેન્દ્રિય દ્વારા ઘટ શબ્દ સાંભળ્યા પછી ઘટશબ્દ એ ઘટપદાર્થનો વાચક છે અને જલધારણાદિ અર્થક્રિયા કરવામાં સમર્થ કંબુગ્રીવાદિમાનું આકૃતિવાળી જે વસ્તુ છે, તે ઘટશબ્દથી વાચ્ય છે. એટલે ઘટશબ્દનો ઘટપદાર્થની સાથે વાચ્યવાચકભાવ સંબંધ છે. તેથી ઘટશબ્દથી ઘટપદાર્થનો જ બોધ થાય છે. અન્ય પદાર્થનો બોધ થતો નથી. એ રીતે, શબ્દની સાથે અર્થની વિચારણાવાળુ, મન અને ઇન્દ્રિયથી જે જ્ઞાન થાય છે, તે શ્રુતજ્ઞાન કહેવાય છે. (3) અવધિજ્ઞાન :- મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના સાક્ષાત્ આત્મા દ્વારા માત્ર રૂપીદ્રવ્યોનો જે બોધ થાય છે, તે અવધિજ્ઞાન કહેવાય. (4) મન:પર્યવજ્ઞાન :- જેનાથી મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનના વિચારો જાણી શકાય છે, તે મન:પર્યવજ્ઞાન કહેવાય.
સંજ્ઞીપંચેન્દ્રિય જીવ કોઈપણ વસ્તુનો વિચાર કરતી વખતે કાયયોગથી પોતે જે આકાશપ્રદેશમાં રહેલો છે, તે જ આકાશપ્રદેશમાંથી મનોયોગ્ય પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરીને, ચિંતનીય વસ્તુને અનુસાર પરિણમાવે છે. તે પરિણત મનોદ્રવ્યને જોઈને મન:પર્યવજ્ઞાની મહાત્મા વિચારે છે કે, આ વ્યક્તિ આ વસ્તુ સંબંધી અમુક પ્રકારનો વિચાર કરી રહ્યો છે.
દા.ત. કુંભાર ઘટ બનાવવાનો વિચાર કરી રહ્યો છે. તે વખતે તે કુંભારે ગ્રહણ કરેલું મનોદ્રવ્ય ઘટાકારે પરિણમે છે. તે પરિણત મનોદ્રવ્યને જોઈને મન:પર્યવજ્ઞાની વિચારે છે કે, હાલમાં કુંભાર ઘટ સંબંધી અમુક પ્રકારનો વિચાર કરી રહ્યો છે.
૧૬