________________
અહીં દલીલ આપી શકાય કે-“જાપાનની જેમ ચીને હાલના વિજ્ઞાનની મદદ લીધી હોત, તો જરૂર સામનો કરી શકતા અને પોતાનો બચાવ પણ કરી શકત.”
આ દલીલ ઘણી જ ક્ષુદ્ર છે. ચીનના કેટલાક પ્રદેશો જશે, કેટલાંક જીવન તત્ત્વો જશે, પણ સર્વ તત્ત્વો જશે નહીં, સર્વ તત્ત્વોનો એકદમ નાશ કરી શકાશે નહિ.
પરંતુ જાપાન પોતાના મૂળ જીવનથી જેટલું ખસ્યું છે, તેટલા પ્રમાણમાં અત્યારે પરદેશીઓ આગળ વાહ વાહ પામે છે. પરદેશીઓના વખાણ સ્વાર્થપૂર્વકના છે. પરંતુ જ્યારે જાપાન બરાબર આધુનિક વિજ્ઞાનના હાથમાં ફસાઈ ગયા પછી આધુનિક વિજ્ઞાનના આચાર્યોની સામે જ્યારે તેને હરીફાઈમાં એકલે હાથે ઊતરવું પડશે, ત્યારે તેની દશા ચીનની પ્રજા કરતાં પણ વધારે ખોખરી થઈ જવાની. કારણ કે જાપાન યુરોપનું વૈજ્ઞાનિક ગુલામ છે. યુરોપે જેવી પેન્સિલ, જેવો કાગળ, જેવું હોલ્ડર કાઢ્યું, તે જ આકારનું તે કાઢે છે. તેની વૈજ્ઞાનિક શોધો સ્વતંત્ર નથી. નહીંતર કાંઈ જુદું જ કરવું જોઈએ. શું કુદરતમાં યુરોપના વૈજ્ઞાનિકોએ શોધ્યું છે, તેના કરતાં બીજું નથી જ? ઘણું છે. પરંતુ તદ્દન સ્વતંત્ર વિચાર અને સાધનો ગોઠવવાની જાપાન પાસે શક્તિ નથી. યુરોપનાં રાષ્ટ્રો પોતાના વિજ્ઞાનને ભારત અને ચીન જેવા દેશોમાં પ્રતિષ્ઠા અપાવવા જાપાને વખાણે છે અને વિજ્ઞાનમાં આગળ વધવા દે છે; પરંતુ જયારે આધુનિક વૈજ્ઞાનિકોની હરીફાઈ થશે તે વખતે જાપાન સ્વતત્ત્વ કેટલું ટકાવી રહેશે કે ટકાવી રહેલ હશે ? તેની ખરી કસોટી થશે.
૪૯