________________ પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસનો જન્મ રાજકોટ પાસેના ખેઈડી ગામમાં વિ. સં. ૧૯૪૯માં માઘ માસમાં. જન્મ પછી થોડા જ સમયમાં પિતાશ્રીને ધંધા માટે સરધાર પાસેના રાજકોટના જાડેજા ઠાકોરશ્રીના ભાયાતી ગામ (પાધરાના) સમઢીયાળા રહેવા જવાનું થવાથી કિશોરાવસ્થા સુધી ઉછેર ત્યાં જ થયો. ગામમાં જ ગુજરાતી ચાર ચોપડી સુધીનો અને અંગ્રેજી બે ચોપડી સુધીનો અભ્યાસ કર્યો. મહેસાણાની પાઠશાળામાં ધાર્મિક ગ્રંથો, સંસ્કૃત આદિનો સારો અભ્યાસ કર્યો. વિ. સં. ૧૯૮૯માં મહેસાણા પાઠશાળામાં મેનેજર તરીકે જોડાયા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના તેઓ પંડિત હતા. દિનપ્રતિદિન અવિરત પરિશ્રમ લઈને તેમણે મહેસાણા પાઠશાળાને ઉત્તમોત્તમ વિદ્યાધામ બનાવ્યું હતું. અનેક અભ્યાસીઓને અને અનેકાનેક મુનિમહાત્માઓને તેમણે પોતાની ભણાવવાની અજોડ કળાથી અભ્યાસ કરાવી તૈયાર કર્યા હતા. | આર્યસંસ્કૃતિના પાયાના તત્ત્વો અને ટોચની મહાસંસ્કૃતિના તેઓ સુકુશળ, ઊંડા અને સૂક્ષ્મ વિવેચક હતા. ધાર્મિક, આર્થિક, સામાજિક, અને રાજકીય એમ માનવ જીવનના મુખ્ય ચાર પાસાઓ અને તેની સાથે સંબંધ ધરાવતા અનેક વિષયો જેમકે વ્યાપાર, કૃષિ, અર્થતંત્ર, આરોગ્ય, ઇતિહાસ, યોગ, અધ્યાત્મ, રાજનીતિ, સંસ્કૃતિ, સમાજ જીવન અને વ્યવસ્થા, આર્થિક પ્રશ્નો, સ્ત્રી-પુરુષમાં ભેદ અને સમાનતા, તત્ત્વજ્ઞાન વગેરે ઉપર તેમણે લખેલા હજારો લેખો અને લગભગ પાંચ હજાર જેટલા અપ્રગટ નિબંધો-લેખો તેમના ઊંડા જ્ઞાન અનેવિદ્વત્તાનો પરિચય આપે છે.