________________
બિંબને તારી નગરીમાં લઈ જા ! આવું દેવીનું વચન સાંભળીને સાર્થવાહે દેવીને કહ્યું કે હું સમુદ્રના તળિયેથી એ પરમપ્રભાવક પરમાત્માના બિંબને બહાર લાવવાને અસમર્થ છું. ત્યારે દેવીએ કહ્યું કે-હે શ્રાવક ! હું નીચે તળિયે જાઉં છું. મારી પાછળ પાછળ તારે આવવું. કાચા સુતરના સાત તાંતણાથી તે બિંબને બહાર કાઢી વહાણમાં પધરાવી નિર્વિઘ્નપણે તારી નગરીમાં જજે ! એમ સાંભળીને સાર્થવાહે તે પ્રમાણે કર્યું. નિષ્કારણ જગબંધુ, ત્રણે લોકના નાથ એવા પ્રભુના બિંબને જોઈને શેઠ ઘણો જ હર્ષ પામ્યો.
થોડા દિવસોમાં તે સાર્થવાહે પોતાની કાંતિપુરીના પાદરમાં આવી પડાવ નાખ્યો. નગરીનો પરિચિત જનસમૂહ સામો આવ્યો. અને મહાપરાક્રમી સાર્થવાહ, ઉચિત મુહૂર્તે, આ પ્રભાવક બિંબને મહોત્સવપૂર્વક નગરીમાં લઈ ગયો. જે (સામૈયાના) પ્રસંગે ઘણા ગવૈયાઓ વિવિધ ગાયનો ગાતા હતા. વિવિધ વાજિંત્રો પણ ધર્મપ્રભાવનામાં વૃદ્ધિ કરતાં હતાં. સૌભાગ્યવંતી નારીઓ ધવલમંગલ ગાતી હતી. યાચકાદિને દાન દેવામાં આવ્યું ! અને રૂપા જેવો સફેદ પ્રાસાદ બંધાવી તેમાં પ્રભુબિંબને પધરાવી સાર્થવાહ હમેશાં ઉલ્લાસપૂર્વક ત્રિકાલ પ્રભુભક્તિ કરવા લાગ્યો. એમ કાંતિપુરીમાં આ બિંબ બે હજાર (મતાંતરે ૧ હજારો વર્ષો સુધી રહ્યું.
આ પ્રસંગે નાગાર્જુન યોગીનું વર્ણન ખાસ જાણવા યોગ્ય છે. તે આ પ્રમાણે-ક્ષત્રિયોમાં મુકુટ સમાન અને યુદ્ધ કર્મમાં કુશલ એવો સંગ્રામ નામે પ્રખ્યાત ક્ષત્રિય હતો. તેને સુવ્રતા નામે પત્ની હતી. સહસ્રફણા શેષનાગના સ્વપ્નથી સૂચિત અને પુણ્યના સ્થાનરૂપ એવો નાગાર્જુન નામે તેમનો પુત્ર હતો. તે ત્રણ વર્ષનો થયો ત્યારે એક વખતે બાળકો સાથે રમત કરતાં, એક સિંહના બાલ (બચ્ચા)ને
૭ જ શ્રી સ્તંભન પાર્શ્વનાથ