________________
ધ્યાન કર્યું. સ્વપ્નમાં ગુરુએ પોતાના દેહને ચાટતા ધરણેન્દ્રને જોયો. આથી ગુરુએ વિચાર્યું કે— ‘કાળરૂપ આ ભયંકર સર્પે મારા શરીરને ચાટેલ છે, તેથી મારું આયુષ્ય પૂરું થયું લાગે છે. તો હવે અનશન આદરવું એ જ મને યોગ્ય છે.’ એ પ્રમાણે ચિંતવતાં ગુરુને બીજે દિવસે સ્વપ્નમાં ધરણેન્દ્રે કહ્યું કે મેં તમારા દેહ (શરીર)ને ચાટીને રોગને દૂર કર્યો છે. એમ સાંભળતાં ગુરુ બોલ્યા કે-મરણની બીકથી મને ખેદ થતો નથી, પરંતુ રોગને લીધે પિશુન લોકો જે નિંદા કરે છે, તે હું સહન કરી શકતો નથી. ત્યારે ધરણેન્દ્રે કહ્યું કે —એ બાબત, હે ગુરુજી, તમારે ચિંતા કરવી નહિ. હવે આપ ખેદને તજીને જિનબિંબને પ્રકટ કરીને શ્રી જૈનેન્દ્રશાસનની અપૂર્વ પ્રભાવના કરો કે જેથી તે થતી નિંદા અટકી જશે અને તે નિંદકો જ જૈનધર્મના વખાણ કરશે.
—
શ્રીકાંતાનગરીનો રહીશ, ધનેશ નામનો શ્રાવક વહાણ ભરીને સમુદ્રમાર્ગે જતો હતો, ત્યારે અધિષ્ઠાયક દેવે તેના વહાણ ચાલતાં અટકાવી દીધાં. આથી શેઠે તે દેવની પૂજા કરી, ત્યારે તેણે દેવના કહ્યા પ્રમાણે જમીનમાંથી ત્રણ પ્રતિમાઓ મેળવી હતી. તેમાંની એક પ્રતિમા તેણે ચારૂપગામમાં સ્થાપન કરી, તેથી ત્યાં તીર્થ થયું. બીજી પ્રતિમા પાટણમાં અરિષ્ટનેમિના પ્રાસાદમાં સ્થાપન કરી. ત્રીજી પ્રતિમા સ્તંભન (થાંભણા) ગામના પાદરમાં વહેતી સેટીકા (સેઢી) નદીના કાંઠે વૃક્ષઘટાની અંદર જમીનમાં સ્થાપન કરેલ છે. તમે તે શ્રી (સ્તંભન) પાર્શ્વનાથની પ્રતિમાને પ્રકટ કરો, કારણ કે ત્યાં એ મહાતીર્થ થવાનું છે. પૂર્વે વિદ્યા અને રસસિદ્ધિમાં ભારે પ્રવીણ એવા નાગાર્જુને તે બિંબના પ્રભાવથી રસનું સ્થંભન કર્યું, અને તેથી તેણે ત્યાં સ્તંભનક (થાંભણાં) નામનું ગામ સ્થાપન કર્યું ૧. આ બીના શ્રી પ્રભાવકચરિત્રમાં કહેલી છે.
૩૯ શ્રી સ્તંભન પાર્શ્વનાથ