________________
શ્રીપાદલિપ્તસૂરિજીનું સંક્ષિપ્ત વર્ણન
કોશલા નગરીમાં વિજયબ્રહ્મ રાજાના રાજ્યમાં મહાગુણવંત ફુલ્લ નામના શેઠને પ્રતિમા નામની સ્ત્રી હતી. તે સ્ત્રીએ પુત્ર પ્રાપ્તિને માટે અનેક પ્રયત્નો નિષ્ફળ નીવડવાથી છેવટે વૈરોચ્યા નામે શાસનદેવીની આરાધના કરવા માંડી. અષ્ટાહ્નિકા મહોત્સવ પણ શરૂ કર્યો. આઠમે દિવસે સંતુષ્ટ થયેલ દેવી પાસે પુત્રની યાચના કરી, જેથી દેવીએ કહ્યું કે પૂર્વે નમિ વિનમિના વિદ્યાધરોના વંશમાં મૃતસાગરના પારગામી પૂજ્ય શ્રી કાલિકસૂરિ થયા; એ વિદ્યાધર ગચ્છમાં ખેલાદિક લબ્ધિસંપન્ન અને ત્રણે ભુવનના જીવોને પૂજનીય એવા આર્યનાગહસ્તિસૂરિજીના પાદશૌચનું પાણી પીવાથી તારી વાંછિત સિદ્ધિ થશે. પાદપ્રક્ષાલનનું પાણી મેળવીને પીધા પછી પ્રતિમા શેઠાણીએ સૂરિજીને વંદન કર્યું. ધર્મલાભરૂપ આશિષ દેતાં નિમિત્ત જોઈએ ગુરુજી હસ્યા અને બોલ્યા કે તે અમારાથી દશ હાથ દૂર રહીને જલપાન કર્યું, તેથી તારો પુત્ર દશ યોજનને આંતરે વૃદ્ધિ પામશે. મહાપ્રભાવશાલી તે પુત્ર યમુના નદીના કાંઠે મથુરામાં રહેશે. તેમ જ તારે બીજા મહાતેજસ્વી નવ પુત્રો પણ થશે. તે સાંભળી પ્રતિમા શેઠાણીએ કહ્યું કે - હે ભગવન્! પ્રથમ પુત્ર હું આપને અર્પણ કરીશ. તે ભલે આપની સેવામાં રહીને જિંદગી સફલ કરે, કારણ કે દૂર રહે તેથી મને શો લાભ? તે સાંભળી ગુરુ કહે કે નારો તે પ્રથમ પુત્ર શ્રીસંઘ આદિ સકલ જીવોનો ઉદ્ધારક અને બુદ્ધિગુણમાં બૃહસ્પતિના જેવો થશે. એમ ગુરુનું વચન સાંભળી તેણે શકુનની ગાંઠ બાંધી. ખુશ થઈ ઘરે આવી આ વાત ફુલ્લ શેઠને જણાવી. તે જ દિવસે નાગેન્દ્રના સ્વપ્નથી સૂચિત ગર્ભ રહ્યો. ગર્ભને ઉચિત વર્તન કરતાં તેના મનોરથોની સાથે તે વૃદ્ધિ પામ્યો અને અવસરે સુલક્ષણ પુત્રનો જન્મ થયો.
શ્રી સ્તંભન પાર્શ્વનાથ જ ૧૮