________________
એક વખત પોતાનું આયુષ્ય થોડું જાણીને નાગાર્જુનની સાથે સૂરિજી મહારાજ વિમલાચલ ઉપર પધાર્યા. ત્યાં શ્રીયુગાદીશને વંદન કરી સિદ્ધશિલાના જેવી એક પવિત્ર શિલાની પાસે ગયા. ત્યાં આદરપૂર્વક અનશન આદરી, આસન લગાવી, ચંદ્રમા જેવા નિર્મળ ધર્મધ્યાનરૂપ પાણીના ધોધ પ્રવાહથી રાગાદિક અગ્નિને શમાવીને, યોગક્રિયાઓને અટકાવી. બત્રીશ દિવસ સુધી મનની સ્થિરતાપૂર્વક ધ્યાનલીન બની, જૂની ઝુંપડી જેવા ઔદારિક દેહનો ત્યાગ કરીને, તેજસ્વી અને રાજાઓને માનનીય સૂરિજી મહારાજ બીજા દેવલોકમાં ઇંદ્રના સામાનિક દેવ થયા.
આકાશગામિની લબ્ધિના પ્રભાવે શ્રીપાદલિપ્તસૂરિજીની માફક ગિરિનાર આદિ તીર્થોની યાત્રા કરીને, સમ્યકૃત્વ મૂલ બારે વ્રતોની આરાધના કરીને અને પરમ પવિત્ર ભવોભવ ચાહના કરવાલાયક શ્રી જિનશાસનની પરમ પ્રભાવના કરીને સુશ્રાવક નાગાર્જુન આ લોકમાં અને પરલોકમાં કલ્યાણ ને સાધી સુખી થયો.
પરમ પ્રભાવક શ્રી સ્તંભન પાર્શ્વનાથના વર્ણનમાં જેમ નાગાર્જુનના ચરિત્રની અગત્ય જાણીને તે બતાવ્યું, તેમ પાદલિપ્તસૂરિજીના ચરિત્રની પણ તેટલી જ અગત્ય રહેલી છે, જેનો નિર્ણય આગળ જરૂર થશે. તેમાં સૂરિજીના ચરિત્રનો ઘણો ખરો ભાગ ઉપર જણાવવામાં આવ્યો છે, છતાં જન્મભૂમિ, માતા-પિતાના પવિત્ર નામો આદિ બીના જાણવા જેવી હોવાથી ટૂંકામાં નીચે પ્રમાણે જણાવીએ છીએ.
૧, ધર્મરત્ન પ્રકરણની મોટી ટીકામાં કાંઈક ન્યૂનાધિક બનાવાળું નાગાર્જુનનું પ્રાકૃત ગાથાબદ્ધ ચરિત્ર આવે છે - તેમાં પાદલિપ્તગુરુએ નાગાર્જુનને ગૃહસ્થ ધર્મ અંગીકાર કરાવ્યો એમ લખેલ હોવાથી તે બાર વ્રતધારી શ્રાવક હતો એમ કહી શકાય.
૧૭ ૪ શ્રી સ્તંભન પાર્શ્વનાથ