________________
ત્યાં તેમણે કહેલાં વેદપદોનો ધ્વનિ સાંભળી પુરોહિત ઘણો ખુશ થયો. તેની વિનંતિથી બંને સૂરિજી તેના ઘરમાં આવ્યા. પુરોહિતે તેઓને ભદ્રાસન ઉપર બેસવાની વિનંતિ કરી. બંને આચાર્ય મહારાજે પોતાના સંયમધર્મનો વ્યવહાર સંભળાવી તે ઉપર બેસવાનો નિષેધ કર્યો અને શુદ્ધ કાંબલીની ઉપર બેઠા. અને વેદ, ઉપનિષદ્ તેમજ જૈનાગમથી સમાનતા પ્રકાશીને આશિષ દેતાં બોલ્યા કે “હાથ, પગ અને મન વિના જે બધું ગ્રહણ કરે છે, ચક્ષુ વિના જે જુએ છે, કાન વિના જે સાંભળે છે, જે જગતના સ્વરૂપને જાણે છે, પણ તેને કોઈ પણ સામાન્ય પુરુષ જાણી શકતો નથી એવા અરૂપી શિવ જિનેશ્વર તમારું કલ્યાણ કરો !”
ફરી પણ તેમણે જણાવ્યું કે જૈનાગમનો અર્થ રૂડી રીતે વિચારીને અમે દયાપ્રધાન જૈનધર્મનો સ્વીકાર કર્યો છે. એમ સાંભળી પુરોહિતે પૂછ્યું કે તમે નિવાસ (ઉતારો) ક્યાં કર્યો છે ? તેમણે કહ્યું કે અહીં ચૈત્યવાસીઓની મહા કનડગત થતી હોવાથી ક્યાંયે પણ સ્થાન મળી શકતું નથી. આ બીના સાંભળી ગુણગ્રાહી અને વિચારશીલ એવા પુરોહિતે સપરિવાર બંનેને રહેવા માટે પોતાનું મકાન ખાલી કરી આપ્યું અને કહ્યું કે આપ ખુશીથી અહીં ઊતરો. ત્યાં તેઓ નિર્દોષ ભિક્ષા-ધર્મ સાચવીને સંયમ પાળવામાં સાવધાન બની, ધર્મનું સત્ય સ્વરૂપ સમજાવવા તત્પર થયા.
—
—
બપોરે પુરોહિતે યાજ્ઞિક, સ્માર્ત્ત અને દીક્ષિત અગ્નિહોત્રીઓને તેમની પાસે બોલાવ્યા. ત્યાં તેમની પરીક્ષાથી તેઓ સંતુષ્ટ થયા. એમ વિદ્યાવિનોદ ચાલી રહ્યો હતો, ત્યાં જ ત્યાં ચૈત્યવાસીઓના પુરુષો આવી ચડ્યા. તેમણે આવીને જણાવ્યું કે- તમે સત્વર નગરની બહાર ચાલ્યા જાઓ. કારણ કે ચૈત્યબાહ્ય શ્વેતાંબરોને અહીં
સ્થાન મળતું નથી. આ વચન સાંભળીને પુરોહિતે કહ્યું કે -
૩૧ શ્રી સ્તંભન પાર્શ્વનાથ