________________
પોતાના રસ-ઉપકરણ મૂકીને નાગાર્જુન આચાર્ય શ્રી પાદલિપ્ત પ્રભુની પાસે આવી નિરભિમાન બની કહેવા લાગ્યો કે હે નાથ ! દેહસિદ્ધ અને સ્પૃહાને જીતનાર એવા આપ પૂજ્યને જોવાથી મારો સિદ્ધિ-ગર્વ સર્વથા ગળી ગયો છે. હું કાયમને માટે આપશ્રીના ચરણકમલની સેવાનો લાભ લેવા ચાહું છું. વાજબી જ છે કે મિષ્ટાન્ન મળે તો તુચ્છ ભોજન કોને ભાવે ? એમ પોતાનો અભિપ્રાય જણાવીને નાગાર્જુન શ્રીપાદલિપ્તસૂરિજીની, પગ ધોવા આદિથી નિરંતર ભક્તિ કરવા લાગ્યો.
પોતાના નિત્યક્રમ અનુસાર, એકવાર શ્રી આચાર્ય મહારાજપૂર્વે કહેલ પાંચ (સિદ્ધગિરિ-ગિરિનાર, સમેતશિખર અષ્ટાપદ, આબુ) તીર્થો પર આકાશ માર્ગે જઈ ત્યાં ભગવંતને વંદન કરી એક મુહૂર્તમાં પાછા આવ્યા. કારણ કે કલિયુગમાં તે સૂરિજી વિદ્યાચારણ સમાન લબ્ધિવાળા હતા. તે તીર્થ વંદન કરીને આવ્યા ત્યારે ઔષધિઓને જાણવાની ઇચ્છાથી, નિર્વિકાર નાગાર્જુને તેમના પગ ધોયા. તેમાં સુંઘતાં, વિચારતાં, જોતાં, ચાખતાં અને અડકતાં તેણે પોતાના બુદ્ધિબળથી એકસો સાત ઔષધિઓ જાણી લીધી. પછી તે તે ઔષધિયોને મેળવી, ઘુંટી એક રસ કરીને તેના વતી તેણે પગે લેપ કરી ઊડવા માંડ્યું, પરંતુ કુકડાની જેમ ઊંચે ઉછળીને તે નીચે પડવા લાગ્યો. એમ ઊંચા ભાગથી નીચે પડતાં તેનાં ઢીંચણને લાગ્યું. લોહી વ્હેતી તેની જંઘા સૂરિજીએ જોઈને કહ્યું કે અહો, શું ગુરુ વિના પાદલપ સિદ્ધ થયો ? ત્યારે નાગાર્જુને કહ્યું કે ગુરુ વિના સિદ્ધિ ન થાય, પરંતુ આ તો મેં મારા બુદ્ધિબલની પરીક્ષા કરી. આ તેનાં સરલ અને સાચાં વચનો સાંભળી પ્રસન્ન થઈ સૂરિજીએ કહ્યું કેભદ્ર ! સાંભળ, હું તારી રસસિદ્ધિ કે શુશ્રુષા (ભક્તિ)થી રાજી થયો નથી, પરંતુ તારું અપૂર્વ બુદ્ધિબળ જોઈને રાજી થયો છું. કારણ કે
શ્રી સ્તંભન પાર્શ્વનાથ જ ૧૦