________________
સાત્ત્વિક સહચિંતન
ગચ્છ કે સંપ્રદાયના આચાર્ય ગુરુભગવંતો જ નિભાવે છે. જો સંતાનો ભૂલ કરે તો પરિવારના વડીલો તેને એકાંતમાં શિક્ષા આપી ચેતવણી આપી સાન ઠેકાણે લાવે છે તેમ મહાજન કે મહાસંઘો પરિસ્થિતિ પ્રમાણે પગલાં લે છે અને ગુરુભગવંત પ્રાયશ્ચિત્ત પણ આપે છે.
ઈર્ષા, પૂર્વગ્રહ, તેજોદ્વેષ, ગેરસમજ અને વિકૃતિને કારણે ઘણી વાર ખોટા આરોપો ઘડવામાં આવતા હોય છે. શિથિલાચાર કે સ્વચ્છંદાચારના વિવિધ પ્રસંગોમાં સત્યાસત્યનું અન્વેષણ કે સંશોધન બહુ જ મુશ્કેલ કાર્ય છે, જેથી જાણતા કે અજાણતા સાધુની અવહેલના કે નિંદાની પ્રવૃત્તિથી બચવા જાગૃતિ અને વિવેકની ખૂબ જ આવશ્યકતા ગણાય. ભોળા, શ્રદ્ધાળુ અને યુવા વર્ગ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આવા સમયે પ્રચારમાધ્યમો દ્વારા વહેતા થયેલા વિકૃત કે અર્ધસત્ય અહેવાલો શ્રદ્ધાળુ વર્ગને ઠેસ પહોંચાડશે અને યુવા વર્ગને ધર્મવિમુખ કરશે. આવી પ્રવૃત્તિ ધર્મ શાસનની હિલના કે કુસેવા જ ગણાય.
શ્રાવક-શ્રાવિકાને ‘‘શ્રાવકાચાર” શું છે તેની પૂરી જાણકારી હોય એટલું જ નહિ, પરંતુ તે “શ્રાવકાચાર’’નું પાલન કરે અને સાધુજીની સમાચારીની જાણકારી રાખે તો કેટલાય દોષોથી બચી શકાય.
દા. ત. એકાંતમાં સાધુજીને સ્ત્રી ન મળી શકે અને એકાંતમાં સાધ્વીજીને પુરુષ ન મળી શકે. સૂર્યાસ્ત પછી સ્ત્રી સાધુજીનાં દર્શન માટે ન જઈ શકે અને પુરુષ સાધ્વીજીનાં દર્શને ન જઈ શકે. ગોચરી-વિહાર આદિના નિયમોની જાણકારી શ્રાવકશ્રાવિકાએ રાખવી જોઈએ. ઉપરાંત જ્યાં સાધુ-સાધ્વીજીઓ બિરાજતાં હોય તેવા ભવન કે ધર્મસ્થાનક કે દેરાસરમાં બરમૂડા, કુર્તી, જિન્સ, સ્લીવલેસ જેવાં ટૂંકાં કે ચુસ્ત વસ્ત્રો પહેરવાં ન જાઈએ. ઉભટ વેષનો ત્યાગ અને વિવેકપૂર્ણ શરીરનાં અંગઉપાંગો ઢાકે તેવું વસ્ત્રપરિધાન શ્રાવકાચારમાં અભિપ્રેત છે.
ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯મા અધ્યયનમાં કહ્યું છે કે, “સંયમનું પાલન રેતીના કોળિયા જેવું નીરસ છે તેમ જ સંયમને માર્ગે ચાલવું એટલે ખાંડાની ધાર પર ચાલવા સમાન છે.” સંયમનો માર્ગ એટલે તપ્ત સહરાના રણમાં ચાલવા કરતાં કઠિન માર્ગ છે, પરંતુ વીતરાગમાર્ગનો શ્રદ્ધાળુ સાધક સહરાના રણ જેવા દુષ્કર સંયમજીવનમાં દ્વીપકલ્પરૂપ આનંદની અનુભૂતિ કરી શકે છે.
શ્રાવક-શ્રાવિકા માટે શ્રાવકાચારનું પાલન અને સંઘો, મહાસંઘો જેવી મહાજન સંસ્થાની જાગૃતિ અને વિવેક, શાસન પર આવતી વિપત્તિને ટાળી શકે. આને માટે
૨૧
સાત્ત્વિક સહચિંતન
આપણે મહાસંઘો અને મહાજન સંસ્થા જેવાં સંગઠનોને ખૂબ જ મજબૂત બનાવવા જોઈએ. આપણાં સાધુ-સાધ્વીજીઓ શ્રમણ સંસ્કૃતિની ધરોહર છે. આપણી પાસે સાધુસંપદા અલ્પ છે. જિન શાસનની આ અમૂલ્ય સંપદાને સાચવવી એ આપણી ફરજ છે.
સંયમપંથમાં સાધુતાની પગદંડી પર વિહરતા સંતોનું જીવન દિવ્ય હોય છે. મતિની નિર્મળતા અને સાધનાના પરિણામરૂપે સંતોના જીવનમાં સહજભાવે લબ્ધિ થતી હોય છે.
જૈન દર્શન ચમત્કારમાં માનતું નથી. સાધુજીની સમાચારી પ્રમાણે સંતસતીજીઓને લબ્ધિપ્રયોગ પ્રદર્શનનો નિષેધ છે. સ્વસુખ કે લોકપ્રિયતા માટે સંતો કદી આવા પ્રયોગો કરતા નથી.
ભૌતિક સુખની ઝંખના કરતી આ દુનિયામાં તન-મનના દુ:ખીઓનો કોઈ પાર નથી. શારીરિક રોગ, માનસિક રોગ, પ્રેમમાં નિષ્ફળતા, ડિપ્રેશન, તાણ, હતાશા, ધંધામાં મુશ્કેલી, સંતાનની આશા, વહેમ, દરિદ્રતા, વળગાડ, ધન અને પદ માટે લાલચ વગેરે કામનાવાળો લોકપ્રવાહ સતત સંત-સતીજીઓ પાસે આવતો હોય છે. તેઓની અપેક્ષા સંત પાસેથી દોરા, ધાગા, તંત્ર, માદળિયાં અને ચિત્ર-વિચિત્ર વિધિઓ દ્વારા પોતાનું કામ પાર પાડવાની હોય છે.
સાંસારિક દુ:ખો દૂર કરવા, ભૌતિક સુખો મેળવવા અને ક્ષુલ્લક કારણોસર ગુરુ પાસે લબ્ધિપ્રયોગ કરવા વિનંતી કરવી તે ‘શ્રાવકાચાર'થી તદ્દન વિપરીત છે.
આજે પણ કેટલાય સંતોના જીવનમાં વચનસિદ્ધિ અને અન્ય લબ્ધિ પ્રગટેલી હોય છે. સંતો પોતાની સાધનાના પરિપાકરૂપે પ્રગટેલી સહજલબ્ધિનો પ્રયોગ વિનાકારણ ન જ કરી શકે. ચતુર્વિધ સંઘની પ્રતિષ્ઠા સાચવવા, શીલની રક્ષા કે કટોકટી સમયે સંઘ અને ધર્મપ્રભાવના ટકાવવા, તપસ્વી, તીર્થ અને ધર્મની રક્ષાના અર્થે છેલ્લા ઉપાય તરીકે અનિવાર્ય સંજોગોમાં માત્ર કરુણાબુદ્ધિથી આ પ્રયોગ કરે છે.
જો શિષ્યનું આમાં જરા પણ ખેંચાણ હોય તો ગીતાર્થ ગુરુભગવંત અને ચેતવે છે. ‘ચમત્કારનો માર્ગ તો સંસાર વધારવાનો અને આત્માને ખોવાનો માર્ગ છે. એમાં તો આપણા અંતરઆત્માનો અવાજ રૂંધાય અને દુનિયા છેતરાય એ વળી પાંચ જાંબુ માટે હીરાના સોદા જેવો ખોટનો ધંધો થયો કહેવાય.’’
ઇતિહાસનાં પૃષ્ઠો તપાસતાં જણાયું છે કે લબ્ધિપ્રયોગને કારણે કેટલાક સંતો પર શિથિલાચારના આરોપ અને આક્ષેપ થયા છે.
૨૨