________________
સાત્ત્વિક સહચિંતન
દોષો થયા હોય ત્યાં પ્રાયશ્ચિત્ત આપવામાં આવે અને ઉત્કૃષ્ટ સુંદર કાર્યો થયાં હોય તેની અનુમોદના કરી પારિતોષિક-ઈનામ પણ અપાય. આને કારણે ભૂલો કે દોષોનું પુનરાવર્તન ટળશે અને સુષુતોને ઉત્તેજન મળશે. મર્યાદા મહોત્સવ એ આંતરનિરીક્ષણનો અવસર આપે છે.
જિન શાસનમાં ઊભા થયેલ કોઈ પણ વિષયની કટોકટી વખતે શ્રાવક-શ્રાવિકામહાજન અને પત્રકારની ખૂબ જ જવાબદાર અને વિશિષ્ટ ભૂમિકા છે જે તેણે ખૂબ જ નિષ્ઠાથી નિભાવવી જોઈએ.
જૈન ધર્મના દરેક સંપ્રદાય કે ફ્રિકાએ સંઘશ્રેષ્ઠીઓ અને ગુરુભગવંતોને વિશ્વાસમાં લઈ અને ધર્મના જાણકાર શ્રેષ્ઠીવર્યો અને વિવિધ ક્ષેત્રોનાં પ્રતિભાશાળી ઉત્તમ શ્રાવકો અને શ્રાવિકાઓની નિષ્પક્ષ સ્વાયત્ત સ્વતંત્ર બોડીની રચના કરવી જોઈએ જે સર્વમાન્ય હોય. સત્તા, સંપત્તિ, સિદ્ધાંત કે શિથિલાચાર જેવી બાબતોમાં મતભેદ, ઝઘડો ઉદ્ભવે અને કટોકટી સર્જાય ત્યારે લવાદી કે આર્બીટ્રેશનનું કામ કરી આનો ઉકેલ અને સમાધાન લાવી શકે તો ધર્મક્ષેત્રમાં પોલીસ, કોર્ટ, પ્રચારમાધ્યમો, પત્રકારો વગેરે પરિબળોને નિવારી શકાય. ધર્મના વાતાવરણને દૂષિત થતું અટકાવી શકાય.
દેવ, ગુરુ, ધર્મમાં શ્રદ્ધા રાખી આપણે સૌ શ્રાવકાચારના સમ્યક્ આચરણ દ્વારા જિન શાસનની પવિત્ર જ્યોતને ઝળહળતી રાખીએ.
૧૨૩
૨૮
* સાત્ત્વિક સહચિંતન
સૂક્ષ્મ હિંસાનાં સ્વરૂપ :
લોહી ન પડે તેવી હિંસાથી બચીએ
લોહીને હિંસા સાથે સંબંધ છે. સામાન્ય રીતે હિંસક પ્રવૃત્તિમાં આપણને લોહી દેખાય છે, પરંતુ આ તો સ્થૂળ હિંસાની વાત થઈ. કેટલીક હિંસક પ્રવૃત્તિઓ એવી હોય છે કે જે હિંસા દ્વારા લોહી વહેતું નથી છતાં એ પ્રવૃત્તિ તીવ્ર અને ઘાતક હોય છે.
વિશ્વાસઘાત, કોઈનાં ગુપ્ત રહસ્યોને વિવેકહીન રીતે ઉઘાડાં પાડવાં, ધ્રાસકો પડે તેવું બોલવું કે સમાચાર આપવા, શોષણ અને અન્યાય દ્વારા પરિગ્રહની પ્રવૃત્તિ પણ હિંસા છે.
વિચારાનાં વિકૃત અર્થઘટન અને અભિવ્યક્તિ દ્વારા આપણે હિંસક બની અનેકાંતના હત્યારા બનીએ છીએ. આકરી, શુષ્ક, અશક્ય અને કાલ્પનિક વાતો દ્વારા યુવાનોને ધર્મવિમુખ બનાવવાની હિંસાથી બચીએ.
અપરિગ્રહના એકાંતિક આગ્રહથી હું કદાચ કટ્ટર દિગંબર બની શકું. અહિંસાના એકાંતિક આગ્રહથી હું કદાચ કટ્ટર સ્થાનકવાસી બની શકું. જીવદયા અને હિંસાના વૈચારિક અનુબંધથી હું કદાચ કટ્ટર તેરાપંથી બની શકું. જિનપૂજામાં આરંભસમારંભની વિવેકહીન અનિવાર્યતા મને કદાચ કટ્ટર મૂર્તિપૂજક બનાવી દે. કટ્ટરતામાં ધર્મઝનૂન અભિપ્રેત છે. ધર્મ એ અમૃત છે, પણ ઝનૂન એ વિષ છે. એ વિષથી આપણે બચવાનું છે. વિવેકપૂર્વક વિચારીશું તો અહીં અનેકાંત વિચારધારા આપણને
૧૨૪