________________
જ
સાત્ત્વિક સહચિંતન
અહમ્ના મૃત્યુની ક્ષણ એ જ વંદનાની જન્મક્ષણ
શૈશવકાળથી જ કુટુંબ, પરિવાર કે શાળામાંથી વંદન, નમસ્કારના સંસ્કાર મળે છે. નમન-વંદન નમ્રતાસૂચક છે તેથી જ “નમે તે સર્વને ગમે'ની ઉક્તિ આપણા જીવનપ્રવાહ સાથે જોડાયેલી છે. સવારમાં ઊઠીને કે શાળાએ જતી વખતે પ્રભુને, વડીલોને વંદન કરવાની શીખ શાળા અને પાઠશાળામાં પણ વંદનનો પાઠ ભણાવવામાં આવે છે. બાળપણથી આ સુટેવને કારણે મોટા થતાં ઘરની બહાર જતી વખતે પ્રભુવંદનની આ ટેવ જળવાઈ રહે છે.
વંદન એ માત્ર શિષ્ટાચારનું પ્રદર્શન કરવાની કસરત નથી. વંદનની ક્રિયા દ્વારા બાહ્ય અને ભીતર થતી પ્રક્રિયાનો એક વિશિષ્ટ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છે. વંદન કરતી વખતે નમવાને કારણે પેટની નીચેની ગ્રંથિઓ દબાશે જેને કારણે અહંકાર મોળો પડશે, બાહ્ય કૃતિ બદલાતા આંતરવિકૃતિઓ ટળી તેનું પ્રકૃતિમાં પરિવર્તન થશે જે વિનય ગુણ પ્રગટાવવાનું કારણ બનશે.
સર્વપ્રથમ માતા-પિતા, ગુરુ અને માતૃભૂમિ વંદનાના અધિકારી છે. દસ દૃષ્ટાંતે દુર્લભ એવા મૂલ્યવાન માનવભવના જન્મનું શુભ નિમિત્ત આપણાં માતાપિતા છે. અજ્ઞાનના અંધકારમાંથી જીવનમાં સંસ્કાર અને જ્ઞાનનું અવતરણ કરાવવાનું શ્રેય વિદ્યાગુરનું છે. જે પંચમહાભૂત તત્ત્વોમાંથી આપણા દેહનું સર્જન થયું છે તે તત્ત્વોનું પ્રદાન કરનાર જન્મભૂમિ પણ આપણી ઉપકારક છે. કુટુંબના વડીલ અને જેના આશ્રય હેઠળ આપણે રહેતા હોઈએ તે સર્વે વંદનને પાત્ર છે.
૧૦૫
જીવન જીવી સાત્ત્વિક સહચિંતન શિબિર
લોકસંજ્ઞાના સંદર્ભે રાજા, કુળદેવ-દેવી વગેરેને વંદન કરીએ તે બધાં લૌકિક વંદન છે. લૌકિક વંદન આ ભવમાં લોકપ્રિયતા કે ભૌતિક સુખમાં વધારો કરનાર બને, પરંતુ લોકોત્તર વંદન આત્મગુણોનો વિકાસ કરાવી ભવપરંપરા ટૂંકી કરનાર નીવડે છે.
પંચપરમેષ્ટિને વંદન, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે તેવા સત્પુરુષને વંદન તે લોકોત્તર વંદન છે. જ્ઞાનીઓને સધર્મની પ્રરૂપણા કરનાર સુદેવ એટલે અરિહંત ભગવાન અને સદ્દગુરુને જ વંદનને પાત્ર કહ્યા છે. આધ્યાત્મિક વંદનમાં ભાવનાનું મહત્ત્વ ઉચ્ચતમ ભૂમિકામાં છે. ભાવ વિનાની વંદનની ક્રિયા માત્ર વ્યાયામ છે.
કૃષ્ણ પરમાત્મા અને મહારાજા શ્રેણિકની ભાવપૂર્વકની વંદના ક્રોડો કર્મનિર્જરામાં પરિણમી તે આપણે સૌ જાણીએ છીએ.
અપાત્રને વંદન કર્મબંધનું કારણ બને અને જીવનમાં મિથ્યાત્વનો પ્રવાહ વધી જાય, પરંતુ આગાર ધર્મમાં અપવાદ માર્ગ છે. કર્તવ્ય કે કદાગ્રહે, રાજા, બળવાન, સ્વજન, વડીલ, રક્ષકદેવ કે કુળદેવને વિવેક દાખવી વંદન કરવું પડે. પ્રાણાને કષ્ટ આવે અથવા આજીવિકાની પણ મુશ્કેલી ઊભી થાય તેવા વિકટ સંજોગોના પ્રસંગે અનિચ્છાએ કરેલ વંદન દોષયુક્ત નથી.
રસ્તામાં ગુરુ મળે, બે હાથ જોડી મસ્તક નમાવી “મન્થ એણ વંદામિ” શબ્દ બોલી વંદન કરીએ તે નાની જઘન્ય વંદના છે. તિખુતોના પાઠ વડે પંચાંગ નમાવી કરીએ તે મધ્યમ વંદના, દ્વાદશાવર્તન (બાર આવર્તનવાળું), 'ઈચ્છામિ’ ખમાસણોના પાઠ સાથેનું વંદન ઉત્કૃષ્ટ વંદન છે. નમોલ્યુશંના પાઠ દ્વારા પણ દેવ અને ગુરુને વંદન કરીએ છીએ.
અહંની મૃત્યુક્ષણ એ જ વંદનના જન્મની ક્ષણ છે. અહંકારના વિસર્જનથી ચેતનમાં ધર્મની વિકાસયાત્રાનો આરંભ થાય છે.
નગરની બહાર ઉદ્યાનમાં જ્યારે ગુર પધારતા હતા ત્યારે શ્રેષ્ઠીવર્યો, નગરશેઠ કે રાજા ગુને વંદન કરવા જતા ત્યારે શરીર પરથી મુગટ, સાફો, અસ્ત્ર-શસ્ત્ર અને આભૂષણો ઉતારીને વંદન કરતા જે વિનયસૂચક છે.
ગુણપૂજક જૈન પરંપરા લોકોત્તર ધર્મ છે. અહીં વ્યક્તિ નહીં, વ્યક્તિના ગુણને વંદન કરવાનું કહ્યું છે.
વંદનમાં શરણ અભિપ્રેત છે. શરણાગત વંદનાની વિશિષ્ટ નીપજ છે. સાષ્ટાંગ પ્રણામની સ્થિતિમાં વંદન કરવું એટલે સમગ્ર શરીરની સમર્પિત શરણાગતિની સ્થિતિ.
- ૧૦૬ -