________________
સાત્ત્વિક સહચિંતન
કૃપાળુદેવ શ્રીમદ્જીના કહેવાનું તાત્પર્ય છે કે, કાવ્યસાહિત્ય કે સંગીત વગેરે કલાઓમાં જો આત્મશ્રેયનું ધ્યેય ભળે, તે સર્જનને આત્મકલ્યાણનું કારણ મળે તો તે કલા સાર્થક બને. કલાનું અંતિમ ધ્યેય પરમ સમીપે પહોંચવાના હેતુરૂપ હોય તો જ કલા સાધના બની શકે અને તે સ્વ-પરને કલ્યાણકારી બની શકે.
સંગીત, કલા કે સાહિત્યજગતના સાધકો કદાચ આ વાત સંપૂર્ણ રીતે ન પણ સ્વીકારે પરંતુ અનેકાંત દષ્ટિએ વિચારતા આ તથ્યનો સ્વીકાર થઈ શકે.
સાંપ્રત સમાજજીવનનો પ્રવાહ, માનવમનની કલ્પનાશક્તિ અને વિવિધ કલાઓનાં અનેક પાસાંઓને લક્ષમાં લઈને જ આ વિધાનનો યથાર્થ સ્વીકાર થઈ શકે. કલાકારને સર્જન સ્વાતંત્ર્યનો અધિકાર છે, સ્વચ્છંદતાનો નહિ. સદ્નચરણમાંથી પરાવર્તિત થયેલી કલામાં સાત્ત્વિકતા આવશે, માટે જ ગાંધીજી કહેતા કે શીલ એવું સર્જન.
અહીં એ વાતનું પણ સ્મરણ રાખવું પડશે કે, આ વિધાન શ્રીમદ્દ કહે છે અને શ્રીમદ્ઘની દરેક વાત કે વિચાર આત્મલક્ષી જ હોય. અધ્યાત્મ અભિપ્રેત હોય જ.
કોઈ કલાકાર કે સર્જકને કલાકૃતિના સર્જનનું આપણે કારણ પૂછીએ તો મહદ્અંશે એ જવાબ દેશે કે, હું મારા નિજાનંદ માટે કલાકૃતિનું સર્જન કરું છું, મારા આત્માના આનંદ માટે રચના કરું છું, તો કલાકારની આ નિજાનંદની વાત અને શ્રીમન્જીની આત્મશ્રેયાર્થની વાત તદ્દન સમીપ છે.
કાવ્યસાહિત્ય કે સંગીત વગેરે કલાઓ માત્ર ભક્તિ પ્રયોજનરૂપ ન હોય તો તે માત્ર કલ્પિત અને નિરર્થક બની રહેશે. જે કલા દ્વારા આત્મગુણોનો વિકાસ થાય તે કલા જ સાર્થક. જે સર્જનમાં નિજસ્વરૂપને પામવાની ઝંખના નથી તે કૃતિ ઇન્દ્રિયોના મનોરંજન કરનારી નીવડે છે, જેનું પરિણામ ભોગ-ઉપભોગ અને તૃષ્ણા વધારનારું, રાગ-દ્વેષ અને સંસાર વધારનારું હોય છે. સૂરદાસ, તુલસીદાસ, મીરાં, નરસિંહ, કબીર કે અવધૂત આનંદઘનજીનું સંગીત કે કાવ્યસાહિત્ય, ભક્તિ પ્રયોજનરૂપ કે આત્માર્થે હોવાથી ચિરંજીવ બની અમરત્વને પામ્યું.
જાણે ઉપરઉપરથી છીછરા પાણીમાં છબછબિયાં કરાવતી કલા અને સાહિત્ય કૃતિઓ ક્ષણિક આનંદ આપે અને તેનું આયુષ્ય માત્ર પરપોટા જેટલું હોઈ, કાળના પ્રવાહમાં વિસ્તૃત બની જાય, પરંતુ શ્રીમદ્ભુ જેવા સર્જકની કૃતિઓ સ્વ-પરની કલ્યાણકારી બની ગઈ, કારણકે તેમાં આત્મત્વના ઊંડાણમાં ડૂબકી લગાવ્યા પછીના નિજી ભાવ કે ઉત્કટ સંવેદના વ્યક્ત થયાં છે. શુદ્ધ આચરણમાં પરાવર્તિત થયેલી સર્જકતાએ
૪૧
સાત્ત્વિક સહચિંતન આત્માની અમરતાનું ગાન પ્રગટ કર્યું છે.
સાહિત્યનો ઉદ્દેશ માત્ર ધર્મોપદેશ કે નીતિના પ્રસાર-પ્રચારનો જ નથી, પરંતુ સાહિત્યસર્જનનો મૂળ ઉદ્દેશ તો શુભ તત્ત્વોનાં દર્શનનો જ હોવો જોઈએ. માટે જ સાહિત્યને જીવનનો અમૃતકુંભ કહ્યો છે.
આ અંગેના કાર્યક્રમોની વિચારણા વખતે શ્રીમદ્ભુનાં સાહિત્ય, સંગીત કે કલા આત્માર્થે જ હોય તે વાત દીવાદાંડી સમાન બની રહેશે, કારણકે વિવિધ કલાઓ એ સાહિત્યજીવનનું એક અંગ છે. જીવનને ઘડવામાં, જીવનને સુસંસ્કૃત બનાવવામાં તેનું ઘણું મોટું યોગદાન છે, માટે તે ક્ષેત્રની વિશુદ્ધિ માનવજીવનને ઊંચાઈ પર લઈ જશે. આપણે જોયું કે શ્રીમદ્જીની આ નાનકડી નોંધમાં અધ્યાત્મઅમૃત છલોછલ ભરેલું છે.
શ્રીમના વિપુલ કાવ્યસર્જનમાં સદ્ગુરુ ભક્તિરહસ્ય (વીસ દોહરા), આત્મસિદ્ધિ શાસ્ત્ર, અમૂલ્ય તત્ત્વવિચાર, અપૂર્વ અવસર સહિત અનેક કાવ્યોની રચનામાં આત્મચિંતનનું નિરૂપણ થયું છે.
કાવ્યની એકએક ગાથા પર એકએક ગ્રંથની રચના થાય કે એકએક ગાથા પર એકએક પ્રવચન શ્રેણી યોજી શકાય એવાં અધ્યાત્મ રહસ્યો ભરેલાં પડચાં છે.
શ્રીમદ્ઘના વિચારમંથન પછી જે નવનીત પ્રગટ થયું તેનું આ સર્જન શાસ્ત્ર બની ગયું.
આત્મસિદ્ધિ શાસ્ત્રની ૨૮મી ગાથામા
લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન
ગ્રહે નહિ પરમાર્થને, લેવા લૌકિક માન.
આત્મગુણો પ્રગટ કરવા કર્મોની નિર્જરા કરવાના આ રહસ્યને સમજાવવા માટે શ્રીમદ્ભુએ ગાથાના પૂર્વ પક્ષમાં એક માર્મિક શબ્દ મૂક્યો એ છે ‘“વૃત્તિ’”. “લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, વૃત્તિને ઓળખવાની છે. કર્મ સહિત આત્મામાં બે પ્રકારની વૃત્તિઓ વહી રહી છે. એક સ્વાભાવિક વૃત્તિ અને બીજી વૈભાવિક વૃત્તિ.
જ્ઞાનાદિ મૌલિક ગુણો, ક્ષમા, સત્ય, સરળતા, નિર્લોભતા, સમતા, વિવેકનું પરિણામ ધારામાં પ્રગટ થવું તે સ્વાભાવિક વૃત્તિ અને ક્રોધાદિ રૂપ આત્મામાં પરિણમી જવું અને પછી તે રૂપ પ્રગટ થવું તે વૈભાવિક વૃત્તિ છે.
૧૭ અક્ષરની હાઇકુ કવિતામાં આ વાતને સુંદર રીતે રજૂ કરી છે -
૪૨