________________
181
Vol. XLI, 2018
ભારતીય તત્ત્વજ્ઞાનની રૂપરેખા કહ્યું કે અણુસૃષ્ટિ એ તો ભોગ્ય સૃષ્ટિ છે, અને જે ભોગ્ય હોય તેનો કોઈ ભોક્તા સચેતન હોવો જ જોઈએ. આ દલીલને આધારે તેમણે બધાએ ભોક્તાનું યા જીવનું સ્વતંત્ર અસ્તિત્વ માન્યું. કારણ કે એમની સર્જન પ્રક્રિયામાં મૂળ પાયારૂપે તો પરમાણુઓ જ હતા; અને તેમાં તેમણે ચૈતન્ય સ્વીકાર્યું ન હતું, તેમ જ ચૈતન્ય પ્રગટ થાય એવી ચાર્વાકસંમત શક્તિ પણ સ્વીકારી ન હતી. આથી ઉલટું પ્રકૃતિવાદની સર્જન પ્રક્રિયામાં દેખાય છે એ પ્રક્રિયા પ્રમાણે જ્ઞાન, સુખદુઃખ, ઇચ્છા આદિ સ્વસંવેદ્ય મનોગત ભાવો એ તો પ્રકૃતિના સર્જન ક્રમમાં આવિર્ભાવ પામતાં, પહેલા જ તબક્કે અસ્તિત્વમાં આવે. તેથી શરૂઆતના વખતમાં પ્રકૃતિવાદીને પણ કદાચ પ્રકૃતિથી ભિન્ન એવા ચેતનતત્ત્વની કલ્પના કરવી નહીં પડી હોય. અને જ્યારે એ કલ્પના કરવી પડી ત્યારે પ્રકૃતિવાદીને ચેતન સાથે પ્રકૃતિનો મેળ બેસાડવામાં અને પ્રકૃતિના બુદ્ધિ, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એ ત્રિવર્ગને સાર્થક ઠરાવવામાં પણ ભારે મુશ્કેલી અનુભવવી પડી હોય તેમ દેખાય છે.
ભૌતિક તત્ત્વોનાં સ્વરૂપ પરત્વે જે-જે કલ્પનાઓ થતી ગઈ અને વિકસતી ગઈ, તે કલ્પનાઓ પ્રયોગની કસોટીએ ચડેલી નહીં. બે કે અનેક કલ્પનાઓના પુરસ્કર્તા પરસ્પર ચર્ચા કરે; એક બીજાની કલ્પનામાં ત્રુટિ કે અસંગતિ બતાવે. બીજો પોતાના બચાવ ઉપરાંત પહેલાની માન્યતામાં અસંગતિ દર્શાવે. આમ તર્ક-પ્રતિતકના પરિણામે દરેક વાદી પોતાનાં મંતવ્યોમાં કાંઈક ને કાંઈક સુધારો કે ઉમેરો કરતો ગયો છે, પણ કોઈ ભૌતિકવાદી પરંપરાએ પોતાની કલ્પનાને પ્રયોગની કસોટીએ ચડાવી તેની સારાસારતા સિદ્ધ નથી કરી. જેમ છેલ્લાં ચારસો-પાંચસો વર્ષમાં વૈજ્ઞાનિકોએ ભૌતિક તત્ત્વની પોતપોતાની કલ્પનાઓને અનેક પ્રયોગો દ્વારા કરવાનો પ્રયત્ન કર્યો છે, અને તેને પરિણામે અનેક જૂની માન્યતાઓ ભૂંસાઈ ગઈ છે; નવી માન્યતા અસ્તિત્વમાં આવતી ગઈ છે, અને તે પણ પ્રયોગમાં સાબિત થાય તો જ ટકી રહે છે, નહીં તો માત્ર ઐતિહાસિક નોંધમાં જ એનું સ્થાન રહે છે, તેમ ભારતીય તત્ત્વજ્ઞાનની ભૌતિક વિશ્વ પરત્વેનો સેંકડો વર્ષોમાં ખેડાયેલી વિવિધ કલ્પના વિશે ક્યારેય બન્યું નથી તેથી આ કલ્પનાઓ આજે એ જ રૂપમાં સિદ્ધાન્ત કોટિમાં આવી શકે નહીં, અને છતાં એ તત્ત્વજ્ઞાનનો એક ભાગ તો ગણાય જ છે.
આનો અર્થ મારી દૃષ્ટિએ એટલો જ થઈ શકે કે તે તે ચિંતકો મૂળે તો વસ્તુના યથાર્થ દર્શનની શોધમાં જ પ્રવૃત્ત થયેલા. તેમનાં સાધનો તે કાળે પરિમિત. અને વૈજ્ઞાનિક પ્રયોગની દિશા તેમણે ઉઘાડી જ ન હતી. તેથી આજના વૈજ્ઞાનિક પ્રયોગોના સમયમાં એ કલ્પનાઓનું મૂલ્ય અવશ્ય સિદ્ધાન્તકોટિનું નથી જ, છતાં ઉત્કટ જિજ્ઞાસુઓના પ્રાથમિક અને દીર્ઘકાલીન પ્રયન રૂપે તો એનું ઐતિહાસિક મૂલ્ય છે જ. અહીં એ પણ નોંધવું યોગ્ય ગણાશે કે ભૌતિક તત્ત્વોની વિવિધ કલ્પનાઓ સાથે બૌદ્ધિક સૂક્ષ્મતા, તાર્કિક સચોટતાનો સંબંધ જોડી શકાય; પણ સૈકાલિક સર્વજ્ઞત્વ કે અબાધિત સ્વાનુભવનો સંબંધ જોડી ન શકાય. આ વિચારને વધારે સ્પષ્ટપણે સમજવામાં ઉપયોગી થઈ શકે એવો, એક લેખ હમણાં જ પ્રસ્થાન” માસિકના ગત કારતક માસના અંકમાં “પરમાણુની ભીતરમાં' શીર્ષકથી પ્રસિદ્ધ થયો છે. એના લેખક છે ડો. અશ્વિન મ. ત્રિવેદી અને શ્રી મહેન્દ્ર દેસાઈ.