________________
Vol. XLI, 2018 ભારતીય તત્ત્વજ્ઞાનની રૂપરેખા
185 અવિભાજય એવા આકાશખંડમાં રહેતો હોય તો અનંતાનંત અણુઓ અને તેના સ્કંધો આકાશમાં સમાઈ ન શકે. આ પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે અવિભાજ્ય આકાશક્ષેત્રમાં એક પરમાણુ સમાય છે એ વાત સાચી, પણ એ પરમાણુ બીજા અનેક અથવા અનંત પરમાણુઓને પણ પોતાના ક્ષેત્રમાં અવકાશ આપે છે. આ ઉપરથી પ્રશ્ન થયો કે અવિભાજય આકાશક્ષેત્રમાં એક પરમાણુ પણ સમાય અને પરમાણુઓનો સ્કંધ પણ સમાય, તો એ મૂળ પરમાણુ અને સ્કંધ બે વચ્ચે પરિમાણનો ભેદ શો રહ્યો? આના ઉત્તરમાં એ જૈન વિચારકોને વ્યવહાર અને નિશ્ચયદષ્ટિ મદદે આવી. તેમણે ખુલાસો કર્યો કે જે એક પરમાણુ તે નિશ્ચય-પરમાણુ અને તે જ પરમાણુના અધિષ્ઠાન-ક્ષેત્રમાત્રમાં સમાતો અનંતાણુમય સ્કંધ એ વ્યવહાર પરમાણુ. આ રીતે જડ અને ચેતનતત્ત્વમાં જેમ જેમ વિચારનું ઊંડાણ વધતું ગયું અને પ્રથમની કલ્પનાઓમાં અસંગતિ દેખાવા લાગી તેમ તેમ વ્યવહાર અને નિશ્ચયની દૃષ્ટિનો આશ્રય લઈ તત્ત્વવિચાર ખીલતો ગયો.
બુદ્ધ સ્થાયી દ્રવ્યનો છેદ તો ઉડાડ્યો જ હતો અને બાહ્ય તેમજ આન્તર વિશ્વમાં ક્ષણિક ધર્મોનું અસ્તિત્વ જ સ્થાપ્યું હતું. પણ એ જ બૌદ્ધ પરંપરામાં જ્યારે એવો તબક્કો આવ્યો કે તેમાં બાહ્ય ભૌતિક તત્ત્વનું અસ્તિત્વ જ નકારાયું, ત્યારે એ વિજ્ઞાનવાદને બાહ્ય વિશ્વના થતા ઇન્દ્રિયગમ્ય અનુભવની સત્યતાનો ખુલાસો કરવાનો વારો આવ્યો એણે તરત જ કહી દીધું કે બાહ્ય વિશ્વ એ સત્ય છે, પણ તે સત્ય પારમાર્થિક નથી; માત્ર સંવૃતિસત્ય. સંવૃત્તિ એટલે અવિદ્યાનું ટાંકણ. આ અવિદ્યાને લીધે જે ભાન થાય તે અવિદ્યાકાલીન સત્ય કહેવાય. આમ વિજ્ઞાનવાદે પોતાના ઉત્ક્રાન્ત યા વિકસિત દર્શનને સ્થાપવા પરમાર્થસત્યનો આશ્રય લીધો, અને પોતાના જ સમાનધર્મા ઇતર બૌદ્ધની માન્યતાને સંવૃત્તિસત્ય કહી તેને પણ એક ખૂણામાં ગોઠવી.
બાહ્ય અને આંતર જગતના દ્વૈત તેમ જ અદ્વૈત વિશેની દીર્ઘકાલીન ચર્ચાઓ પછી જ્યારે શંકર જેવા આચાર્યોએ કેવલાદ્વૈત સ્થાપ્યું ત્યારે તેમને પહેલાંથી પ્રચલિત, શાસ્ત્રોમાં રૂઢ અને લોકમાનસમાં ઘર કરેલ દ્વૈત તેમ જ જીવોના અસ્તિત્વ અને પારસ્પરિક ભેદનો ખુલાસો તો કરવો જ રહ્યો. વળી, સ્વતંત્ર ઇશ્વર વિશેના મંતવ્યનું સ્થાન પણ ગોઠવવું જ રહ્યું. એટલે તેમણે પણ અખંડ સચ્ચિદાનંદ બ્રહ્મને પારમાર્થિક સત્ય રૂપે પોતાના દર્શનમાં નિરૂપ્યું અને બીજાં વિરોધી દેખાતાં મંતવ્યો કે લોકપ્રવાહોને વ્યાવહારિક સત્યની કોટિમાં કોઈ ને કોઈ રૂપે ગોઠવ્યાં. માયાનો આશ્રય લઈ ઈશ્વરતત્ત્વનું નિરૂપણ કર્યું અને અવિદ્યાનો આશ્રય લઈ જીવોનું અસ્તિત્વ, તેમનો પારસ્પરિક ભેદ અને બાહ્ય જગતનો આભાસ – એ બધું ગોઠવ્યું. એક રીતે આ પ્રક્રિયા સંવૃતિસત્ય અને પરમાર્થસત્યના જેવી જ છે. નાગાર્જુને જે કહ્યું હતું અને વસુબંધુએ ત્રિસ્તભાવ નિર્દેશમાં જે નિરૂપ્યું હતું, તે કેવલાદ્વૈતવાદમાં કાંઈક રૂપાંતરથી
નિરૂપાયું.
વિજ્ઞાનવાદે બાહ્ય જગતનું અસ્તિત્વ નકારી બૌદ્ધ પરંપરામાં વિચારની એક નવી દિશા ઉઘાડી હતી. પણ ક્ષણવાદી અને ધ્યાની બૌદ્ધો ત્યાં જ થોભે તેવા ન હતા. તેમાં શૂન્યવાદ અસ્તિત્વમાં આવ્યો. એ વાદે વિજ્ઞાનસંતતિ જેવા આંતરિક સત્યોને પણ નિઃસ્વભાવ કહી એક રીતે સંવૃત્તિસત્યની કોટિમાં મૂકી દીધાં, અને કહ્યું કે તે નિરૂપણ નેયાર્થક છે, એટલે કે કલ્પના-સ્થાપનીય છે. નીતાર્થ એટલે બુદ્ધનું