________________
228
રમેશ ઓઝા
SAMBODHI
દેવહંસજી સાથે બાનેડ જવા નીકળ્યા, તેની આગલી રાત્રિનું સ્મરણ થયું. માતા ગુરુમહારાજને પ્રણામ કરીને ઘેર આવી હતી. બીજા દિવસે રિણમલ્લ (મુનિ પોતે) ગુરુ સાથે જવાનો હતો. માતાએ તેને એની સોડમાં સુવાડ્યો હતો. મા રાતભર રડતી, ડૂસકા મારતી રહી હતી. એના પ્રેમ અને આંસુઓથી નવડાવતી રહી હતી. આજે મુનિજીને નાનો રિણમલ્લ દેખાયો. એ રિણમલ્લ હવે મુનિ હતો. મુનિની બંધ આંખો સામે માની કરુણામૂર્તિ ઊભી હતી – મૂક, અનિમેષ જોઈ રહેલી. તીક્ષ્ણ અવાજે મુનિને પૂછી રહી હતી, “ભાઈ રિણમલ્લ, જેણે તને જન્મ આપીને લાલન-પાલન કરીને મોટો કર્યો હતો એવી કોઈ તારી મા પણ (તારી) આ દુનિયામાં હતી ?'
માનસિક પરિતાપથી કાળજું શેકાતું જતું હતું. રાત આખી ઊંઘ વગર પસાર થઈ. સવારથી અજિતાજીના આવવાની મુનિજી રાહ જોતા હતા. બે વાગ્યા અજિતાજી આવ્યો. મુનિજીને અજિતાજીના ચહેરા પરથી જ લાગ્યું કે કંઈ સારા સમાચાર નથી. તો પણ મુનિજીએ માનપૂર્વક એને પાસે બેસાડ્યો અને શાંતિપૂર્વક પૂછ્યું, “કહો ભાઈ, શા સમાચાર લાવ્યા છો ?'
અજિતાજીની આંખોમાં આંસુ હતાં. આદ્ર અવાજે એણે કહ્યું, “મહારાજ, લગભગ બે વરસ પહેલાં સંવત ૧૯૭૬ના વૈશાખ વદ સાતમને દિવસે મા સાહેબ દેવલોક પધાર્યા છે.”
મુનિજીના હૃદય પર વજાઘાત થયો. વધારે કંઈ પૂછવાની એમને ઇચ્છા ન થઈ. મુનિજીએ અજિતાજીને કહ્યું, “ભાઈ, તમે હજી જમ્યા નહીં હોવ, માટે જમી લો. પછી હું તમને બોલાવીશ.”
અજિતાજી ભારે હૈયે, આંખમાંથી આંસુ સારતો, રડતો રડતો ત્યાંથી ઊઠીને ગયો.
બપોર પછી ઠાકુર સાહેબ, મુનિજીને મળવા એમના ઓરડામાં આવ્યા. એમનું મન પણ ખિન્ન હતું. મુનિજી પોતાને સ્વસ્થ કરવા મથતા હતા. એમણે બીજી વાતો કરવા માંડી, પણ ઠાકુર સાહેબે કહ્યું, બે એક વર્ષ પહેલાં પધાર્યા હોત તો માતાજીને મળવાનું થયું હોત.”
મુનિજીએ કહ્યું, “કોઈ દુર્ભાગ્યની પાપદૃષ્ટિને કારણે એવો યોગ આવ્યો નહીં. આમ તો માતાનું સ્મરણ અનેકવાર થતું હતું અને જન્મભૂમિ રૂપાહેલીની યાદ પણ બરાબર આવતી હતી પણ અત્યાર સુધી જે પ્રકારની જીવનચર્યામાં બંધાયેલો હતો તેના કારણે મારે આ સ્મરણોને મનથી વિસ્મૃત કરવા પ્રયત્નબદ્ધ રહેવું પડ્યું હતું.'
મુનિજીએ જૈન ધર્મની સાધુ દીક્ષા ગ્રહણ કરી અનેક કઠોર નિયમોનું પાલન કર્યું. વાહન દ્વારા પ્રવાસ સર્વથા વર્ય હતો. પગપાળા ભ્રમણ કરતા. ભ્રમણ-વિસ્તાર માળવા, મહારાષ્ટ્ર ને ગુજરાતનો પ્રદેશ હતો. રાજસ્થાનમાં વિચરવાનો કોઈ પ્રસંગ થયો નહીં. કોઈ ગૃહસ્થને પત્ર લખવાનું કે વ્યાવહારિક સંપર્કો રાખવાનું પણ નિષિદ્ધ હતું. આ ઉદાસીન ચર્ચામાં માતા, પિતા, ભાઈ વગેરેના સાંસારિક સંબંધોનું સ્મરણ કરવું. એના તરફ પ્રેમભાવ રાખવાનું કે મોહ, મમત્વનું ચિંતન કરવાનું ત્યાજ્ય હતું. આ કારણોથી માતાની સ્મૃતિ થવા છતાં મુનિજી એને સતેજ થવા દેતા નહીં, પણ મુનિજીના વિચારોમાં પરિવર્તન આવતું ગયું, મનોવૃત્તિ ચર્યામાંથી વિરક્ત થઈ એમ જીવનમાર્ગને