Book Title: Sambodhi 2018 Vol 41
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 248
________________ Vol. XLI, 2018 પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રી જિનવિજયજી (૨૭, જાન્યુ. ૧૮૮૮ – ૩, જૂન ૧૯૭૬) 239 આપણે એ પણ જોયું કે ઈ.સ. ૧૯૨૫માં જર્મન વિદ્વાન ડો. શુઝિંગ ભારત આવ્યા ત્યારે મુનિજીને મળવા ખાસ વિદ્યાપીઠની મુલાકાતે આવેલા. ગુજરાત પુરાતત્ત્વ મંદિર તેમ જ વિદ્વમંડળીનાં કાર્યો વિશે તેમણે નોંધ કરેલી. એમણે મુનિજીને જર્મની પધારવા આમંત્રણ આપેલું. ઇ.સ. ૧૯૨૮માં મહાત્મા ગાંધીજીની અનુમતિ લઈને મુનિજી મે માસમાં મુંબઈથી સ્ટીમર દ્વારા પૅરિસ થઈને લંડન ગયા. જો કે મહાત્મા ગાંધીએ વિદ્યાપીઠની પુનર્રચના કરીને પ્રતિજ્ઞાપત્ર ભરવાનું ફરજિયાત કર્યું. એમાં એમણે વિદ્યાપીઠ સંદર્ભે કહ્યું કે, કેવળ અહિંસાથી જ ભારત સ્વરાજ્ય પ્રાપ્ત કરી શકાશે. મુનિજી બંધનો પ્રત્યે વિદ્રોહી હતા, તેથી વિદ્યાપીઠની સેવાઓથી મુક્ત થવા જ માગતા હતા. તેઓ લંડન દોઢ વર્ષ (જૂન, '૨૮થી ડિસે. '૮૮) રહ્યા. ત્યાંથી એમણે શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ પર પત્રો લખ્યા. જે જૈનયુગ'ના અંકોમાં પ્રગટ થયા છે. જર્મનીમાં મુનિજી વિવિધ વિશ્વવિદ્યાલયોમાં પ્રાચ્ય વિદ્યાના વિદ્વાનોને મળ્યા. મુનિજીને લાગ્યું કે ભારત સંબંધી વિચાર-વિનિમય માટે એકાદ કેન્દ્રની જરૂરિયાત છે, તેથી તેમણે મુસ્લિમ મિત્રની સહાયતા લઈને “હિંદુસ્તાન હાઉસ' સંસ્થાનની સ્થાપના કરી. એનું ઉદ્ઘાટન ૨૪ ઓગસ્ટ, ૧૯૨૮ના રોજ શ્રી શિવપ્રસાદ ગુપ્તાને વરદહસ્તે થયું. સાથે સાથે ભારત-જર્મની વચ્ચે મિત્રતા વધારવા “ઇન્ડોજર્મન સેન્ટર' જેવી સાંસ્કૃતિક સંસ્થાની સ્થાપના કરી. ઈ.સ.૧૯૨૯ના ડિસેમ્બર મહિનામાં ભારત પાછા ફરીને મુનિજી શ્રી મહાદેવભાઈ દેસાઈની પ્રેરણાથી લાહોર કોંગ્રેસ અધિવેશનમાં ગયા. પૂર્ણ સ્વાધીનતાના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. ફરી જર્મની જવાનો વિચાર હતો, પણ ગાંધીજીએ ભારતમાં એમની આવશ્યકતા વધુ છે એમ કહ્યું, તેથી ભારતમાં જ રહ્યા. ૧૨ માર્ચે (૧૯૩૦) ગાંધીજી સાથે નમક સત્યાગ્રહમાં ‘દાંડીકૂચમાં પંચોતેર સ્વયંસેવકો સાથે પોતે જોડાયા. અમદાવાદના સ્ટેશને જ એમને ગિરફતાર કરવામાં આવ્યા. છ માસની કારાવાસ જેલ થઈ. એક રાત વરલી જેલમાં ને પછી નાસિક જેલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં શ્રી જમનાલાલ બજાજ, શ્રી નરીમાન, ડો. ચોક્સી, શ્રી રણછોડભાઈ શેઠ, શ્રી મુકુંદ માલવિયા સાથે હતા. ત્યાં જ શ્રી ક. મા. મુનશીનો પરિચય થયો. મુન્શી સાથેની ચર્ચાના ફળસ્વરૂપે, પાછળથી જે ભારતીય વિદ્યાભવનની સ્થાપના થઈ એનાં બીજ અહીંથી રોપાયેલાં હતાં. ઇ.સ. ૧૯૩૦ની વિજયાદશમીએ જેલમાંથી છૂટ્યા. કલકત્તાના જૈન સાહિત્યાનુરાગી શ્રી બહાદુરસિંહ સિંઘીના આમંત્રણથી ઈ.સ. ૧૯૩૦ (વિ.સં. ૧૯૪૭)માં કલકત્તા ગયા. ત્યાંથી ટાગોરની સંસ્થા “શાંતિનિકેતન' ગયા. ત્યાં ક્ષિતિમોહન સેનને મળ્યા. શાંતિનિકેતનથી પાછા ફરતાં સિંઘીજીના આગ્રહથી, શ્રી સિંઘી જૈન ગ્રંથમાળા શરૂ કરવાનું નક્કી કર્યું. એ માટે સિંધી જૈન જ્ઞાનપીઠની સ્થાપનાની યોજના તૈયાર કરી. ઇ.સ. ૧૯૩૦ના ડિસેમ્બરમાં શાંતિનિકેતનમાં ‘સિંઘી જૈન જ્ઞાનપીઠ' તેમ જ “સિંઘી જૈન ગ્રંથમાળા'નો પ્રારંભ કર્યો. પહેલો ગ્રંથ પ્રબંધ ચિંતામણિ' (ઇ.સ. ૧૯૩૩) પ્રગટ કર્યો. શાંતિનિકેતન મુનિજી ત્રણ વર્ષ રહ્યા. ત્યાંનું વાતાવરણ અનુકૂળ ન રહેતાં, સ્વાથ્ય ઉપર અસર થઈ. ત્યાં ક. મા. મુનશીએ મુંબઈમાં ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી. શ્રી ક. મા. મુનશીના આગ્રહથી મુનિજી વિદ્યાભવન સાથે જોડાયા. સિંઘી જૈન ગ્રંથમાળાનું કાર્યાલય પણ વિદ્યાભવનમાં ખસેડ્યું.

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256