Book Title: Sambodhi 2018 Vol 41
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 246
________________ vol. XLI, 2018 પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રી જિનવિજયજી (૨૭, જાન્યુ. ૧૮૮૮ - ૩, જૂન ૧૯૭૬) 237 આવ્યું. એક ખેડૂતના ઘર પાસે, પશુઓને બાંધેલાં હતાં. એના છાપરા નીચે લપાઈને બેઠા. આછું અંધારું હતું. ખેડૂતની પત્ની બહાર આવી. કિશનસિંહ પર નજર પડી. તે ભૂત સમજી ભાગી. એની ચીસ સાંભળી ખેડૂત ફાનસ લઈ બહાર આવ્યો. જોયું, પૂછ્યું, “ભાઈ, કોણ છો ?' કિશનસિંહે કહ્યું, “અજાણ્યો મુસાફર છું. ઉજ્જૈન જતો હતો. રસ્તામાં ભૂલો પડ્યો. વરસાદમાં રાત ગાળવાના આશયથી અહીં છાપરા નીચે બેઠો છું. ખેડૂત એને અંદર લઈ ગયો. જુવારનો રોટલો અને દૂધનો કટોરો આપ્યો. જેણે સાધુ જીવનના આઠ વરસ સુધી સૂર્યાસ્ત પછી પાણીનું ટીપું પણ લીધું નહોતું, એ ચર્યાનો આજે ભૂખ સંતોષીને ભંગ કર્યો. કિશનસિંહને અમદાવાદના જૈન મૂર્તિપૂજક સંપ્રદાય વિશે ખાસ્સી જાણકારી હતી. ત્યાં વિદ્વાનો તેમજ વિદ્યાપ્રાપ્તિ અંગેની સુવિધા હતી. કિશનસિંહ અમદાવાદ આવ્યા. રાત્રે એક દુકાનના છાપરા નીચે સૂઈ રહ્યા હતા. પોલીસને શંકા ગઈ. એમને પકડી લીધા. પૂછપરછ કરી. છોડી મૂક્યા. કોઈ સહારો નહોતો. એક હોટલમાં ચાર આનાના રોજ ઉપર વાસણ માંજવા-ધોવાનું કામ કર્યું. જેથી પેટની ચિંતા ન રહે. વિદ્યાપ્રાપ્તિની ક્યાંક જોગવાઈ થાય તો સારું – એ માટે અનેક ધાર્મિક સંસ્થાઓમાં ફર્યા – રઝળ્યા. એમને ભાળ મળી કે પાલનપુરમાં અધ્યયન માટે સારી સુવિધા છે, તેઓ ત્યાં ગયા. ત્યાં પણ નિરાશા મળી. પાલીના ઉપાશ્રયોમાં પંડિતો ભણાવે છે એવી માહિતી મળતાં પાલી ગયા. ઈ.સ. ૧૯૧૦ (વિ.સં. ૧૯૬૬)માં શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન ફિરકાના કેટલાક મુનિવરોનાં દર્શન થયાં. એમાં એક સાધુરત્ન હતાં – પંન્યાસ સુંદરવિજયજી, સરળતા, સમત્વશીલતા તેમ જ સંયમની મૂર્તિ ! કિશનસિંહ પ્રભાવિત થયા. શિષ્યત્વ સ્વીકાર્યું. બાવીસ વર્ષની વયે ઈ.સ. ૧૯૧૧ (સંવત ૧૯૬૭)માં પાલી પાસેના ભાખરી ઉપર બનેલા જૈનમંદિરમાં એમણે સંવેગી દીક્ષા લીધી. “મુનિ જિનવિજય' તરીકે ઓળખાયા. ત્યાંથી મુનિ જિનવિજય ખ્યાવર ગયા. ત્યાં સમાજકલ્યાણના ઉદ્ગાતા આચાર્ય વિજય વલ્લભસૂરિનો ભેટો થયો. તેમની સાથે ચારેક પંડિતો હતા. તેઓ ગુજરાત જતા હતા. જ્ઞાનતૃષા સંતોષવા મુનિજી તેમની સાથે પાલનપુર ગયા. ત્યાંથી વડોદરા આવ્યા. મુનિજીનાં સંશોધન અને સ્વાધ્યાય સતત ચાલુ હતાં. રસરુચિની પરિપક્વતા વધતી જતી હતી. ટોડરમલને વાંચ્યા પછી રાજસ્થાન તેમજ મેવાડના ઇતિહાસ સંદર્ભે વધુ જિજ્ઞાસા થઈ. સરળ અને શાંત પ્રકૃતિ ધરાવતા સુંદરવિજયજીનો સંપર્ક થયો, એથી જિનવિજયજીને વિદ્વત્તા સાથે વિદ્યાપ્રાપ્તિની સગવડ મળી. ઇ.સ. ૧૯૧૨ (સં. ૧૯૬૮)માં સુરત ખાતે સમભાવી સંત, સાહિત્યસમુપાસક પ્રવર્તક શ્રી કાન્તિવિજયનો સંપર્ક થયો. કાન્તિવિજયજી વિદ્યાનુરાગી ને વિદ્વત્તા તેમ જ વિદ્વાનને પ્રેરણા આપનાર હતા. પાટણ અને અન્યત્ર પ્રાચીન ગ્રંથભંડારોનો લાભ એમની સહાય-સગવડથી પ્રાપ્ત થયો. ચતુરવિજયજી, જેઓ કાન્તિવિજયજીના શિષ્ય હતા. તેમનો સંપર્ક મુનિજીને થયો. તેઓ સંશોધનપ્રિય હતા, અનેક જૈન ગ્રંથ ભંડારોના સમુદ્ધારક હતા, સાથે-સાથે આગમ પ્રભાકર મુનિજી પુણ્યવિજયજીના પરમ સહૃદય બન્યા. એમની નિર્મળ પ્રીતિ ને જ્ઞાનભક્તિ મુનિજી માટે પ્રેરક બળ હતું. મુનિ જિનવિજયજીએ ઈ.સ. ૧૯૧૨

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256