Book Title: Sambodhi 2018 Vol 41
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 235
________________ 226 રમેશ ઓઝા SAMBODHI મુનિજીએ યતિજી મહારાજનો ઉપાશ્રય ખાલી હોય તો તેમાં જઈને રહેવાની ઇચ્છા દર્શાવી. ઠાકુરસાહેબે ગદ્ગદ્ કંઠે કહ્યું, “આપ અમારા પૂજનીય મહેમાન છો, આપના રહેવાની બધી વ્યવસ્થા ગઢમાં થશે.” ગઢમાં, ઉપરની બાજુ, ઓરડામાં મુનિજીની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી. સાંજે મુનિજીએ ભોજનમાં માત્ર પાશેર દૂધ જ લીધું. મુનિજીએ થોડો આરામ કર્યો. બેએક કલાક પછી ઠાકુરસાહેબ આવ્યા. મુનિજીના ચરણસ્પર્શ કર્યા. પ્રણામ કરીને ગાલીચાની એક કોરે પલાંઠી વાળીને, બંને હાથ ખોળામાં રાખીને આમાન્યા સાથે બેઠા. ઇતિહાસ ઠાકુરસાહેબનો શોખનો વિષય હતો. એ વિષયનાં પુસ્તકો તેઓ વાંચતા, મુનિજીના ઘણા લેખો એમણે વાંચ્યા હતા. અજમેર રહેવાસી ગૌરીશંકર ઓઝાએ મુનિજીનો પૂર્વ પરિચય આપેલો. મુનિજી વિદ્યાપીઠમાં પુરાતત્ત્વ મંદિરના આચાર્ય તરીકે નિયુક્ત થયા છે તે હકીકતની પણ ઠાકરસાહેબને ગૌરીશંકર ઓઝા દ્વારા જાણ થઈ હતી – એ બધી વાત ઠાકરસાહેબે મુનિજીને કરી. મુનિજીએ રૂપાયેલી છોડ્યા પછી જીવનચક્ર કેવું ફરતું રહ્યું તેની સઘળી વાત ઠાકરસાહેબને કરી. મુનિજીએ રૂપાયેલી આવવાનું પ્રયોજન સ્પષ્ટ કરતાં કહ્યું, “મારો અહીં ઓચિંતા અને અપરિચિત રૂપે આવવાનો ઉદ્દેશ મારી મા વિશે અને સાથે સાથે મારા પિતા તેમજ દાદાના જીવન અંગેની હકીકતો જાણવાનો છે, જેની કદાચ આપને યથાર્થ માહિતી હશે... રૂપાયેલી છોડ્યા પછી મને અહીંની કોઈ વ્યક્તિ મળી નથી કે મને મારી માતાના કોઈ સમાચાર મળ્યા નથી. મેં આ દિશામાં કોઈ પ્રયત્ન કર્યો નથી. હું એક મૂર્જિત માણસની જેમ આટલાં વર્ષ મારા પૂર્વ જીવનના વિસ્મરણનો ભોગ બન્યો હતો. ‘નષ્ટો મોહઃ સ્મૃતિલબ્ધા', - આ સંસ્કૃત ઉક્તિ પ્રમાણે મારામાં મારાં માતા-પિતાની સ્મૃતિની ચેતના ફરી જાગૃત થઈ છે અને હું આજ એ જ ચેતનાનું શરણું લઈને અહીં ચાલ્યો આવ્યો છું.” ઠાકુરસાહેબ વિસ્મિત થયા, રાત પડી ગઈ હતી, ઠાકરસાહેબે એમને આરામ કરવા કહ્યું અને સવારે મુનિજીની માતાની પાસે જે ચાકર હતો તે હયાત હતો એટલે તેને બોલાવી આપવા કહ્યું. ઠાકુર સાહેબ પ્રણામ કરીને જતા રહ્યા. મુનિજી પણ પથારીમાં સૂતા. મહા મહિનો હતો. ઠંડી ઘણી હતી, સવારે દાતણ-પાણી કરી મુનિ પરવારીને બેઠા. બે કલાક પછી દૂધનો એક કળશો ભરીને માણસ આવ્યો. આવશ્યકતા અનુસાર દૂધ પીને બાકીનું પાછું મોકલી આપ્યું. દશેક વાગ્યે ઠાકુરસાહેબે મુનિજીને પોતાના ઓરડામાં બોલાવ્યા. પ્રણામ કરીને ઠાકુર સાહેબે પોતાની બેઠકની ખાસ ગાદી પર મુનિજીને બેસાડ્યા. ઠાકરસાહેબે સાંજની પૃચ્છાના જવાબમાં મુનિજીના પિતાની તેમજ અન્યોની જેટલી માહિતી હતી તેટલી સંક્ષેપમાં કહી સંભળાવી. મુનિજીએ તે માહિતી નોંધી લીધી. ઠાકુર સાહેબે મુનિજીની માતા પાસે જે નોકર રહેતો હતો તેને બોલાવ્યો. એનું નામ અજિતાજી હતું. તે સાઠ-પાંસઠ વર્ષનો હતો. એ તો મુનિજીને ન ઓળખી શક્યો પણ મુનિજી એને ઓળખી ગયા. ઠાકુર સાહેબ એમનો નિત્યક્રમનો સમય થવાથી ઓળખ કરાવીને જતા રહ્યા. મુનિજી અજિતાજીને લઈને પોતાના ઓરડે આવ્યા.

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256