________________
Vol. XLI, 2018 પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રી જિનવિજયજી (૨૭, જાન્યુ. ૧૮૮૮ - ૩, જૂન ૧૯૭૬) 225 હતી. મુનિજી એમને મળ્યા એ પહેલાં મુનિજીના નામ કે વિદ્વકાર્યોથી તેઓ પૂરતા વાકેફ હતા, પણ ક્યારેય મુનિશ્રીને પ્રત્યક્ષ મળ્યા ન હતા, મુનિશ્રીના વ્યક્તિત્ત્વનો તેથી કોઈ અંદાજ નહોતો.
એમની વાણીમાં કુંવર ઠાકુર જેવી કરડાકી નહોતી. મુનિજીએ આસન લીધું. ચતુરસિંહજીએ વિનમ્રતાથી પૂછ્યું, “આપ ક્યાંથી પધારી રહ્યા છો ? આપનું નિવાસસ્થાન કયાં છે ?” મુનિશ્રીએ કુંવરસાહેબને કહી હતી તે સઘળી વાત કહી. પોતાનો પરિચય આપ્યો. હકીકતો સાંભળી ચતુરસિંહજી સ્તબ્ધ થઈ બોલ્યા, “શું આપ એ જ મુનિ જિનવિજયજી છો જે અમદાવાદ ગુજરાત પુરાતત્ત્વ મંદિરના આચાર્ય છે ?'
મુનિજીએ ધીમેથી કહ્યું, “હા ઠાકરસાહેબ, એ જ મુનિ જિનવિજય છું અને આપની આ રૂપાયેલીમાં જન્મ્યો છું. હું આપનો પ્રજાજન છું.”
આ સાંભળીને ઠાકુર સાહેબ એકદમ ગાદી પરથી ઊભા થઈ ગયા. એમનો કંઠ ભરાઈ આવ્યો. આંખમાં આંસુ ઝળકવા લાગ્યાં. બે હાથ જોડી મુનિજીના પગમાં માથું ટેકવીને ગદ્ગદ્ અવાજે કહેવા લાગ્યા. “મુનિ મહારાજ, આ તુચ્છ મનુષ્ય પર આજે આપે કેવી અકલ્પિત અને અસંભવ કૃપા કરી છે. કોઈ સૂચના કે સંકેત આપ્યા વિના એક અજાણ્યા અને અપરિચિત સંતની જેમ આપે અહીં પધારીને મને કૃતાર્થ કરવાની દયા કરી છે...” એમના વિવિધ ઉદ્ગારોમાં ભાવના હતી. કૃતાર્થતા હતી, હર્ષનાં આંસુની ધારા હતી. ચહેરો લાગણીશીલ હતો. મુનિજી જ્યાં બેઠા હતા ત્યાંથી વિનમ્રતાથી ઊભા કરી, જે ગાદી પર પોતે બેઠા હતા તેના પર પરાણે બેસાડ્યા.
પેલો નોકર એક ખૂણામાં ઊભો ઊભો બધું જોતો હતો. આ બધું એની કંઈ સમજમાં બેસતું નહોતું. કુંવરસાહેબ આની સાથે કેવી કડકાઈથી વાત કરતા હતા ને અહીં તો ઠાકુર સાહેબ ખુદ એના પગમાં પોતાનું માથું મૂકીને આનો હાથ પોતાના માથા પર રાખી રહ્યા હતા.
ભાવવિભોર ઠાકુરસાહેબ થોડા સમય પછી સ્વસ્થ થયા. પ્રસન્ન ચહેરે એમણે પૂછ્યું, “આજ આમ અચાનક આવી રીતે આપનું અહીં પધારવાનું થયું, એ અંગે કંઈ વાત છે ?'
મુનિજીએ કહ્યું, “બે-ત્રણ દિવસ અગાઉ વિધિના કોઈ અજ્ઞાત સંદેશાએ એવો ઉત્કટ માનસિક નિર્દેશ કર્યો કે હું મારી જન્મભૂમિ રૂપાહેલીનું દર્શન કરું અને આપની મુલાકાત લઉં.”
ઠાકુરસાહેબે ત્યાં જે ઊભા હતા તેમને ભેગા કર્યા. મુનિજીની સૌને ઓળખ કરાવી. કુંવરસાહેબ ખૂબ શરમાયા. બે હાથ જોડીને માફી માગવા લાગ્યા.
ઠાકુર સાહેબે કહ્યું, “મુનિજી, આપનો સામાન ક્યાં છે?'
મુનિજીએ કહ્યું કે સામાનમાં તો એક થેલો છે. એ થેલો હું સ્ટેશનથી ગામમાં આવ્યો ત્યારે મંદિર પાસે ચોતરા પર મૂક્યો છે. ઠાકુરસાહેબે પેલા માણસને તે સામાન લઈ આવવા કહ્યું. નોકર સામાન લઈ આવ્યો.