________________
પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રી જિનવિજયજી (૨૭, જાન્યુ. ૧૮૮૮ – ૩, જૂન ૧૯૭૬)
રમેશ ઓઝા
એ વખતની વાત છે, જ્યારે ઇ.સ. ૧૯૧૭ની છઠ્ઠી જુલાઈએ, પૂનામાં ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ ચૂકી હતી. પૂનાની ડેક્કન કોલેજનો, મૂલ્યવાન જૂની જૈનહસ્તપ્રતોનો સરકારી ગ્રન્થભંડાર આ ઇન્સ્ટિટ્યૂટમાં ખસેડવામાં આવ્યો હતો. સંસ્થાને આર્થિક દૃષ્ટિએ સધ્ધર કરવાની તાતી જરૂર હતી, તેથી ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટના સ્થાપકોનું એક મંડળ મુંબઈ જૈન સમાજને મળવા ગયું હતું. એ વખતે ત્યાં મુંબઈમાં પૂ. પ્રવર્તક કાન્તિવિજયજીનો ચાતુર્માસ ચાલતો હતો. સાથે એમની સેવામાં એક આજાનબાહુ, વિદ્વાન યુવા જૈનમુનિ જિનવિજયજી (ઇ.સ. ૧૯૧૭માં) પણ હતા, પૂ. પ્રવર્તક કાન્તિવિજયજી અનેક જૈનભંડારોના સમુદ્ધારક તેમ જ કિંમતી ગ્રન્થોના પ્રકાશક હતા. મુનિશ્રી જિનવિજયજીએ પૂર્વે (ઇ. સ. ૧૯૧૬) વડોદરામાં પૂ. કાન્તિવિજયજીની પુનિત સ્મૃતિ રૂપે જૈનભંડારોમાં અત્રતત્ર પડેલી ઐતિહાસિક સાધનસામગ્રીને પ્રગટ કરવા મુનિ શ્રી પુણ્યવિજયજીની સાક્ષીએ “પ્રવર્તક કાન્તિવિજય જૈન ઐતિહાસિક ગ્રન્થમાળા' શરૂ કરી હતી.
પૂનાથી આવેલા જૈન મંડળને મુનિશ્રી જિનવિજયજીએ ત્યાંની મુંબઈની જૈન સંસ્થા દ્વારા સદ્ગત શ્રી લાલભાઈ કલ્યાણભાઈ ઝવેરીની મદદથી ૨૫,000/- રૂ.ની વ્યવસ્થા કરી આપી હતી. મુનિશ્રીએ પૂનાના ડેક્કન કૉલેજના સમૃદ્ધ જ્ઞાનભંડારને જોવાની ઇચ્છા વ્યક્ત કરી, જૈન મંડળે મુનિશ્રીને પૂના આવવા આમંત્રણ પાઠવ્યું. થોડા સમયમાં, ઈ.સ. ૧૯૧૮માં, પ્રબળ જ્ઞાનપ્રાપ્તિની જિજ્ઞાસાને તોષવા, પૂ. પા. પ્રવર્તકજી મહારાજની અનુમતિ લઈ મુનિ જિનવિજયજી મુંબઈથી પગપાળા પૂના ગયા. પૂના વિદ્યાનું કેન્દ્ર હતું. દુર્લભ હસ્તપ્રતો જોઈને મુનિશ્રીને અકથ્ય આનંદ થયો. અનેક વિદ્વાનોનો પણ ત્યાં પરિચય થયો. અહીં લોકમાન્ય ટિળક, પ્રો. રાનડે, પ્રો. ઘોંડો કેશવ કર્વે, પ્રો. બેલ્વલકર જેવા વિદ્વાનોનો પરિચય થયો. પ્રો. રસિકલાલ છો. પરીખ એ વખતે ત્યાંની ફર્ગ્યુસન કૉલેજમાં ભણતા હતા ને ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટની હસ્તપ્રતોની વર્ણનાત્મક સૂચિ તૈયાર કરવામાં મુનિજીને મદદ કરતા હતા. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના વિદ્વાન તેમજ ભાષાવિજ્ઞાનના અભ્યાસી ડૉ.