________________
220
રમેશ ઓઝા
SAMBODHI
આવ્યા હતા. એમાં ગાંધીજીના એક અંતેવાસી સી. એફ. એન્ડ્રુઝ પણ હતા. ગાંધીજીએ મુનિશ્રીનો પરિચય એન્ડઝને કરાવ્યો. બીજે દિવસે ગાંધીજી અમદાવાદ આવ્યા. મુનિજીને એમની સાથે ગાડીમાં બેસાડ્યા. સાબરમતી આશ્રમમાં ગયા. ગાંધીજીએ પોતાના બેઠક રૂમમાં જ મુનિશ્રીનો સામાન મુકાવ્યો ને કસ્તૂરબાને મુનિશ્રીના આહારવિહાર વિશે ઝીણી ઝીણી બાબતો સમજાવી. આશ્રમના અન્ય શ્રેષ્ઠીઓ તેમ જ વિદ્વજનોને મુનિજીનો, સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી તરીકે પરિચય કરાવ્યો. વિશેષમાં કસ્તુરબાને કહ્યું, “મુનિજી પૂનામાં સાહિત્ય અને શિક્ષણની વિશિષ્ટ પ્રવૃત્તિ કરી રહ્યા છે, ત્યાં વિદ્વાનોમાં આદરપાત્ર છે, અને આપણે જે રાષ્ટ્રીય વિદ્યાપીઠ ઊભી કરવા જઈ રહ્યા છીએ, એમાં તેઓ પોતાની સેવા આપવા માગે છે, એટલે એમને અહીં આમંત્રિત કર્યા છે.” રાષ્ટ્રીય વિદ્યાપીઠના અનુસંધાનમાં શ્રી કિશોરલાલ મશરૂવાળા, શ્રી નરહરિ પરીખ, શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક, શ્રી રા. વિ. પાઠક, શ્રી રસિકલાલ પરીખ વગેરે સાથે ચર્ચા-વિચારણા થતી રહી. મુનિજી પોતાના સાધુજીવનના આચાર-વ્યવહાર બદલવા માગતા હતા, પોતાના મનોમંથનને અનુકૂળ રહેવા સાધુવેશ તેમજ આહારવિહારમાં પરિવર્તન લાવવા ઝંખતા હતા. દેશના એક સામાન્ય સેવક તરીકે વિદ્યાપીઠમાં જોડાવા માગતા હતા. વિદ્યાપીઠમાં જોડાતાં પહેલાં પૂના જઈને જાહેર વક્તવ્ય દ્વારા એ પોતાનો મનોભાવ જાહેર કરવા માગતા હતા. ગાંધીજીએ એમ કરવા મુનિજીને અનુમતિ આપી.
અનુમતિ લઈને, મુનિજી પહેલાં કાઠિયાવાડના વઢવાણ પાસેના લીમડી ગામે ગયા. મુનિજીના સુહૃદમિત્ર અને સાથી પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી નાદુરસ્ત તબિયતને કારણે લીમડીમાં રોકાયા હતા. મુનિજીએ પંડિતજીને રાષ્ટ્રીય વિદ્યાપીઠ સંદર્ભે ગાંધીજી સાથે થયેલા વિચાર-વિમર્શની તેમજ ભાવિ કાર્યક્રમ અંગે બધી વાત કરી.
ઇ.સ. ૧૯૨૦ની ઑક્ટોબરની ૧૯મી તારીખે રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય (ગુજરાત વિદ્યાપીઠ)ની સ્થાપના થઈ. પ્રાચીન ઇતિહાસ અને સાહિત્યના અધ્યયન-સંશોધન માટે વિદ્યાપીઠમાં “ગુજરાત પુરાતત્ત્વ મંદિરની શરૂઆત થઈ. નામકરણ પણ મુનિજીએ જ કર્યું. માત્ર બત્રીસ વર્ષના યુવા મુનિને સંસ્થાના આચાર્ય તરીકે નિયુક્ત કર્યા. મુનિશ્રીએ કૉલેજ કે વિશ્વવિદ્યાલયમાં ક્યારેય અભ્યાસ કર્યો નહોતો કે એ સંસ્થાઓની કોઈ ઉપાધિ (ડિગ્રી) એમની પાસે નહોતી. મુનિજીની વિદ્વદ્ સંશોધકની પ્રતિભા તેમજ ગાંધીજીની કોઠાસૂઝ નીતરતી પરખને કારણે જ આ વિદ્યાકીય ઘટના બની. પોતાના સાધુવેશ તેમ જ આહાર-વિહાર-વિચારમાં જરૂરી ફેરફારો કરી મુનિજી રાષ્ટ્રસેવક બનીને પુરાતત્ત્વ મંદિરના નિયામક નિમાયા. અહીં પુરાતત્ત્વ મંદિરમાં રહીને ગ્રન્થાવલીરૂપે અનેક મહત્ત્વપૂર્ણ ગ્રંથોનું પ્રકાશન કર્યું. મુનિજીના વિદ્યાતપને લીધે આ વિદ્યાકેન્દ્રને સારી એવી પ્રતિષ્ઠા મળી. શ્રી રસિકલાલ પરીખ પુરાતત્ત્વમંદિરના મંત્રી નિયુક્ત થયા. બૌદ્ધ વિદ્વાન શ્રી ધર્માનંદ કોસાંબી, પંડિત બેચરદાસ દોશી (ભાષાવિદ્ ડૉ. પ્રબોધ પંડિતના પિતાજી), શ્રી કાકા કાલેલકર, શ્રી કિ.ઘ. મશરૂવાળા, શ્રી મૌલાના સૈયદ અબુઝફર નદવી, શ્રી રા. વિ. પાઠક, પંડિત સુખલાલજી સંઘવી જેવા વિશિષ્ટ વિદ્વાનો અને સંશોધકો વિદ્યાપીઠમાં હતા. વિદ્યાકેન્દ્રની પ્રતિષ્ઠાથી આકર્ષાઈને, અધ્યયન-સંશોધનની જાણકારી માટે ભારતીય વિદ્યા (Indology)ના જર્મન વિદ્વાન ડૉ. શુબિંગ (પીએચ.ડી.), પ્રો. વૉલર સાથે