________________
184
૫. સુખલાલજી
SAMBODHI
કલ્પ છે; તો બીજા અનેક એવા છે, જે પરમાત્મતત્ત્વને બાહ્ય વિશ્વ અને ચેતનતત્ત્વ એ બેથી સાવ નિરાળું ન માનતાં તેમાં એકરસ યા ઓત-પ્રોત હોય તેવું માને છે. અથવા એમ કહો કે ભૂત અને આત્મા એ બન્ને પરમાત્મતત્ત્વના જ અંશો યા આવિર્ભાવો છે. કોઈ પરમાત્મતત્ત્વને સ્વતંત્ર ન માનતાં તમામ જીવાત્માઓમાં શક્તિરૂપે વિદ્યમાન માને છે અને એ જ શક્તિ વિકસતાં જીવાત્માઓ જ પરમાત્મા બની રહે છે.
મનુષ્ય ગમે તેટલો વિકાસશીલ હોય તોય એને વિકાસ કરતાં કરતાં જ્યારે કાંઈક પોતામાં ઉણપ ભાળે છે, ત્યારે તે કોઈ આવા પરિપૂર્ણ અને સર્વવ્યાપી શુદ્ધ તત્ત્વને માની તેને અવલંબી તેની ઉપાસનામાં લીન થાય છે. પછી એ તત્ત્વ તેનાથી જુદું હોય કે શક્તિરૂપે તેનામાં જ પડ્યું હોય. પણ એની ઉપાસનાની ઝંખના એને દ્વૈતભૂમિકામાં પ્રેરે જ છે. આવી ઉપાસનાઓ પણ માત્ર કલ્પનામાં નથી રહી. તે પણ પ્રયોગ યા સાધનાની કસોટીએ ચડી છે અને તેનાં પણ પરિણામો બધી જ પરંપરાઓમાં લગભગ એકસરખાં નોંધાયા છે. એટલે એમ કહી શકાય કે પરમાત્મતત્ત્વની માન્યતા એ માત્ર કલ્પનારૂપ નથી રહી; એ માનવજીવનના ઊંડા સ્તર સુધી સાકાર થઈ છે. તત્ત્વજ્ઞાન અને ધર્મનો સંબંધ તેમ જ વિચારોત્ક્રાંતિના કેટલાંક પાસાં
તત્ત્વજ્ઞાનની પરંપરાઓનો સાધના તેમજ ઇશ્વરોપાસના સાથે સંબંધ થયો, અને તે તત્ત્વજ્ઞાન ધર્મ સાથે સંકલિત થઈ ગયું. ધર્મ એ મુખ્યપણે શ્રદ્ધા અને સાધનાનું ક્ષેત્ર હોય છે. તેથી તેમાં જે જે તત્ત્વજ્ઞાનના મુદ્દાઓ સંકળાય તે પણ મોટે ભાગે શ્રદ્ધાના વિષયો બની જાય છે. એટલે જેટલું બળ પ્રયોગવિદ્યામાં આવશ્યક હોય છે તે ધર્મક્ષેત્રે રહેવા નથી પામતું. આને લીધે અનેક કલ્પનાઓ પ્રયોગ વિના પણ સિદ્ધાંતનું રૂપ લઈ લે છે. અને દરેક પરંપરાના વિચારકો ઘણી વાર યુક્તિ યા તર્કને બળે જ વિચાર કરે છે. આ વિચારનાં પરિણામો પણ એકદરે ઉત્ક્રાંતિગામી જ આવેલાં દેખાય છે.
જુદાં-જુદાં ભારતીય શાસ્ત્રોમાં અનેક શબ્દયુગલો એવાં છે કે જે ઉપર સૂચવેલી વિચારોત્ક્રાંતિનાં સૂચક છે; જેમ કે લૌકિક અને લોકોત્તર, વ્યવહાર અને નિશ્ચય, સંવૃત્તિ અને પરમાર્થ, વ્યાવહારિક અને પારમાર્થિક, નેયાર્થ અને નીતાર્થ, માયા અને સત્ય ઇત્યાદિ.
જ્યારે માત્ર ભૂતવાદ હતો ત્યારે એનું કોઈ વિશિષ્ટ નામ ભાગ્યે જ પડ્યું હશે. પણ આત્મવાદ અસ્તિત્વમાં આવતાં જ ભૂતવાદને લોકાયત યા લૌકિક દૃષ્ટિ તરીકે ઉતરતું સ્થાન મળ્યું. અને આત્મવાદ લોકોત્તર યા અલૌકિક ગણાયો.
આત્મવાદ સ્થિર થયા પછી પણ એના સ્વરૂપ પરત્વે ઊંડાણ કેળવાનું શરૂ થયું. જે લેશો, વાસનાઓ કે બળો ચૈતન્ય સાથે સંકલિત હોય તે સામાન્ય રીતે ચેતનના ભાગ જ ગણાય. પણ જૈન જેવી પરંપરાઓએ તારવ્યું કે ચેતનનું ખરું સ્વરૂપ એથી જુદું છે. એ વસ્તુ સ્પષ્ટ કરવા તેમણે કહ્યું કે રોજિંદા જીવનમાં અનુભવાતું વાસનામિશ્રિત ચૈતન્ય એ વ્યવહાર છે; નિશ્ચયદષ્ટિએ તો એનું સ્વરૂપ કલેશ-વાસનાઓથી સર્વથા મુક્ત છે. એ જ રીતે જ્યારે એમની સામે પ્રશ્ન આવ્યો કે જો એક પરમાણુ