________________
જૈન સંપ્રદાયમાં સ્તવન'નું માહામ્ય
ભગવાન એસ. ચૌધરી
ભારતીય સાંસ્કૃતિક પરંપરાને હજારો વર્ષથી જીવંત રાખનારા પરિબળોમાં એક મોટામાં મોટું પરિબળ ધર્મતત્ત્વ છે. ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસમાં બ્રાહ્મણ પરંપરા અને જૈન પરંપરાનું યોગદાન મહત્વનું રહ્યું છે. શિલ્પ સ્થાપત્ય, ચિત્રકલા, તત્ત્વજ્ઞાન, વિવિધ વિદ્યાઓ, સાહિત્ય વગેરે વિષયમાં ભારતનો સાંસ્કૃતિક વારસો પણ મૂલ્યવાન છે.
મધ્યકાલીન જૈનગુર્જર કવિઓએ રાસ-રાસો, પ્રબંધ, ફાગુ, ચરિત, બારમાસી, સ્તવન, છંદ, સજઝાય, આરતી, પૂજા, દુહા, આધ્યત્મિક પદો, વગેરે અનેક પ્રકારના સ્વરૂપોની રચનાઓ કરી છે. જૈન ભક્તિસાહિત્યમાં પ્રભુભક્તિ, ગુરુભક્તિ, દેવદેવીઓનીભક્તિ, વગેરે વિષયની રચનાઓ સાંપડે છે. અહી આપણે માત્ર પ્રભુભક્તિનો જ વિષય લઈશું.
પ્રભુભક્તિ માટે સ્તવન, થોય, મોટી પૂજા, વગેરે પ્રકારની રચનાઓ થયેલી જોવા મળે છે. પ્રભુભક્તિ એટલે તીર્થંકર પરમાત્માની ભક્તિ. “તીર્થકર' શબ્દ જૈનોમાં વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે. તારે તે તીર્થ અને તીર્થ પ્રવર્તાવે તે તીર્થકર’ એવી વ્યાપક વ્યાખ્યા આપવામાં આવી છે. તીર્થકર માટે અરિહંત', “અહંત', “જિનેશ્વર' જેવા પર્યાયવાચી શબ્દો પણ પ્રયોજાય છે. અને પ્રભુ, ભગવાન, પરમાત્મા, પરમેશ્વર જેવા રૂઢ શબ્દો પણ પ્રયોજાય છે. જેમણે પોતાના તીર્થકર નામકર્મના ઉદયથી જેઓએ તીર્થ પ્રવર્તાવ્યું છે એવા ચરમશરીરી અરિહંત પરમાત્માની ભક્તિ જીવને મુક્તિ તરફ લઈ જાય છે.
કાળ ગણના પ્રમાણે વર્તમાન અવસર્પિણીમાં ચોવીસ તીર્થંકરો થઈ ગયા. એમાં પહેલા તે ભગવાન ઋષભદેવ અને છેલ્લા તે મહાવીર સ્વામી તદુપરાંત હાલ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા સિમંધરાદિ વીસ વિહરમાન તીર્થકરો પણ છે. ગત ચોવીસી અને અનાગત ચોવીસી તીર્થકરોના નામ પણ ઉપલબ્ધ છે. અને તેમની ભક્તિ માટે પણ સ્તવનોની રચના થાય છે.
બધા તીર્થકરો સ્વરૂપની દષ્ટિએ એક સરખા છે. એમની ભક્તિનું રહસ્ય ઘણું ઊંડું છે. દેવદેવીઓની ભક્તિ ભૌતિક, ઐહિક સુખની અપેક્ષાએ થઈ શકે છે. જિનેશ્વર ભગવાનની ભક્તિ એક