________________
૪
પ્રબુદ્ધ જીવન
ગોરા જેવા અને દક્ષિણમાં શ્યામવર્ણા લોકો જોવા મળશે. તો પણ ભારતીય પ્રજાનો ચામડીનો રંગ એકંદરે ઘઉંવર્ણો ગણાયો છે. આમ ભારતીય લોકો આફ્રિકન લોકો જેટલા કાળા નથી તો યુરોપિયન લોકો જેટલા ધોળા, ગોરા પણ નથી. ચામડીનો અતિશય કાળો રંગ જેમ બહુ પ્રિય લાગતો નથી, તેમ અતિશય ધોળો રંગ પણ બહુ પ્રિય લાગતો નથી. ઘઉંના વર્ણ જેવો વર્ણ મધ્યમ પ્રકારનો, માફકસર અને પ્રિય ગણાયો છે. અલબત્ત એવી ગણના ભારતીય લોકોની જ છે અને એમાં કંઇક સંકુચિત મનોવૃત્તિ રહેલી પણ જણાય. ભારતીય પ્રજાના આ વર્ણનું ગૌરવ કરવા માટે એક લેખકે એવી રમૂજી ક્લ્પના કરી છે કે ઇશ્વર જ્યારે પહેલી વાર મનુષ્યરૂપી ભજીયાં તળવા બેઠો ત્યારે તેને કશો અનુભવ નહોતો. એને મનુષ્ય રૂપી ભજીર્યાનો પહેલો ધાણ ઉતાર્યો ત્યારે તે બળીને કાળો કોલસા જેવો થઇ ગયો હતો. આ ઘાણ તેને આફ્રિકાના પ્રદેશમાં ઠાલવ્યો. ત્યાર પછી ઇશ્વરે બીજો ધાણ નાખ્યો, પરંતુ બીકમાં ને બીકમાં તે એટલો વહેલો ઉતારી લીધો કે તે કાચો રહી ગયો. એ ધોળાવર્ણ જેવો ધાણ એણે યુરોપના પ્રદેશમાં ઠાલવ્યો. હવે ઇશ્વરને મનુષ્યરૂપી ભજીયાનો ધાણ તળવા માટે કેટલી વાર લાગવી જોઇએ તેનો ચોક્કસ અંદાજ આવી ગયો અને પછી જે સરસ ભજીયાં તળાયાં તે ધાણ એણે ભારતમાં ઠાલવ્યો ! એટલે ભારતીય પ્રજાનો વર્ણ આદર્શ ગણાયો. આ તો લેખકની એક રમૂજી લ્પના છે અને પોતાના લોકોની ચામડીના વર્ણનું ગૌરવ કરવા માટેની ઉપજાવેલી વાત છે. વસ્તુત: દરેક પ્રજાને પોતાનો વર્ણ પ્રિય લાગે. સીદી ભાઈને સીદાં વહાલાં એટલા માટે જ કહેવાય છે.
ટાઢ-તડકા સામે રક્ષણ મેળવવા માટે જે નવી નવી વૈજ્ઞાનિકો શોધો થતી જાય છે તેની અસર માનવજીવન ઉપર પડતી જાય છે. હવે માણસ ભરઉનાળામાં સહરાના રણમાં એરકન્ડિશન્ડ કારમાં સફર કરી શકે છે અને ઉત્તર ધ્રુવના પ્રદેશમાં કડકડતા શિયાળામાં હીટરવાળી કારમાં ફરી શકે છે. આથી ચામડીના રંગનો પ્રશ્ન વખત જતાં થોડો હળવો થશે. વળી કોઢના ઉપાયો જેમ શોધાય છે તેમ ચામડીની કાળાશ ઓછી કરવા માટેનાં નવાં નવાં ઔષધો પણ જેમ જેમ શોધાશે તેમ તેમ ચામડીના રંગના જૂના પ્રશ્નો કાલગ્રસ્ત થશે અને નવા કેવા કેવા પ્રશ્નો આવશે તે તો ભવિષ્ય જ કહી શકે.
[3]
પ્રતકૃતિમાં વિવિધ રંગો છે અને તેમાં પણ તરતમતા રહેલી છે. લીલો, વાદળી, ગુલાબી જેવા રંગો પ્રસન્નાપ્રેરક છે, તો કેટલાક ઘેરા રંગો ઉદ્વેગજનક ગણાય છે. માણસની દૃષ્ટિ, સંજોગો, અવસ્થા ઉપર પણ તેનો આધાર રહે છે. આમ છતાં, કાળો રંગ કુદરતી રીતે જ અપ્રિય રહે છે. ઘણા લોકોને કાળો રંગ ગમતો નથી. બાળપણથી પડેલા સંસ્કારને કારણે એ પ્રમાણે બને છે, જેઓ પોતે કાળા છે અને કાળાઓ વચ્ચે રહે છે તેઓને પણ કાળો રંગ એટલો પ્રિય નથી.
પ્રકાશનો રંગ શ્વેત અને અંધકારનો રંગ શ્યામ છે. અંધકાર કરતાં પ્રકાશ ચડિયાતો છે. અંધકારમાં મનુષ્યની દૃષ્ટિ સીમિત થઈ જાય છે. એથી એની ગતિ પણ સીમિત થાય છે. એને પરિણામે એની પ્રવૃત્તિ પણ સીમિત બની જાય છે. એથી જીવનમાં મૂંઝવણ, નિરાશા, ભય, સંશય વગેરે આવે છે. પ્રકાશમાં મનુષ્યની દૃષ્ટિ દૂર સુધી વિસ્તરે છે, તેની ગતિ વધી જાય છે તેની પ્રવૃત્તિ પણ વિકસે છે. એથી જીવનમાં આનંદ, ઉલ્લાસ, વિશ્વાસ, સાહસિકતા આવે છે. આથી પ્રકાશ કરતાં અંધકાર નબળો, ઊતરતો, અપ્રિય ગણાય છે. તમસ્ એ કાલિમાનો પર્યાય બની ગયો છે. અજ્ઞાનને અંધકાર તરીકે ઓળખાવવામાં આવે છે. જ્ઞાનને પ્રકાશ તરીકે વર્ણવામાં આવે છે. આમ પ્રાકૃતિક સંયોગોને કારણે પણ અંધકાર અને કાલિમાનું ગૌરવ થતું નથી. કાળાં ચશ્મા
તા. ૧૬-૬-૯૪
પહેરીને અમાસની અંધારી રાતે અંધારા ઓરડામાં બેઠેલી કાળી બિલાડીને શોધવાનો પ્રયત્ન નિરર્થક નીવડે છે.
કાળા રંગ પ્રત્યેનો મનુષ્ય જાતિનો અભિગમ આરંભ કાળથી જ નિષેધાત્મક રહ્યો છે. કલંકને કાળા તરીકે ઓળખાવવામાં આવે છે. દુચાચારી ભરેલા કાર્યને 'કાળાં કામાં' તરીકે ઓળખાવવામાં આવે છે. અનીતિના ધનને કાળાં નાણા કહેવામાં આવે છે. લોક- વ્યવહારમાં આ શબ્દ એટલી હદ સુધી ધર કરી ગયો છે કે બ્લેક મારકેટ' જેવો શબ્દ પણ વપરાય છે. અન્યાયી કાયદાને કાળા કાયદા તરીકે અને ઇતિહાસની ક્રૂર ઘટનાઓને કાળા ઇતિહાસ તરીકે દર્શાવવામાં આવે છે.
ભારતીય સમાજ જીવનના વ્યવહારમાં કાળો રંગ અપશુકનિયાળ મનાય છે. કેટલીક ધાર્મિક વિધિઓમાં કાળાં વસ્ત્ર પહેરવાનો નિષેધ છે લગ્નમાં પણ વર કે કન્યા કાળાં વસ્ત્રો ધારણ કરી શકે નહિ. શુભ કામ માટે પ્રસ્થાન કરવાનું હોય એ વખતે સામેથી કાળા વસ્ત્રવાળી કોઇ વ્યક્તિ આવે તો તે કેટલાક લોકોમાં હજુ પણ અપશુકન રૂપ મનાય છે.
કાળા રંગ સાથે શોક, ગ્લાનિ, ગાંભીર્ય વગેરે સંકળાયેલાં છે. જૂના વખતથી કોઇકના મૃત્યુ પ્રસંગે સ્ત્રીઓમાં કાળાં વસ્ત્ર પહેરીને જ જવાનો રિવાજ ચાલ્યો આવે છે. તરત વિધવા થયેલી સ્ત્રી પણ ચાર-છ મહિના સુધી કાળું જ વસ્ત્ર પહેરતી. કેટલીક વિધવા સ્ત્રીઓ તો જીવન પર્યંત કાળું વસ્ત્ર ધારણ કરતી, હજુ પણ એવો રિવાજ ઘણે સ્થળે જોવા મળે
છે.
મુસલમાન સ્ત્રીઓમાં કાળો બુરખો ધારણ કરવાનીં પ્રથા છે. યુરોપના કેટલાક સમાજમાં કોઇકના શોકના પ્રસંગે કાળી ટાઇ પહેરવાનો રિવાજ છે. આફ્રિકાના કેટલાક દેશોમાં સ્ત્રીઓ ઘરની બહાર જાય ત્યારે માથે કાળું વસ્ત્રો ધારણ કરવાનો રિવાજ છે. વર્તમાન સમયમાં સુશિક્ષિત માણસોમાં પણ કોઇક ઘટના પ્રત્યે પોતાનો વિરોધ દર્શાવવા માટે વસ્ત્રો ઉપર કાળી પટ્ટી લગાડવાનો રિવાજ છે. ન્યાયાલયોમાં વકીલો અને ન્યાયધીશો કાળો કોટ પહેરે છે. આમ આવા ગંભીર કે ગમગીન પ્રસંગોએ કાળા રંગને સ્થાન મળ્યું છે. અમાસની રાત્રિ કાળી હોવાથી તે શુકનવંતી મનાતી નથી.
જૈન ધર્મમાં લેશ્યાઓનું વર્ણન આવે છે. ચિત્તમાંથી ઉદભવતા ભાવો, વિચારો, તરંગોને પણ પોતપોતાના સૂક્ષ્મ રંગ હોય છે. તે અનુસાર શુભ અને અશુભ મળીને છ લેશ્યાઓ ગણાવવામાં આવે છે-કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ અને શુકલ. આ લેશ્યાઓ અશુભમાં અશુભ, સૌથી ખરાબ લેશ્યા તે કૃષ્ણ લેશ્યા છે. તેનો રંગ કાળો છે : મનુષ્યના ચિત્તમાંથી મલિન, હિંસક, પાપી, દુરાચારી વિચારો કે ભાવો ઉદભવતાંની સાથે એના ચિત્તમાંથી કાળો સૂક્ષ્મ રંગ પણ નીકળે છે જે એના ચહેરા ઉપ૨ અને સમગ્ર શરીરમાં પ્રસરવા લાગે છે. આમ લેશ્યાની દૃષ્ટિએ કાળો રંગ અશુભ ગણાય છે.
આમ છતાં કાળો રંગ સર્વથા અશુભ છે એમ નહિ કહી શકાય. એનું પણ યોગ્ય વિષયમાં, યોગ્ય પરિપ્રેક્ષ્યમાં ગૌરવભર્યું શુભ સ્થાન છે. કાળા રંગની કોઇ વિશિષ્ટ છાંય તરત મનને વશ કરી લે એવી અદભુત હોય છે.
ગોરા લોકોમાં કાળા લોકો પ્રત્યેનો તિરસ્કાર જેમ હતો તેમ બીજી
બાજુ કાળા રંગ પ્રત્યેનું તેઓનું આકર્ષણ પણ હતું. ગોરી ચામડી પર કાળું વસ્ત્ર વધારે ઉઠાવદાર લાગે છે. આથી જ યુરોપમાં, વિશેષત: ફ્રેંચ મહિલાઓ એક જમાનામાં કાળાં વસ્ત્ર પહેરવાની ફેશન એટલી બધી પ્રચલિત બની ગઇ હતી કે પછી તો લગ્નાદિ શુભ પ્રસંગોએ પણ લોકોએ કાળાં વસ્ત્ર પહેરવાનું ચાલુ કર્યું હતું.