Book Title: Prabuddha Jivan 1994 Year 05 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 72
________________ ૧૬ * : પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૭-૯૪ અને તા. ૧૬-૮-૯૪ દિલાવરસિંગ, છાવણીનું નિરીક્ષણ કરવા આવેલા સર્કલ કમાન્ડર કર્નલ સિંધુને બીજા દિવસે પૂરું નિરીક્ષણ કરવાનો સમય ન મળવા દેવાના હેતુથી આગલી રાતે લગભગ બે વાગ્યા સુધી પાનાંની રમતમાં રોકી રાખવાની ચતુરાઈ કરે છે અને પોતાના એ હેતુમાં તેઓ સફળ પણ થાય છે. આઠમું શબ્દચિત્ર વાતવાતમાં એન.સી.સી.ના કેડેટો કે ઓફિસરોને ખોટી રીતે ધમકાવનાર લશ્કરી મિજાજના પંજાબી મેજર તેજાસિંગનું છે. એક રાત્રે એ મેજર તેજાસિંગે હાસ્યરસનું નાટક કર્યું. એમના મિત્ર કર્નલ હરપાલસિંહે એમને પીવડાવેલા શરાબના નશામાં તેમણે છાવણીના છેવાડે ધોબીએ કપડાં ધોવાનું પાણી ઉકાળવા લાકડાં સળગાવ્યાં હતાં તેને મોટી આગ માની બેઠા અને રાતના બાર વાગ્યાના અરસામાં છાવણીમાં આગ લાગી હોવાની ચેતવણી આપવાનો ઘંટ જોરજોરશી વગાડ્યો. નવમું શબ્દચિત્ર એન.સી.સી.ની બટૅલિયનના ભંડારમાંથી ઓફિસના કારકુન, હમાલ અને પટાવાળા કેવી રીતે ચોરી કરતા હતા તે ચતુરાઇથી પકડી પાડનાર કૅપ્ટન સિંઘનું છે, તો દસમું શબ્દચિત્ર જેમને છાવણીમાં રસોઇની સંભાળ રાખવાની જવાબદારી સોંપવામાં ઓવી હતી તે કૅપ્ટન કુલકર્ણીને લલચાવી અને કૉન્ટ્રક્ટર સાથે ભળી જઈ ભ્રષ્ટાચાર આચરનાર અને એ ભ્રષ્ટાચારનો દોષ કૅપ્ટન કુલકર્ણી ઉપર ઢોળનાર મેજર મુતાલિકનું છે. અગિયારમા શબ્દચિત્રનું પાત્ર ઊંચો, ગોરો, લંબગોળ ચહેરો, ઓછા અને ભૂખરા વાળ તેમજ સહેજ ભૂરી આંખોવાળો, જોતાં ગમી જાય એવો, બધા વિદ્યાર્થીઓમાં જુદી ભાત પાડે તેવો એંગ્લો- ઇન્ડિયન જેવો લાગતો ‘તેજસ્વી વિદ્યાર્થી અન્ડરઓફિસર એલન છે. એણે કંઈ ભૂલ નહોતી કરી, છતાં કરી છે એમ માનીને તેને ‘ઇડિયટ' કહી અપમાન કરનાર કૅપ્ટન જાદવને પોતાના સ્વમાનની ખુમારીથી એલને કહી દીધું, “સર, વધુમાં વધુ શિક્ષા તમે શી કરી શકો? મારી રેન્ક લઈ શકો, મને ડિમોટ કરી શકો. મને કૉલેજમાંથી ડિસમિસ કરાવી શકો, તો આ બધાં માટે આજે જ હું તૈયાર છું. તમે મને ડિમોટ કરો તે પહેલાં રાજીખુશી હું રેન્ક.અહીં જ પાછી આપી દઉં છું.' આટલું કહી તેણે તરત જ અન્ડર-ઓફિસર તરીકેની પોતાની રેન્કની પટ્ટીઓ કાઢીને કૅપ્ટન જાદવની સામે ફેંકી અને કહ્યું: “સર, આ લો તમારીરેન્ક પાછી. તમને ઇચ્છા થાય તો મને કોલેજમાંથી પણ ડિસમિસ કરાવી શકો છો. મને એનો જરાય ડર નથી.' એલનનું શબ્દચિત્ર આપણું અને વિદ્યાર્થીઓનું . દિલ જીતી લે એવું છે. બારમું શબ્દચિત્ર એન.સી.સી.માં જોડાઇ પહેલા દિવસે એક ઉંદર મારીને ચૂપચાપ એન.સી.સી. ઓફિસની બારીમાંથી ઓફિસના કબાટ નીચે નાખી, પછી પોતે જ એ ઉંદરને બહાર ફેંકી દઇ, પાણીથી પોતું કરી બધું સાફ કરી ઓફિસરોનો વિશ્વાસ સંપાદન કરી કૉર્પોરલ બનનાર બારશીનું છે. એ કૉર્પોરલ બારશીએ કેડેટોને લશ્કરી તાલીમ આપવા નાસિકમાં યોજવામાં આવેલી છાવણીમાં બીજા કેડેટોના રૂપિયાની ચોરી કરતો અને એ રકમમાંથી સિગરેટ ફૂંકતો, જુગાર રમતો અને શરાબ પીતો. લેખકે કેવી ચતુરાઈભરેલી યુક્તિ કરીને બારશીની બધી વાત પકડી એ વાચક લેખકના જ શબ્દોમાં જ વાંચે. તેરમા, સેઇન્ટ ઝેવિયર્સ કોલેજમાં વિજ્ઞાનના તેજસ્વી વિદ્યાર્થી લાન્સ કૉર્પોરલ જયેશ વર્માના શબ્દચિત્રમાં ઘેરો કરુણ રસ છે. જયેશ વર્માને “બી” પ્રમાણપત્રની પરીક્ષા આપી ઇન્ટર સાયન્સની વાર્ષિક પરીક્ષામાં બે વિષયોમાં રાહત મેળવી બાકીના વિષયોમાં ઊંચા ટકા મેળવી મુંબઈ યુનિવર્સિટીમાં પહેલો આવી એન્જિનીયરિંગ કોલેજમાં દાખલ થવું હતું. પણ જયેશ કેડટોને આપવામાં આવતી તાલીમમાં ધ્યાન આપવાના બદલે બીજાઓએ સોંપેલાં પરચૂરણ કામો કર્યા કરતો. પરિણામે દેવલાલીમાં યોજવામાં આવેલી શિબિરમાં જયેશ નપાસ થયો. મુંબઇમાં કોલેજના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવેલું પરિણામ વાંચીને પોતે નાપાસ થયો છે એ જાણી જયેશ એટલો બધો નિરાશ થયો કે તેણે કોલેજની પ્રયોગશામાં જઈ કોઈ ઝેરી રસાયણ ખાઈને આપઘાત કર્યો. બાકીનાં શબ્દચિત્રોમાં ચૌદમા, લેખક પોતે અને તેમના સાથીઓ કરતાં નીચલી પાયરીનાં હોવા છતાં કૅમ્પ-કમાન્ડન્ટ મેજર, કોલાબાવાલાએ જેમની કૅમ્પ-એડમ્પટન્ટ તરીકે નિમણૂંક કરી તે સાથે જ જેમને સંપૂર્ણ સત્તાનો નશો ચડી ગયો અને જે કેડેટો પાસે વારેવારે પોતાને સલામ ભરાવતા તે લેફ્ટનેન્ટ મોઘેનું, શબ્દચિત્ર તથા પંદરમું તેજસ્વી સુબેદાર ઓવટેનું પ્રેરક શબ્દચિત્ર અને સોળમું રાતના ભોજન સમારંભમાં પારસીઓને સહેજ એવી મશ્કરી- મજાક કરવાની વૃત્તિથી પોતાના લશ્કરી જીવનના કેટલાક પ્રસંગો અને ટૂચકાઓ કહી વાતેવાતે બધાને હસાવનાર બ્રિગેડિયર દારૂવાલાનું શબ્દચિત્ર-એ ત્રણે શબ્દચિત્રોમાં વાચકોને રસ પડે એવી ઘણીબધી સામગ્રી છે. - ડૉ. રમણલાલ શાહે આ સોળેય શબ્દચિત્રો એવી સરસ રીતે દોય છે કે વાચકના ચિત્ત ઉપર એમના પોતાના વ્યક્તિત્ત્વની સ્પષ્ટ છાપ અંકિત થઈ જાય છે. મારા પોતાના ચિત્ત ઉપર તેમના વ્યક્તિત્ત્વની એવી પહેલી છાપ પુસ્તકમાં શબ્દચિત્રોની પહેલાં મૂકેલી ૧૯૫૫માં લેફ્ટનન્ટના ગણવેશમાં પાડવામાં આવેલી મેજર રમણલાલ શાહની છબીમાં દેખાતા પ્રભાવશાળી લશ્કરી અધિકારીની છે. પણ એ લશ્કરી અધિકારીનો મિજાજ ડૉ. રમણલાલ શાહે દોરેલાં શબ્દચિત્રોના પાત્રોમાંના કર્નલ બ્રિટો, મેજર ખન્ના અને એવા બીજા લશ્કરી અધિકારીના મિજાજ જેવો તેજ નથી. તેના બદલે વાચક મેજર રમણલાલ શાહમાં ઉષ્માભર્યું કોમળ હૃદય, પોતાની ભૂલ કબૂલ કરવાની નમ્રતા, ક્યારેક ટીખળવૃત્તિ, જાતજાતની વ્યક્તિઓમાં રસ લેવાની સંવેદનશીલતા, પોતે જે જે વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા તેમના બાહ્ય દેખાવની અને લાક્ષણિકતાઓ પોતાના મનમાં નોંધી રાખી પોતે દોરેલાં શબ્દચિત્રોમાં એ લાક્ષણિકતાઓ વાચકને પ્રત્યક્ષ કરાવવાની કળા, અને એન.સી.સી.માં ૧૯૫૧થી ૧૯૭૦ પોતાની લગભગ વીસ વર્ષની કારકિર્દી દરમિયાન પોતાને થયેલા અનુભવોનું એ કારકિર્દી પૂરી થયા પછી બાવીસ વર્ષે તેમની પાસે સચોટ નિરૂપણ કરાવી શકે એવી અસાધારણ સ્મરણશક્તિ અને સર્જક કલ્પના, એ બધું જોઈ પ્રભાવિત થવાય છે. વાચકના ચિત્ત ઉપર આખા પુસ્તકની જે સમગ્ર છાપ પડે છે તે એક સમૃદ્ધ વ્યક્તિત્વની છે. આપણને આવું રસપ્રદ પુસ્તક આપવા માટે ડૉ. રમણલાલ શાહને હાર્દિક અભિનંદન!

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112