________________
२७
પ્રસ્તાવના
અનેક મહત્વના ઉપયોગી ગ્રંથોના શાસ્ત્રીય સંશોધન–પ્રકાશનકાર્યની સવિશેષ પ્રગતિમાં સતત પ્રયત્નશીલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના માનદ મંત્રી મહોદયો, માનવંતા ટ્રસ્ટીઓ, અને જિનાગમ પ્રકાશન ટ્રસ્ટ સમિતિના સભ્યો, તથા નાદુરસ્ત શારીરિક સ્થિતિ હોવા છતાં, આ અને અન્ય આગમાદિ ગ્રંથોના પ્રકાશન અંગેની અનેક બાબતોમાં અંતરની ભાવનાપૂર્વક સતત જાગરૂક અને પરિશ્રમ કરનાર જિનાગમ ટ્રસ્ટ અને સાહિત્ય પ્રકાશનના માનાર્હ ડિરેક્ટર શ્રી કાન્તિલાલભાઈ કોરા, આ સૌ મહાનુભાવોને તેમની જ્ઞાનભક્તિની અનુમોદના કરીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, અને આવાં ઉપયોગી પ્રકાશને માટે તેમને સર્વ પ્રકારે અનુકૂળતા કરી આપવા માટે શાસનદેવને પ્રાર્થના કરું છું.
- કાવા-દાવાના કીચડથી રંગાયેલા વિશ્વમાં પણ જેમણે સતત જ્ઞાનસાધના કરી છે એવા ભારતીય દર્શનોના ઊંડા અભ્યાસી વિદ્યાપુરુષ ડૉ. શ્રી નગીનદાસ જે. શાહે, મારી ગુજરાતી પ્રસ્તાવનાનો અંગ્રેજી અનુવાદ કર્યો છે, તથા સુપ્રસિદ્ધ વિદ્વાન ડો. હરિપ્રસાદભાઈ ગં. શાસ્ત્રીજીએ મારી ગુજરાતી પ્રસ્તાવનાને સરસરી નજરે વાંચી આપી છે, તે બદલ આ બન્ને વિદ્વાન પ્રત્યે, ધન્યવાદપૂર્વક મારો ઋણિભાવ જણાવું છું.
હસ્તલિખિત અને મુદ્રિત ગ્રંથો મને ઉપયોગ કરવા માટે આપવાની અનુમતિ માટે શ્રી લાલભાઈ દલપતભાઈ, ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના મુખ્ય નિયામકશ્રીનો, તથા તે તે ગ્રંથો મને લાવી આપવા અને પરત કરવા વગેરે અનેક કાર્યમાં અનુકૂળતા કરવા બદલ શ્રી લક્ષ્મણદાસ હીરાલાલ ભોજકનો હું હાર્દિક આભાર માનું છું.
સુખ્યાત મૌજ પ્રિન્ટિંગ બ્યુરી, મુંબઈના સંચાલક શ્રી પ્રભાકરભાઈ ભાગવત તથા અન્ય કાર્યકર ભાઈઓએ પ્રસ્તુત ગ્રંથના મુદ્રણમાં સંપૂર્ણ સુવિધા આપી છે, તે બદલ તેઓ સૌ મારા ચિરસ્મરણીય બન્યા છે.
૧૧, કરુણા સોસાયટી, નવા વાડજ પાસે અમદાવાદ-૩૮૦ ૦૧૪, વૈશાખ વદી ૬ શુક્રવાર તા. ૨૬-૫-૧૯૮૯
વિજજનવિનય અમૃતલાલ મોહનલાલ ભોજક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org