________________
મિથ્યાત્વ મોહના ઉદયથી તે વિચારવા લાગ્યા : અહો! સિદ્ધાંતમાં એક જ સમયમાં એક જ ક્રિયાનો અનુભવ થાય એમ કહ્યું છે. પરંતુ મને તો સ્પષ્ટપણે એક સાથે શીતળતા અને ઉષ્ણતા એમ બંન્ને ક્રિયાનો અનુભવ થાય છે તેથી આગમની આ વાત અનુભવથી વિરુદ્ધ છે. પોતાને થયેલો અનુભવ પોતાના ગુરુજીને કહ્યો.
ગુરુજીએ કહ્યું કે, વત્સ ! તું જે બે ક્રિયાનો અનુભવ સાથે કર્યાની વાત કરે છે તે અનુભવાભાસ છે. ક્રમશઃ જ અનુભવ થાય છે. પરંતુ સમય ઘણો બારીકાઇ હોવાથી યુગપદ્ જેવું ભાસે છે. સમય આવલિકા કાળ વિગેરે ઘણો સૂક્ષ્મ હોવાથી ક્રમનો ખ્યાલ આવતો નથી. તથા તેને જાણવામાં પ્રવર્તતુ મન પણ અતિશય ચંચળ છે. તેથી વેગપૂર્વક બોધ થતો હોવાથી યુગપદ્ અનુભવ થયો હોય એમ ભ્રમ થાયછે.
બે ક્રિયામાં ઉપયોગ સાથે હોતો નથી. જીવ ઉપયોગમય છે. આત્માની બધી જ શક્તિ એક જ સમયમાં એક જ વિષયના અનુભવમાં જોડાય છે. બીજી વસ્તુનો અનુભવ તે સમયે થતો નથી. સમયાંતરે થાય છે. માટે ક્ષેત્રથી દૂર દૂર રહેલી પગની અંદર શીતળતા અને માથા ઉપર ઉષ્ણતાની વેદના આ બન્ને સાથે અનુભવાતી નથી.
જેમ કોઇ શક્તિશાળી મનુષ્ય તિક્ષ્ણ અણીદાર શસ્ત્ર વડે કમળની સો પાંખડીઓને વિંધે તો લાગે છે એમ કે મેં એકી સાથે કમળની સો પાંખડીઓ વિધી છે. પરંતુ હકીકત એવી છે કે, ક્રમસર જ પાંખડીઓ વિંધાણી છે. તેની જેમ કાળ અતિશય સૂક્ષ્મ હોવાથી બે ક્રિયા સાથે થઇ હોય એમ લાગે છે. બાકી ક્રમસર જ બન્ને ક્રિયાઓ થાય છે. કાળ સૂક્ષ્મ હોવાથી સમયભેદ જણાતો નથી.
આ વેદનાનો અનુભવ એ મતિજ્ઞાન હોવાથી પ્રથમ સામાન્યપણે વેદનાનું જ્ઞાન થાય, ત્યારબાદ ઇહામાં પ્રવેશ થાય પછી નિર્ણયાત્મક પગની વેદનાનો બોધ થાય. ત્યારબાદ મસ્તકની વેદનાનો અર્થાવગ્રહ થાય. ત્યારબાદ તેના સંબંધી ઇહા અને પછી તે વેદનાનો નિર્ણયાત્મક બોધ થાય આમ આ બંન્ને વેદનાના અનુભવમાં ઘણા સમયનો કાળ જાય છે. માટે યુગપદ્ વેદના નથી. આમ ગુરુ વડે અનેક દૃષ્ટાંતો આપવાપૂર્વક સમજાવવા છતાં તે મુનિ સમજ્યા નહીં. પોતાની શ્રદ્ધા અને પ્રરૂપણા શાસ્ત્રથી વિરુદ્ધ હોવાના કારણે ગુરુજીએ તેઓને સંઘ બહાર મૂક્યા.
શ્રી આર્યગંગે સંઘ બહાર રહીને ક્રિક્રિયાવાદનો પ્રચાર ચાલુ જ રાખ્યો. તેઓ વિહાર કરતાં કરતાં એકવાર રાજગૃહી નગરીના મણીનાગ યક્ષના ચૈત્યમાં આવ્યા. ત્યાં વ્યાખ્યાનમાં ક્રિક્રિયાવાદનું સ્થાપન કર્યું તે સાંભળીને ત્યાં રહેલો યક્ષ કોપિત થઈ ગયો અને ઉપાલંભ આપવા લાગ્યો કે, હે સાધુ ! આ જ ક્ષેત્રમાં પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ એક સમયમાં એક જ ક્રિયાના વેદની પ્રરૂપણા કરી છે તે મેં બરાબર સાંભળી છે અને તમે તેનાથી વિપરીત પ્રરૂપણા કેમ કરો છો? શું તમે પરમાત્માથી પણ વિશેષ જ્ઞાની છો?
TO Gો