________________
આકાશમાંથી ખર... ખર... કરતા.... કરતાંકને... બસ ! પીળાં પીતાંબર પહેર્યા છે. માથે મોરમુગટ છે. એક હાથમાં સુદર્શન ચક્ર વિરાજી રહ્યું છે. બીજા હાથમાં શંખ અને ગદા શોભે છે. ગરુડ ઉપર સવારી કરી છે ને ત્રીજા હાથમાં ગરુડની લગામ છે. ચોથા હાથમાં, બાપુ, પાણીની ઝારી રહી ગઈ છે. જરાક વાંકી વાળી છે અને એમાંથી પાણીની ધાર વહી રહી છે.
બાપુ, એ પાણી મારી નાની દીકરીને પાયું, મારા છોકરાઓએ પીધું, મારી પત્નીએ પણ પીધું. પણ બાપુ ! મેં ન પીધું, હોં !”
બાપુએ પૂછયું, “અરે, તેં કેમ ન પીધું ?”
જટા કામદારે જવાબ આપ્યો, “ક્યાંથી પીઉં બાપુ ! મને શુદ્ધિ કે સાન જ નહોતી. હું તો બસ એકીટશે એમના મુખારવિંદને જોઈ રહ્યો હતો, બાપુ.
ને હું બાપુ, તમે માનશો ? અસ્સલ તમારા જેવો જ ચહેરો હોં.”
“એ વખતે મને થયું કે અલ્યા જટિયા, તું ક્યાં ચાલ્યો જાય છે ? અરે, બાપુ ખુદ કૃષ્ણ ભગવાનના અવતાર છે. તે તને ફાંસી દેશે તો ચોર્યાશી લાખ ભવના ફેરા ભાંગશે. અહીંથી ભલે તારું કામદારું લીધું, પણ પરલોકમાં વૈકુંઠનું રાજ આપશે. અલ્યા જટિયા, તારા તો બંને હાથમાં લાડુ છે.
માટે બાપુ, હું તો આવ્યો પાછો ને હવે જરાય વાર કર્યા વગર કે સવાર ઊગવાની રાહ જોયા વગર મને ફાંસી આપી દો. જય મુરલીધર મહારાજ. આપ મુરલી-મનોહરના અવતાર છો. એની મારી સગી આંખે ખાતરી કર્યા પછી બાપુ, આપનાં ચરણ કઈ રીતે છોડું ? સહુનું થવું હોય તે થાય પણ હું તો વૈકુંઠ ભેગો થઈ જઉં.”
પોતાની દાઢી અને માથું પસવારતાં ઠાકોરે કહ્યું, “ગાંડો થા મા. આવી છોકરવાદ મૂકીને કામદારું કરવા માંડ. અને જો, જટા, આ વાત બીજા કોઈને કરતો નહીં, હોં.
“એ તો તને ખબર છે ને જટા કે હું હોઉં તો હોઉં પણ ખરો !”
૧૫ @ હોઉ તો હોઉં પણ ખરો