________________
“બસ બાપુ ! આ સામે રહ્યું એ જ ગામ. આપણે અહીં વડલા હેઠ ઉતારો કરો. હું ખબર આપું છું. ઝટ સામૈયું કરે અને પછી ઝટ જમાડી લે જાનને.”
પ્રેમા શેઠ કહે, “અલ્યા ! તું વરરાજો ઊઠીને સામૈયાનું કહેવા જા, એ તો સારું ન લાગે. બીજું કોઈ જશે.”
મગન કહે, “મને જ જવા દો. બીજાને ઓળખશે નહીં. જરા ઠપકો પણ આપીશ. લાખેણી જાન આવે, ત્યારે પાદરે સામા આવવું જોઈએ ને ? બાપુ ! આ તો આપ સહુનું ખરાબ દેખાય. બાકી આવું થાય તો હું પરણ્યા વગર જ પાછો ફરું હો.”
પ્રેમા શેઠ કહે, “ભાઈ, હવે લાખેણા લોકો આવ્યા છે તે લાખેણી લાડી લીધા વગર કંઈ થોડા પાછા ફરે !”
મગન ઉતાવળે પગે ગામ તરફ ચાલ્યો. રાતના દસ વાગ્યા, સાડા દસ થયા, અગિયાર થયા, પણ મગન તો દેખાય જ નહીં. જાનૈયા ઊંચાનીચા થવા લાગ્યા. અમરા દરબારે પ્રેમા શેઠને કહ્યું, “અલ્યા, કોઈ ગામમાં જઈને જુઓ તો ખરા ! સામૈયાને વાર કેમ લાગે છે ? છેલ્લી ઘડીએ કંઈક વાંધો-વચકો તો નથી પડ્યો ને ?”
ખેમા પટેલ પણ અકળાયા. ગાડામાંથી એક આડું (લાકડું) કાઢીને ગામમાં ચાલ્યા. બોલ્યા કે પહેલાં તો મગનાની આ આડાથી પૂજા કરીશ અને પછી એના સસરાની આનાથી ભક્તિ કરીશ. એ પછી બીજી બધી વાત.
બે-ચાર જણા પટેલની પાછળ ચાલ્યા. ગામડું ગામ અને સોપો પડી ગયેલો. ક્યાંય કોઈ ઠેકાણે લગનનો માંડવો દેખાય નહીં કે સામૈયાની તૈયારીની ધમાલ દેખાય નહીં.
એક પટેલ બળદને કડબ નીરે. ખેમા પટેલે પૂછ્યું, “ભાઈ ! આ ગામમાં કયા પટેલને ત્યાં લગન છે ?”
પેલા પટેલ કહે, “આ ગામમાં પટેલનાં ખોરડાં બે છે. એક મારું અને બીજું મારા ભત્રીજાનું. અમારે ત્યાં તો કોઈ લગન નથી.”
૫૩ છ મગનની જાન