________________
ચારે સ્ત્રીઓ કહે, “અમને દરેકને લાખ-લાખ રૂપિયા મળે તો અમે માનીએ કે તમે કમાયા. બાકી બધી વાતો."
“બહુ સારું. તો હવે અમે કમાવા જઈએ છીએ.”
ચારે બ્રાહ્મણ ભેગા મળ્યા. સંતલસ કરીને ગોઠવણી કરી. ચારે પોતાના ગામમાંથી કમાવા માટે નીકળ્યા. એક બ્રાહ્મણે પોતાની પત્ની અને જુવાન પુત્રને સાથે રાખ્યાં.
ખૂબ દૂર ગયા. એક ગામ આવ્યું. ચારે બ્રાહ્મણોએ ત્યાં વસવાટ કર્યો. એક બ્રાહ્મણ દેવમંદિરમાં બેસી ગયો. રોજ બેઠોબેઠો પાઠ કર્યા કરે.
બીજો સ્મશાનમાં વસ્યો. અઘોરી જોગી બનીને રહ્યો. ત્રીજાએ રાજાને ત્યાં નોકરી લીધી. ઘોડારમાં કામ કરવા લાગ્યો.
ચોથા બ્રાહ્મણે ગામમાં ઘર લીધું. સાથે એની પત્ની અને પુત્ર હતાં, એણે ગામમાં પાઠશાળા કાઢી.
મંદિરમાં બેઠેલો બ્રાહ્મણ રોજ પાઠ કરે. સવાર હોય કે સાંજ, દિવસ હોય કે રાત, એ તો સદાય ભગવાનના જાપ જપતો જોવા મળે. પાઈ પૈસો, અનાજ કે સીધું - જે કંઈ આવે તે તરત ત્યાં ને ત્યાં જ કોઈ ભૂખ્યાને કે દુખિયાને આપી દેતો.
સ્મશાનનો જોગી નિરાહાર જ રહે. કશું ખાય નહીં. કોઈની સાથે બોલે નહીં. નિત્ય સમાધિમાં જ રહે. જ્યારે જુઓ ત્યારે સમાધિમાં જ હોય.
ઘોડારમાં નોકરી કરતા બ્રાહ્મણે એટલી તો મહેનત કરી કે સહુને લાગ્યું કે આના જેવો જાણકાર નોકર અગાઉ ઘોડારમાં આવ્યો નથી અને હવે કોઈ આવશે પણ નહીં.
ચોથા બ્રાહ્મણે પાઠશાળા સ્થાપી. એમાં સહુને મફત વિદ્યાભ્યાસ. કોઈનો એક પૈસોય ન લે. કોઈ સામે ચાલીને આપવા આવે તો ઘસીને ના પાડે. એ કહે કે વિદ્યાને વેચાય જ નહીં. એનું શુલ્ક લેવાય જ નહીં.
મોતીની માળા જી ૬૬