________________
મયાએ નાનાભાઈને કહ્યું,
અરે, જોને ભાઈ દયા ! આ આપણી નાતમાં સોમેશ્વર પંડ્યા ખરા ને! એમણે એમની માનું કારજ કેવું કર્યું !
વાહ રે ભાઈ, વાહ ! આજ દસ-દસ વર્ષનાં વહાણાં વીતી ગયાં, છતાં નાત એને સંભારે છે અને કહે છે કે એવું કારજ તો કોઈએ કર્યું નથી.”
દયાશંકર કહે,
“પણ ભાઈ મયા, સોમેશ્વર પંડ્યાની સ્થિતિ તો ઘણી સારી હતી. એમનાં ઘરનાં ઘર, વાડી અને ગાડીય ખરાં. આથી તો સોમેશ્વર પંડ્યા ‘ગીની'ના નામથી ઓળખાતા હતા. એમને બે તો બહુ મોટા વારસા મળ્યા, એનાં પગરખાંમાં આપણો પગ હોય ?”
અરે ભાઈ દયા ! મને તારી દયા આવે છે. નાતમાં તો સહુ સરખા. એ નાણાંવાળો છે અને આપણે ગરીબ છીએ તેવો ગામમાં ઢોલ પીટવાનો ન હોય. આવે અવસરે તો આપણી શોભા વધે એવું કરવું જોઈએ. આપણે એના બરોબરિયા થઈને રહેવું જોઈએ. નાત પણ કહે કે, વાહ ભાઈ ! રંગ રાખ્યો તમે. માને માટે પાંચ પૈસાનું કરજ થાય તોય વાંધો નહિ, પણ નાતમાં સવાયા થઈને રહેવું જોઈએ, હોં.”
“ભલે ભાઈ, તમે કહો તેમ, પણ સોમેશ્વર પંડ્યાએ શું કર્યું હતું ?”
“આ પાછી તેં સોમેશ્વર પંડ્યાની વાત કાઢી. વારેવારે તું સોમેશ્વર પંડ્યાનું જ નામ લે છે, પણ સોમેશ્વર પંડ્યાનું જોઈને ધીરા ભટે શું કર્યું હતું
એ જ જોને? સોમેશ્વર પાસે કાન પકડાવ્યા હતા ને ! અને નાતે પણ કેટલી વાહવાહ કરી હતી.”
દયાશંકર કહે, “પણ ભાઈ, સોમેશ્વરનાં પગરખાંમાં ધીરો પગ નાખવા ગયો, તો એના ઘરનાં ખોરડાંય વેચાઈ ગયાં અને આજ છોકરાંને ભૂખે મારે છે, કરજ ભરપાઈ નથી થયું.”
મોતીની માળા ૭૮